રાજ્ય સરકાર અને વડોદરા મહાનગર સેવા સદન દ્વારા અવાર-નવાર શિક્ષણ અંગેની મોટી મોટી ગુલબાંગો ફૂંકવામાં આવે છે. પરંતુ, વડોદરામાં શહેરમાં શિક્ષણની વાસ્તવિકતા અલગ છે. વડોદરાના છાણી વિસ્તારમાં ચાલતી આંગણવાડીમાં જતાં ભૂલકાંઓને જર્જરિત થઈ ગયેલા કન્ટેનરમાં જીવના જોખમે એકડો, બગડો શિખવાનો વખત આવ્યો છે. જર્જરિત થઈ ગયેલા કન્ટેનરમાં અભ્યાસ કરતા ભૂલકાંઓ અંગે સ્થાનિક કાઉન્સિલરની આગેવાનીમાં લોકોએ કોર્પોરેશનમાં એરકન્ડિશનમાં બેસીને વહીવટકર્તાઓને રજૂઆત કરી હતી.
ભૂલકાં જીવના જોખમે અભ્યાસ કરે છે
મળેલી માહિતી પ્રમાણે વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં કન્ટેનરમાં આંગણવાડીઓ કાર્યરત છે. જેમાં કેટલીક આંગણવાડીઓની હાલત દયનીય સ્થિતીમાં છે. બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. સાથે આંગણવાડીનો સ્ટાફ પણ જીવના જોખમે આંગણવાડીમાં આવતા ભૂલકાંઓને એકડો, બગડો, કક્કો શિખવાડી રહ્યા છે.
કોર્પોરેશનના સત્તાવાળાઓને રજૂઆત
વડોદરાના છેવાડે આવેલા છાણી વિસ્તારમાં કન્ટેનરમાં ચાલતી આંગણવાડીની હાલત દયનીય થઈ ગઈ છે. આમ છતાં કોર્પોરેશનનું નઘરોડ તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. જે અંગે આજે સ્થાનિક રહીશો અને કોર્પોરેટરે કોર્પોરેશનના સત્તાવાળાઓને રજૂઆત કરી હતી. સ્થાનિક કાઉન્સિલરની આગેવાનીમાં રજૂઆત કરવા માટે ગયેલા લોકોએ સત્તાવાળાઓને જણાવ્યું હતું કે, આંગણવાડીમાં જતા ભૂલકાંઓ માટે યોગ્ય બેસવાની વ્યવસ્થા કરવામાં નહિં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
કન્ટેનર પણ જર્જરિત થઈ ગયા
ઉલ્લેખનિય છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ વિસ્તારોમાં બાળકો અભ્યાસ કરી શકે તે માટે આંગણવાડી ચલાવવામાં આવે છે. આ આંગણવાડીઓ મોટે ભાગે ભાડાના મકાનમાં ચાલતી હતી. અને તે જર્જરીત થઇ ગયા હતા. આથી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવે જુના જર્જરીત થયેલા મકાનોમાંથી આંગણવાડીઓ હટાવીને અદ્યતન સુવિધાવાળા કન્ટેનરમાં આંગણવાડીઓ કાર્યરત કરાવી હતી. જોકે, કન્ટેનરમાં આંગણવાડીઓ શરૂ થયાને પણ સાતથી આઠ વર્ષનો સમય વીતી ગયો છે. જેથી કન્ટેનરનું યોગ્ય મેન્ટેનન્સ નહીં થતાં તે પણ ભંગાર હાલતમાં થઈ રહ્યું છે.
આંગણવાડી બદલવા માંગ
છાણી વિસ્તારમાં આવેલી આંગણવાડી જે કન્ટેનરમાં કાર્યરત છે. તેમાં નીચેના ફ્લોરીંગનો કેટલોક ભાગ તૂટી ગયો છે. તો શૌચાલયની પણ યોગ્ય સુવિધા નથી. જે અંગે આજે વોર્ડ નંબર 1ના સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલ અને સ્થાનિક રહીશોએ કોર્પોરેશનના સત્તાવાળાઓને રજૂઆત કરી આંગણવાડીનું ઘર બદલવા માટે માંગણી કરી હતી.
વહેલી તકે પ્રશ્ન હલ કરો
કાઉન્સિલર હરીશ પટેલ અને સ્થાનિક લોકોએ સંયુક્ત રીતે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય કે પછી કોર્પોરેશન હોઇ, તેઓ પ્રાથમિક શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે. પરંતુ બાળકોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ તે મળતી નથી. હાલમાં છાણી ખાતે કન્ટેનરમાં કાર્યરત આંગણવાડીની હાલત ખરાબ થઈ ગઈ છે. તેને તાત્કાલિક બદલવાની જરૂર છે અથવા તો આંગણવાડી માટે અલગથી મકાન બાંધવા અમારી માંગણી છે. જો આંગણવાડીનો વહેલી તકે પ્રશ્ન હલ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.