ઉત્તરાયણના એક દિવસ પહેલા વડોદરામાં વધુ એક બાઇકસવાર યુવકને પતંગના દોરાથી ગળા પર ઇજા થતાં 5 ટાંકા આવ્યા છે. યુવકને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
જેતલપુર બ્રિજ પર બની ઘટના
વડોદરામાં છેલ્લા 13 દિવસમાં પતંગના દોરાથી ગળા કપાવાની ઘટનામાં બે વ્યક્તિના મોત થયા બાદ હવે ઉત્તરાયણના એક દિવસ પહેલા જ બાઇકસવાર યુવકને ગળા પર ઇજાઓ થયાની ઘટના બની છે. શહેરના શિયાબાગ વિસ્તારમાં આવેલ વ્રજ વિહાર ફ્લેટમાં રહેતો 31 વર્ષિય યુવક નિખિલ સુરેશભાઇ કાછિયા પટેલ આજે બપોરે સાડા ત્રણ વાગ્યે બાળકને લઇને ટુ-વ્હિલર પર નિકળ્યા હતા. આ દરમિયાન જેતલપુર બ્રીજ પર પતંગના દોરાથી નિખિલના ગળા પર ગંભીર ઇજાઓ થઇ હતી.
ગળા પર 21 ટાંકા આવ્યા
જેથી નિખિલને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને ગળા પર 21 ટાંકા આવ્યા છે. પતંગના દોરાથી ગળું કપાતા નિખિલનો સહેજમાં જીવ બચ્યો છે. જો કે નિખિલ જેવા નસિબદાર બધા નથી હોતા. ગત સપ્તાહે જ વડોદરામાં ગળું કપાવાની ઘટનામાં બે લોકો મોત થયા હતા.
દસ દિવસ પહેલા સમા કેનાલ પર એકનું મોત
દસ દિવસ પહેલા વડોદરાના સમા કેનાલ વિસ્તારમાં પતંગની દોરીથી ગળું કપાતા બાઇકસવાર મહેશ ઠાકુરનું મોત થયું હતું. દોરીથી યુવકનું ગળું કપાયું એની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.
દોરીથી ગળું કપાતાં પૂર્વ નેશનલ હોકી પ્લેયરનું મોત
વડોદરાના આરવી દેસાઈ રોડ પર નવા વર્ષના પ્રથમ દિવસે જ ચાઇનીઝ દોરીથી ગળું કપાતા બાઈકસવાર પૂર્વ નેશનલ હોકી પ્લેયરનું રાહુલ બાથમનું કપાતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.