તપાસ:છબીલની દિલ્હી સફરમાં એસીપી - આરપીઆઇના જવાબો લેવાયા

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છબીલને ફ્લાઇટમાં દિલ્હીથી લાવવાના મુદ્દાની તપાસ શરૂ
  • અન્ય પોલીસ કર્મી અને અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે છે

રાજ્યના ચકચારભર્યા જયંતી ભાનુશાળી હત્યા કેસના આરોપી છબીલ પટેલને વડોદરા સેન્ટ્રલ જેલમાં રખાયા બાદ તેને દિલ્હીમાં મુદતમાં લઈ જતી વખતે વડોદરાના પોલીસ મુખ્યમથકના જાપ્તાના કર્મચારીઓએ આરોપી પાસેથી 4 લાખ જેટલી રકમ લઇને તેને ફ્લાઈટથી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર લવાયો હોવાના આરોપ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. જેમાં સંબંધિત પોલીસ મુખ્યમથકના એસીપી અને આરપીઆઇની મંગળવારે પૂછપરછ કરાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ભૂતકાળમાં વડોદરા જેલમાં રહેલા શેખ બાબુ હત્યા કેસના આરોપીઓને પણ વીઆઇપી ટ્રીટમેન્ટ મળતી હોવાના આરોપ લાગ્યા હતા.

સૂત્રો અનુસાર વડોદરા મધ્યસ્થ જેલમાં ચકચારી જયંતી ભાનુશાળી મર્ડર કેસના આરોપી છબીલ પટેલને રાખવામાં આવ્યો હતો. આરોપીને કાયદાકીય કાર્યવાહીના ભાગરૂપે દિલ્હી લઈ જવાનો હતો. જેથી પ્રતાપ નગર ખાતે આવેલા હેડ ક્વાર્ટરમાંથી પોલીસ જાપ્તો માગવામાં આવ્યો હતો. જેમાં એક પીએસઆઈ અને 3 પોલીસ કોન્સ્ટેબલને આરોપીનો જાપ્તો સોંપવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીને લઇને જાપ્તાના કર્મચારીઓ ખાનગી કારમાં દિલ્હી ગયા હતા.

પોલીસ મુખ્ય મથકના પીએસઆઇ એ.સી.રાઠવા અને કોન્સ્ટેબલ વિરમ નાથા આરોપી છબીલ પટેલને ખાનગી વાહનમાં દિલ્હી લઇ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતાં બંનેને સસ્પેન્ડ કરાયા હતા. દરમિયાન ગૃહ રાજ્યમંત્રીને ઉદ્દેશીને લખાયેલો એક પત્ર પણ સોમવારે વાઇરલ થયો હતો, જેમાં છબીલ અને તેના પરિવારને કારમાં દિલ્હી લઇ જઇ 5 દિવસ બાદ છબીલને ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ લવાયો હોવાનો આરોપ લગાવાયો હતો. જેથી આ મામલે પણ તપાસ શરૂ કરાઇ છે અને જાપ્તા સાથે સંકળાયેલા એસીપી અને આરપીઆઇની મંગળવારે પૂછપરછ કરાઈ હતી અને હજુ પણ પોલીસ કર્મીઓ અને અધિકારીઓની પણ પૂછપરછ થઇ શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...