બેટી પઢાઓ:વડોદરામાં આનંદ આશ્રમ આર્થિક રીતે નબળી 200 દીકરીઓની કોલેજની ફી ભરશે

વડોદરા3 મહિનો પહેલા
આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓ માટે ફી ભરવાનો સેવાયજ્ઞ. - Divya Bhaskar
આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓ માટે ફી ભરવાનો સેવાયજ્ઞ.

શહેરના આનંદ આશ્રમ દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23 માટે આર્થિક રીતે અસક્ષમ 200 દીકરીઓની કોલેજમાં અભ્યાસની ફી ચુકવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે આજે વડોદરા ખાતે કેમ્પનું આયોજન કરી આવી દીકરીઓનું સિલેક્શન કરવામાં આવ્યું હતું.

અત્યાર સુધી 700થી વધુ દીકરીઓની ફી ભરી
આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કે.એસ.છાબરાએ જણાવ્યું હતું કે, અમારા ટ્રસ્ટની સેવાઓ વર્ષ 2012થી લોકો માટે શરૂ કરાઇ છે. જ્યાર બાદ વર્ષ 2016થી બેટી પઢાઓના ઉદ્દેશ્યથી આર્થિક રીતે અસક્ષમ દીકરીઓને કોલેજમાં અભ્યાસ માટે ફી ટ્રસ્ટ દ્વારા આપવાની શરૂઆત થઇ. પ્રથમ વર્ષે અમે 11 દીકરીઓની ફી ભરી હતી. ત્યાર બાદ આ આંકડો વધતો ગયો. હવે આ સેવાના છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યાર અત્યાર સુધીમાં 700 દીકરીઓની ફી અમે ભરી ચુક્યા છીએ. તેમજ ચાલુ વર્ષ માટે આર્થિક રીતે અસક્ષમ અને કોલેજમાં અભ્યાસ કરવા માંગતી બીજી 200 દીકરીઓને ફી ભરવા માટે સિલેક્ટ કરવામાં આવી છે.

આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કે.એસ.છાબરા.
આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કે.એસ.છાબરા.

60 લાખથી વધુ ફી ભરી
કે.એસ.છાબરાએ કહ્યું હતું કે અમે ગ્રાન્ટેડ કોલેજોમાં અભ્યાસ કરતી દીકરીઓને ફીની સહાય આપીએ છીએ. જેમાં મોટાભાગે વિદ્યાર્થીનીની વાર્ષિક ફી 7 હજારથી લઇને 12 હજાર થતી હોય છે. વર્ષ 2016થી શરૂ કરેલ આ સેવાયજ્ઞમાં અત્યાર સુધીમાં કુલ 60 લાખ રૂપિયાથી વધુ ફી આનંદ આશ્રમ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓને કોલેજમાં અભ્યાસ માટે ચુકવવામાં આવી છે. કોરોનાકાળમાં પણ આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓની ફી ભરીને સેવા અવિરત જારી રાખવામાં આવી હતી.