છબરડો:આન્સર કી ખોટી નીકળી, SY બીકોમની 2500 ઉત્તરવહીઓ ફરી ચકાસવી પડશે

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • માર્કેટિંગ મેનેજમેન્ટના પેપરમાં 1 MCQના જવાબમાં ભૂલ
  • ચકાસણી બાદ બહારના અધ્યાપકે કોમર્સનાં અધ્યાપિકાની ભૂલ પકડી

એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીની ઉત્તરવહી ચકાસણીમાં ફરી છબરડો થયો છે. એસવાય બીકોમમાં મહિલા અધ્યાપિકાની ભૂલને કારણે ઉત્તરવહીઓ ફરીથી ચકાસવાનો વારો આવ્યો છે. એમસીક્યુમાં એક આન્સર કી ખોટી હોવાથી આ સ્થિતિ સર્જાઇ હોવાનું જાણવા મળ્યું છે. મ.સ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ઉત્તરવહીમાં કોઇ ને કોઇ છબરડા સર્જાઇ રહ્યા છે. ટીવાય બીકોમની ઉત્તરવહીમાં બારકોડ સ્કેન થતાં ન હોવાના કારણે સ્ટિકર ફાડીને વિદ્યાર્થીઓના નંબરના આધારે માર્ક લખવાનો વારો આવ્યો હતો, જેના કારણે પરિણામમાં વિલંબ થયો હતો.

હવે એસવાય બીકોમમાં છબરડો સર્જાયો હોવાનું બહાર આવ્યું છે. જેમાં એસવાય બીકોમના માર્કેટિંગ મેનેજમેન્ટ વિષયના પેપરમાં 30 માર્કના એમસીક્યુ હતા. તેમાંથી એક એમસીક્યુની આન્સર કી જે અધ્યાપિકાએ પેપર કાઢ્યું હતું તેના દ્વારા ખોટી આપવામાં આવી હતી.

ઉત્તરવહીઓ ચકાસણી કરવાની કામગીરી શરૂ થઇ ગઇ હતી અને 2500 જેટલી ઉત્તરવહીઓની ચકાસણી કરી દીધા પછી યુનિવર્સિટી બહારથી ઉત્તરવહી ચકાસણી કરવા આવેલા અધ્યાપકની નજરે આ આન્સર કી આવી હતી અને તેમાં ભૂલ હોવાનું જણાઇ આવ્યું હતું. આ અંગે એસેસમેન્ટ સેલમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેથી મહિલા અધ્યાપિકાને બોલાવી જાણ કરાઈ હતી. બાદમાં સાચી અન્સર કીના આધારે ઉત્તરવહી ચકાસણી કરવાનું નક્કી કરાયું હતું.

2500 જેટલી ઉત્તરવહીઓની ચકાસણી કરી લેવામાં આવી હતી, જેના કારણે હવે ફરીથી તમામ ઉત્તરવહીઓની ચકાસણી કરવાનો વારો આવ્યો છે. એસવાય બીકોમમાં 7200 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. બીજી તરફ મહિલા અધ્યાપિકા સામે કૂણું વલણ દાખવીને કોઇ પણ પગલાં ભરવામાં આવ્યાં ન હોવાનું જાણવા મળ્યું છે.

એસવાય બીકોમમાં પણ ટીવાયનાં પરિણામોની જેમ જ વિલંબ થવાની વકી
ટીવાય બીકોમના પરિણામની જેમ જ એસવાય બીકોમના પરિણામમાં વિલંબ થાય તેવી શક્યતા છે. એમસીક્યુમાં ભૂલ બહાર આવી હોવાના કારણે હવે તપાસી લેવામાં આવેલી ઉત્તરવહીઓની પણ ફરીથી ચકાસણી કરવામાં આવનાર હોવાથી ટીવાયની જેમ આ પરિણામમાં પણ વિલંબ થશે.

અન્ય સમાચારો પણ છે...