ચૂંટણી ઇફેક્ટ:રોજનો રૂ.4 કરોડનો કારોબાર કરતા આંગડિયા વીમા-કાપડનાં પાર્સલ વહેંચવા મજબૂર

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરાની 50થી વધુ આંગડિયા પેઢી પૈકી 40 બંધ, પકડાવાના ડરે વેપારીઓ માલ લેતા-મોકલતા નથી
  • સોનીઓનો ધંધો ઘોંચમાં, બહારના સોની ઘરેણાં મોકલવા તૈયાર નથી

વડોદરાના સોની બજાર અને અાંગળીયા પેઢી ઉપર 15 દિવસથી ચૂંટણીની આચારસંહિતાની માઠી અસર વર્તાઇ છે. ચેકિંગ માટેની ટીમોના ડરે સોની બજારો પાંખી હાજરી પામ્યા છે. લગ્નસરાની સિઝનમાં હાલત કફોડી છે. આંગડિયાના કર્મચારીઓ રાજકોટ, અમદાવાદ અને સુરતથી ડિલિવરી આપવા આવતા અચકાતા સોનીઓએ ગ્રાહકોને વાયદા કરવાની નોબત આવી છે. આંગડિયાના રોજના ચારથી સાડા ચાર કરોડ રૂપિયાના કારોબાર પર અસર પડી છે. ન્યાયમંદિર, સરદારભવનનો ખાંચો સહિત વિસ્તારમાં 50 જેટલી આંગડિયા પેઢી છે.

અગ્રણી આંગડિયાના સંચાલકે કહ્યું કે, ‘વડોદરામાં 80 ટકા વ્યવહોરો બંધ છે. લગ્નસરાની સિઝન છે. ચેકિંગની બબાલમાં ગ્રાહકો પડવા માંગતા નથી. આવવાનું ટાળી રહ્યાં છે. બહારગામના વેપારીઓએ માલ મોકલવાનો નન્નો ભણી દીધો છે. ધંધો ઠપ છે.’ ઘડિયાળી પોળ સોની એસો.ના કનુભાઇ સોની કહે છે કે, ‘હજી વેપારીઓને વડોદરામાં કનડગતનો કિસ્સો બહાર આવ્યો નથી. અમદાવાદ અને સુરત મોકલાતા દાગીના રિપેરિંગ માટે જે મોકલ્યા હતા તે, રાજકોટ અપાયેલા નવા ઓર્ડરો વેપારીઓ મોકલતાં નથી. જેથી સોની બજાર પણ લગભગ ઠપ છે. ગ્રાહકોને વાયદાઓ આપવા પડી રહ્યાં છે.’

સોનાના આંગળિયાનો જવાબ, ‘કંઇ થાય તો જવાબદારી નહીં’
વડોદરામાં હાલમાં સોનાના આંગડિયાઓ બિલકુલ બંધ જ છે. વીમા-કાપડના પાર્સલો જેવા પરચુરણ કામકાજ આંગડિયા પેઢીના કર્મચારીઓ કરી રહ્યાં છે. વડોદરાના સોનીઓને વેપારીઓ માલ મોકલવાના હોય છે ત્યાંના આંગડિયા પેઢી પણ વડોદરા આવવા તૈયાર ન હોવાથી માલ મોકલનાર વેપારીઓ માલ અહીં આવીને જાતે લઇ જાઓ, રસ્તામાં કંઇ થાય તો જવાબદારી નહીં જેવા જવાબો આપી રહ્યાં છે.

‘દસ્તાવેજો હોવા છતાં પોલીસે માલ જપ્ત કર્યાના કિસ્સા બન્યા છે’
ઓલ ઇન્ડિયા ગોલ્ડસ્મીથ ટ્રેડર્સ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ગુજરાત સુવર્ણકાર સુરક્ષાસેતુ સંસ્થાઓના અધ્યક્ષ નિલેશ લુભાની કહે છે કે, ગુજરાતમાં 1000 જેટલા સોનાના આંગડિયા છે. આચારસંહિતાના પગલે તે માલ લેવા-મૂકવા તૈયાર નથી. ગુજરાતભરમાં અમે આઇકાર્ડ આપી રહ્યાં છીએ. દસ્તાવેજો હોય છતાં પોલીસે માલ જપ્ત કર્યાના કિસ્સા છે.

અન્ય સમાચારો પણ છે...