કોર્પોરેશનમાં જૂના પેવર બ્લોક કાઢી નવા પેવર બ્લોક નાખવાનું મોટું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવી રહ્યું છે. પાલિકા દ્વારા સ્માર્ટ રોડમાં સમાવેશના નામે વારંવાર અનેક વિસ્તારના રોડ પર નાખેલા પેવર બ્લોકને બદલવામાં આવી રહ્યા છે. જ્યારે બદલેલા પેવર બ્લોકને એક જગ્યા પર સ્ટોર કરવામાં આવી રહ્યા છે. ફૂટપાથ પર સારી કન્ડિશનના બ્લોક કાઢી નવા નાખવામાં આવતાં હજારો ટન બ્લોક બિનઉપયોગી બની ધૂળ ખાઈ રહ્યા છે.કોર્પોરેટરોના માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાના હેતુથી આ કામગીરી વારંવાર કરાવવામાં આવી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. બીજી તરફ જ્યાં જૂના બ્લોક રાખ્યા છે ત્યાં ચોરી થતી હોવાની પણ કબૂલાત સત્તાપક્ષના આગેવાનો કરી રહ્યા છે.
પાલિકા દ્વારા શહેરમાં વિકાસના નામે ઠેરઠેર નવા પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવા પેવર બ્લોકને હટાવીને તે જગ્યા પર નવા પેવર બ્લોક નાખીને જૂના બ્લોક્સનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. વિવિધ વિસ્તારમાં ફૂટપાથ પરથી સારા બ્લોક કાઢી નખાતા હજારો ટન બ્લોક હાલ ધૂળ ખાઈ રહ્યા છે.
સેન્ટ્રલ સ્ટોરના માધ્યમથી બ્લોકનો હિસાબ રખાય છે
પાલિકા જૂના પેવર બ્લોકનો પુનઃ ઉપયોગ કરે છે. સેન્ટ્રલ સ્ટોરના માધ્યમથી હિસાબ રખાય છે. ગેરરીતિ થતી હશે તો કાર્યવાહી કરીશું. વિપક્ષના આરોપ પાયાવિહોણા છે.
> ડૉ. હિતેન્દ્ર પટેલ, સ્થાયી સમિતિ, અધ્યક્ષ
જૂના બ્લોકના પુન: ઉપયોગની માત્ર વાતો જ થાય છે
સત્તાધીશો દ્વારા જૂના બ્લોકના ફરી ઉપયોગની ફક્ત વાતો કરાય છે. સત્તાધીશોની મહેરબાનીથી બ્લોક લગાવવા વપરાતા મટિરિયલમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે. જૂના બ્લોકનો પુનઃવપરાશ થઈ શકે કે વેચાણથી આપી શકાય, પણ સત્તાધિશો દ્વારા આમ કરાતું નથી.
માનીતા કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા કામ કરાવાય છે
પાલિકા વર્ષે 20-25 કરોડનું પેવર બ્લોકનું કામ હાથ પર લે છે. સત્તાધીશો માનીતા કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવે છે. કયા વોર્ડમાં કેટલો ખર્ચ થયો તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે.> અમી રાવત, વિપક્ષ નેતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.