વિદ્યાર્થીઓમાં રોષ:વડોદરાના પાદરા-જંબુસર હાઇવે પર વડુ ચોકડી પાસે વિદ્યાર્થીઓએ અનિયમીત બસોથી રોષે ભરાઇને બસો અટકાવી ચક્કાજામ કર્યો

વડોદરા11 દિવસ પહેલા
અનિયમીત બસોથી ત્રાસી ગયેલા વિદ્યાર્થીઓએ પાદરા વડુ ખાતે એસ.ટી. બસો અટકાવી ચક્કાજામ કર્યો હતો
  • વડુ પોલીસે પાદરા-જંબુસર ડેપોના મેનેજરને બોલાવી મામલો થાળે પાડ્યો
  • જો નિયમીત અને વધુ બસોની વ્યવસ્થા કરવામાં નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી

ગુજરાતમાં સાર્વત્રીક વિકાસની ગુલબાંગો મારતી ગુજરાતની સરકારના એસ.ટી. વિભાગ દ્વારા પુરતી બસોની સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ ગયું છે. વડોદરા જિલ્લામાં એક પછી એક તાલુકાઓમાં વિદ્યાર્થીઓને અનિયમીત અને અપુરતી બસોની સુવિધાના કારણે આંદોલન કરવાનો વખત આવ્યો છે. આજે વડોદરા-પાદરા-જંબુસર સુધીની અનિયમીત અન અપુરતી બસ સુવિધાઓથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ વડુ ગામ ચોકડી પાસે પાદરાથી જંબુસર અને જંબુસર તરફથી પાદરા-વડોદરા તરફ આવતી 25 ઉપરાંત એસ.ટી. બસો રોકી ચક્કાજામ કરી દીધો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા ચક્કાજામના પગલે પાદરા-જંબુસર રોડ ઉપર એક કલાક જેટલો ટ્રાફિક જામ થઇ ગયો હતો. વિદ્યાર્થીઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં વડુ પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો.

પાદરાના વડુ ગામ પાસેની ચોકડી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થયા
પાદરાના વડુ ગામ પાસેની ચોકડી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થયા

અનેક વખત રજૂઆત કરવા છતાં, પ્રશ્ન હલ થયો ન હતો
વડોદરાના પાદરા જંબુસર હાઇવે ઉપર આવેલા પાદરા, માસર રોડ, કરખડી, મુજપુર, વડુ, સહિત વિવિધ ગામોના વિદ્યાર્થીઓ પાદરા, વડોદરા તેમજ વડોદરા નજીક આવેલી વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા જાય છે. તો વળી કેટલાંક લોકો નોકરી-ધંધાર્થે પણ જતા હોય છે. તેજ રીતે પાદરા ખાતે આવેલી એમ.એસ. યુનિવર્સીટીમાં પણ વડોદરાથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે. તેમજ અનેક લોકો પાદરા તાલુકામાં આવેલી વિવિધ કંપનીઓમાં નોકરી કરવા માટે પણ જાય છે. ત્યારે વડોદરા-પાદરા-જંબુસર સુધી અપુરતી એસ.ટી. બસોની સુવિધા હોવાના કારણે છેલ્લા કેટલાંક સમયથી વિદ્યાર્થીઓ અને નોકરીયાતો ત્રાહિમામ પોકારી ગયા હતા. અને એસ.ટી. વિભાગ સામે રોષ ઠાલવી રહ્યા હતા.

ચક્કાજામના પગલે પાદરા-જંબુસર રોડ ઉપર વાહનોની લાંબી કતારો લાગી
ચક્કાજામના પગલે પાદરા-જંબુસર રોડ ઉપર વાહનોની લાંબી કતારો લાગી

25 એસ.ટી. બસો રોકી ચક્કાજામ કરાતા વાહનોની લાંબી કતારો લાગી
દરમિયાન, આજે વિદ્યાર્થીઓ વડુ ચોકડી પાસે એકઠા થયા હતા. અને પાદરાથી જંબુસર અને જંબુસરથી પાદરા-વડોદરા તરફ આવતી-જતી 25 ઉપરાંત એસ.ટી. બસોને લોકી ચક્કાજામ કરી દીધો હતો. અને પાદરા તથા જંબુસર ડેપના વહિવટકર્તાઓ સામે ભારે રોષ વ્યક્ત કરતા સુત્રોચ્ચાર કર્યા હતા. ચક્કાજામને પગલે વાહનોની લાંબી કતારો શરૂ થતાં, વડુ પોલીસ સ્તળ ઉપર આવી પહોંચી હતી. અને વિદ્યાર્થીઓને પોલીસ મથકમાં લઇ ગઇ હતી. તે સાથે પોલીસે પાદરાના ડેપો મેનેજર આર..યુ. અંટોદરીયા અને જંબુસર ડેપોમાંતી એ.ટી.આઇ.ને બોલાવી લીધા હતા. અને વિદ્યાર્થીઓનો એસ.ટી. બસોનો તાકીદે પ્રશ્ન હલ કરવા માટે સુચના આપી હતી.

વિદ્યાર્થીઓનો મામલો પોલીસ મથકમાં પહોંચ્યો
વિદ્યાર્થીઓનો મામલો પોલીસ મથકમાં પહોંચ્યો

વિદ્યાર્થીઓની પડખે તાલુકા અને વડુ ગામના અગ્રણીઓ આવ્યા
પોલીસ મથકમાં આવી પહોંચેલા પાદરા અને જંબુસર ડેપોના અધિકારીઓને વિદ્યાર્થીની વૃંધા પટેલ, વિદ્યાર્થી બ્રિજેશ બ્રહ્ણભટ્ટ, પાદરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા હાર્દિક પટેલ, વડુ ગામના અગ્રણી વલી મેમણે નિયમીત અને બસ રૂટમાં વધારો કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અનિયમીત અને અપુરતી બસોના કારણે મોડી રાત્રે ઘરે પહોંચવાનો વખત આવે છે. અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, તંત્ર દ્વારા અમારી વ્યાજબી માંગણીને ગંભીરતાથી લેવામાં આવી નથી. પરિણામે આજે અમારે ચક્કાજામ કરવાનો વખત આવ્યો છે. જો અમારો પ્રશ્ન હલ નહિં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિદ્યાર્થીઓની સાથે નોકરી-ધંધાર્તે જનારા લોકો પણ જોડાયા હતા.

વિદ્યાર્થીઓની સાથો સાથ નોકરી-ધંધાર્થે જનાર પણ મુશ્કેલીમાં
પાદરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા હાર્દિક પટેલ, વજુ ગામના અગ્રણી વલી મેમણે જણાવ્યું હતું કે, પાદરા અને જંબુસર તાલુકાના અનેક વિધાર્થીઓ એસ.ટી.બસ દ્વારા વડોદરા શહેર, વડોદરા નજીક આવેલી કોલેજોમાં તેમજ ભાદરણ સહિત અનેક સ્થળોએ અભ્યાસ માટે અપ-ડાઉન કરે છે. પરંતુ, બસોની અનિયમિતાના કારણે વિધાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. અનિયમિત બસોના પાદરા તાલુકામાંથી અને વડોદરા શહેરમાંથી આવતા નોકરી-ધંધાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એસ.ટી. વિભાગ દ્વારા નિયમીત બસો તેમજ બસોના વધુ રૂટ વધારવામાં આવે તેવી અમારી માંગણી છે.

પાદરાના એસ.ટી. ડેપો મેનેજરે નિયમીત બસો માટે ખાતરી આપી
વિદ્યાર્થીઓની અનિયમીત અને ઓછા બસ રૂટ અંગે પાદરા એસ.ટી. ડેપોના અધિકારી આર.યુ. અંટોદરીયાએ હાલમાં વરસાદ હોવાના કારણે રસ્તા ખરાબ હોવાથી તકલીફ હોવાનો લૂલો બચાવ કર્યો હતો. સાથે તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનો વ્યાજબી પ્રશ્ન છે. પરંતુ, હવે નિયમીત અને વધુ બસ રૂટ ચાલુ કરવામાં આવશે. જોકે, પાદરા તાલુકાનાજ મુજપુર ખાતે વિદ્યાર્થીઓએ અનિયમીત બસોને લઇ આંદોલન કર્યું હતું. તે સમયે પાદરા અને જંબુસર એસ.ટી. ડેપો દ્વારા માત્ર બે-ત્રણ દિવસ નિયમીત બસો દોડાવવામાં આવી હતી. ત્યાર બાદ પરિસ્થીતી યથાવત થઇ ગઇ હતી. નોંધનીય છે કે, તાજેતરમાં સાવલી તાલુકાના વિદ્યાર્થીઓએ અનિયમીત બસોના પ્રશ્ને સાવલી ડેપોમાં બસો અટકાવી દીધી હતી. તે બાદ આજે પાદરા તાલુકાના વિદ્યાર્થીઓએ વડુ ખાતે બસો અટકાવી ચક્કાજામ કરતા ગુજરાત સરકારના વિકાસના દાવાના ધજાગરા ઉડી ગયા છે.