કાર્યવાહી:ખજૂરિયા ગેંગનો વધુ 1 આરોપી ઝડપાયો

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગેંગે 13 જિલ્લામાં લૂંટ-ધાડ પાડી હતી : આરોપી બળવંતનું ક્રોસ ઇન્ટ્રોગેશન કરાશે
  • 29મી સુધીના રિમાન્ડ મંજૂર : લૂંટનું કાવતરૂં ક્યાં ઘડાતું હતું તેની તપાસ કરાશે

રાજ્યના 13 જિલ્લામાં 30થી વધુ લૂંટ અને ધાડ સહિતના ગુના આચરી હાહાકાર મચાવનારી દાહોદ જિલ્લાની ખજૂરિયા ગેંગના વધુ એક આરોપીને ઝડપી પડાયો હતો. તેને મંગળવારે અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ રિમાન્ડ માગતાં ન્યાયાધીશે 29મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, લૂંટ અને ધાડ સહિતના ગુનામાં સંડોવાયેલા ખજૂરિયા ગેંગના આરોપીઓની ધરપકડ કરાયા બાદ તેની પૂછપરછમાં ખજૂરિયા ગેંગ દ્વારા રાજ્યના 13 જિલ્લામાં 30થી વધુ ગુના આચર્યા હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી. તપાસમાં 11 આરોપીઓની સંડોવણી હોવાનું પણ ખૂલવા પામ્યું હતું. ખજૂરિયા ગેંગ સંગઠિત ગેંગ હોય પોલીસે તેની સામે ગુજસિટોક હેઠળ ગુનો દાખલ કરી 3 આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી. દરમિયાનમાં પોલીસે બનાવમાં સંડોવાયેલા વધુ એક આરોપી બળવંત ઉર્ફે બલુ બહજાણિયાની ધરપકડ કરી હતી. તેને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માગણી કરાતાં સરકાર તરફે સ્પેશિયલ સરકારી વકીલ રઘુવીર પંડ્યા હાજર રહ્યા હતા.

તેમણે રજૂઆત કરી હતી કે, 36.63 લાખની ધાડ પાડી છે ત્યારે આરોપીઓ ક્યાં ભેગા થયા હતા અને ક્યાં કાવતરું રચવામાં આવ્યું હતું તેની તપાસ કરવાની છે. ધાડનો મુદ્દામાલ કોની પાસે છે, કયાં વાહનનો ઉપયોગ થયો છે તેની તપાસ કરવાની છે. ન્યાયાધીશે આરોપીના 29મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

3 આરોપીની જેલમાં 8 દિવસ પૂછપરછ થશે
ઝડપાયેલા આરોપીની વધુ પૂછપરછની જરૂર હોઇ પોલીસે વધુ રિમાન્ડની માગણી કરી હતી. જોકે અરજી નામંજૂર થતાં પોલીસે આરોપીઓની જેલમાં પૂછપરછ માટે મંજૂરી માગી હતી. ન્યાયાધીશે બારિયા જેલમાં રખાયેલા શકરીયા મોહનીયા, હેમરાજ પલાસ, ભરત પંચાલની 8 દિવસ પૂછપરછ માટેની અરજી મંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...