તકેદારી:વિદ્યાર્થી MSUના લોગોનો દુરુપયોગ નહીં કરે તેવી બાંહેધરી પ્રવેશ વેળા જ લઇ લેવાશે

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • વિદ્યાર્થી સંગઠનો ‘સત્યમ્ શિવમ્ સુંદરમ’ના લોગોનો દુરુપયોગ કરતા હતા
  • ​​​​​​​લોગો અંગે બનાવેલી કમિટીએ ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવવાનો નિર્ણય જાહેર કર્યો​​​​​​​

એમ.એસ. યુનિવર્સિટીના લોગોના ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થી સંગઠનો દ્વારા લોગોનો દુરુપયોગ થતો હોવાથી એક કમિટી બનાવવામાં આવી હતી, જેમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 1949માં સ્થાપના સમયથી યુનિવર્સિટીનો સત્યમ્ શિવમ્ સુંદરમનો લોગો બનાવવામાં આવ્યો હતો.

એમ.એસ. યુનિવર્સિટીના લોગો અને નામનો દુરુપયોગ અટકાવવા માટે ટ્રેડમાર્ક એક્ટ હેઠળ લોગોની નોંધણી કરાવાશે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લે તે સમયે તેમની પાસેથી બાંયધરી પણ લેવામાં આવશે કે તેઓ યુનિવર્સિટીના લોગો કે નામનો દુરુપયોગ નહીં કરે. વિદ્યાર્થીઓનાં કેટલાંક જૂથ લોગો, ફેકલ્ટીનાં નામ, સંસ્થાઓ અને યુનિવર્સિટીનો મોટા પ્રમાણમાં દુરુપયોગ કરી રહ્યા હતા. જેની ફરિયાદ સત્તાધીશોને મળતાં કમિટીની રચના કરવામાં આવી હતી. જેના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કમિટીના કન્વીનર હસમુખ વાઘેલાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમનાં રિસર્ચ વર્ક જેવા કે ડેઝરટેશન, પ્રોજેક્ટ વર્ક માટે લોગોની પરવાનગી આપવામાં આવશે.

એકેડેમિક અને રિસર્ચ પર્પઝ માટે યુનિવર્સટીના લોગોનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકશે. યુનિવર્સિટી સાથે સંકળાયેલા લોકો તેમની ટર્મ પૂરી થઇ ગયા પછી લોગોનો ઉપયોગ કરી શકશે નહિ. કોઇ પણ વિદ્યાર્થી સંગઠન યુનિવર્સિટીના લોગો કે ફેકલ્ટીના નામનો પોતાના સંગઠનના નામ તરીકે ઉપયોગ કરી શકશે નહિ. કોઇ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સિટીનું નામ કે લોગોનો દુરુપયોગ કરતા જણાઇ આવશે તો તેવા સંજોગોમાં તેની સામે પગલાં ભરવામાં આવશે.

2001માં પ્રક્રિયા કર્યા બાદ ફોલોઅપ ન કરાતાં રજિસ્ટ્રેશન થયું નહોતું
2001માં પણ એમ.એસ.યુનિવર્સિટીના લોગોના ટ્રેડમાર્કનું રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે તે સમયે યુનિવર્સિટી દ્વારા યોગ્ય રીતે ફોલોઅપ પ્રક્રિયા કરવામાં આવી ન હોવાથી ટ્રેડમાર્કનું રજિસ્ટ્રેશન કરી શકાયું નહતું.

ભારત સરકારની ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરતી સંસ્થામાં યુનિ એપ્લાય કરશે
યુનિવર્સિટીના લોગો માટે ભારત સરકારના ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરતી સંસ્થામાં એપ્લાય કરવામાં આવશે. ત્યારબાદ સંસ્થા દ્વારા તેની યોગ્ય ચકાસણી કરવામાં આવશે અને 6 થી 8 મહિનામાં રજિસ્ટ્રેશન પૂર્ણ થશે. ત્યારબાદ યુનિવર્સિટીનો લોગોનો કોઇ પણ ઉપયોગ કરી શકશે નહિ. જો કોઇ ઉપયોગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાશે. યુનિ. દ્વારા એકવાર કાર્યવાહી કરવામાં આવી હતી જોકે શું કાર્યવાહી થઇ તેની કોઇ જાણકારી હાલ યુનિ.પાસે ઉપલબ્ધ નથી.

લોગો વાપરનાર ચૂંટણી નહીં લડી શકે
વિદ્યાર્થી જો યુનિવર્સિટીનો લોગો નો ઉપયોગ કરે તો તેવા કિસ્સામાં તે ચૂંટણી માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. આ ઉપરાંત કોઇ સંગઠન તેનો ઉપયોગ કરશે તો તેની સામે પણ પ્રતિબંધના પગલા લેવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...