જાહેરમાં મારામારી:વડોદરાના રાત્રી બજારમાં અસામાજિક તત્વોનો અડિંગો, મોડી રાત્રે સશસ્ત્ર ટોળાંએ તોફાન મચાવ્યું, 5ની ધરપકડ

વડોદરાએક મહિનો પહેલા
હથિયાર સાથે દોડી જતો શખસ સીસીટીવીમાં ઝડપાયો - Divya Bhaskar
હથિયાર સાથે દોડી જતો શખસ સીસીટીવીમાં ઝડપાયો
  • તલવાર અને લોખંડની પાઇપ સાથે ધસી આવી ટોળાએ કર્મચારીને માર માર્યો

વડોદરાના કારેલીબાગ રાત્રી બજારમાં મોડી રાત્રે ટેબલ ખુરશી મુદ્દે ગ્રાહક સહિતના હથિયારધારી ટોળાએ તોફાન મચાવ્યું હતું. ટી સ્ટોલના કર્મચારીને ગડદાપાટુનો માર મારી આવતીકાલથી સ્ટોલ બંધ નહીં કરે તો સંચાલક અને કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વેપારીની ફરિયાદના આધારે હરણી પોલીસે આ બનાવમાં પોલીસે 5 ની ધરપકડ કરી છે. જ્યારે અન્ય હુમલાખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ખુરશી લેવાનું કહેતા બબાલ થઈ
કમલાનગર તળાવની પાસે ચામુંડાનગરમાં રહેતો અને કારેલીબાગ રાત્રીબજારમાં ચા નાસ્તાનો સ્ટોલ ધરાવતો 30 વર્ષીય આકાશ રાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે રાત્રે પોણા એક વાગ્યાના સુમારે ચાર યુવકોએ મસ્કાબનનો ઓર્ડર આપ્યા બાદ મારા કર્મચારી સરતાજખાન પઠાણ પાસે ટેબલ ખુરશીની માંગણી કરી હતી. જેથી કર્મચારીએ બાજુની ખાલી રહેલી ખુરશી લઈ લો તેવું જણાવતાં યુવક ઉશ્કેરાઈ ગયો હતો. અને મારા કર્મચારીને અપશબ્દો બોલી ફોન કરતા અન્ય દસથી બાર જેટલા વ્યક્તિઓ તલવાર અને લોખંડની પાઇપ સાથે ધસી આવી કર્મચારીને ગડદાપાટુનો માર માર્યો હતો.

ધમકી અપાઈ
ત્યારબાદ હુમલાખોરોએ ધમકી આપી હતી કે, આવતીકાલથી દુકાન બંધ કરી દેજે નહીં તો જાનથી મારી નાખીશું. આ દરમિયાન આસપાસના વેપારીઓએ હિંમત દાખવી તલવાર સાથે ધસી આવેલા યુવકને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય યુવકો નાસી છૂટયા હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે હરણી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોડીરાત્રે રાત્રીબજારમાં હથિયારધારી ટોળાના પગલે દહેશતનો માહોલ ફેલાયો હતો.

રાત્રી બજાર બહાર રોડ પરના સીસીટીવી ચાલુ, પાલિકાએ અંદર લગાવેલા બંધ
ભુતકાળની ઘટનાઓને લઇ હરણી પોલીસ એકશનમાં આવી ગઇ હતી. હરણી પોલીસે જણાવ્યું હતું કે ‘બાકીના આરોપીઓને પણ પકડવાની કાર્યવાહી ચાલુ છે. મોટાભાગના આરોપીઓ રાત્રે રાત્રી બજારમાં નિયમીત બેસનારા જ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પેટ્રોલીંગ ઘનિષ્ટ બનાવાશે. રાત્રી બજારમાં મોટાભાગે રાતના સમયે કેટલાક આરોપીઓ આવતાં હોવાનું મનાય છે. બજારની બહાર રોડ પર પોલીસના સીસીટીવી ચાલું છે જયારે બજારની અંદર પાલિકાએ મુકેલા સીસીટીવી બંધ છે. પણ વેપારી આકાશ રાણાએ તેની દુકાનમાં સીસીટીવી લગાવ્યા હતા એટલે હુમલાખોરો કેમેરામાં કેદ થઇ ગયા હતા.