ચેઇન સ્નેચિંગ:વડોદરામાં ઘર આંગણે બેઠેલી વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન તોડી ગઠીયા ફરાર, બંને શખ્સો CCTVમાં કેદ, બે ઝડપાયા

વડોદરા3 મહિનો પહેલા
વૃદ્ધાના ગળામાંથી ચેઇન લૂંટવા સોસાયટીમાં પ્રવેશી રહેલા બાઇક સવાર બે લૂંટારા CCTVમાં કેદ.
  • હલ્મેટ અને બુકાનીધારી બાઇક સવાર દ્વારા લૂંટ

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં પોતાના ઘર બહાર બેઠેલી વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન તોડીને બે અજાણ્યા બાઈક સવાર ફરાર થયા ગયા હતા. આ બનાવની જાણ કારેલીબાગ પોલીસને થતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાંચે ગતણરીના કલાકોમાં જ બે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે લાયકસિંહ યાદવ અને આનંદ ઉફે અશોક ઉમેદભાઇ ઉર્ફે રાજેશભાઇ દંતાણીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. બંને આરોપીઓ સામે અમદાવાદમાં 25 ગુના નોંધાયેલા છે.

લૂંટારૂ ટોળકીનો ભોગ બનેલા વૃદ્ધા
લૂંટારૂ ટોળકીનો ભોગ બનેલા વૃદ્ધા

હવે ઘરની બહાર ઓટલા ઉપર બેસવું પણ જોખમ
વડોદરામાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ, જનરલ કોમ્બિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. જેને કારણે ગુનાખોરી કાબૂમાં હોવાના દાવાઓ કરવામાં આવે છે. જો કે, બીજી તરફ શહેરમાં હવે પોતાના ઘર બહાર પણ બેસવું જોખમી હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. વડોદરા શહેરના કારેલીબાગમાં અક્ષતા સોસાયટી આવેલી છે. સોસાયટીમાં વૃદ્ધા રાત્રે 8 વાગ્યાની આસપાસ પોતાના ઘરની બહાર બેઠા હતા. ત્યારે બાઈક પર બે અજાણ્યા ઈસમોએ વૃદ્ધાના ગળામાં પહેરેલી સોનાની ચેઇન તફડાવીને ફરાર થયા હતા.

બાઇક સીધી મમ્મી પાસે લાવી ઉભું કરી દીધું
આ બનાવ અંગે વૃદ્ધાના પુત્ર તુષાર પંડ્યાએ જણાવ્યું હતું કે, રાત્રે સાડા સાત વાગ્યાની ઘટના છે. અમારા ઘરની બહાર સીધી એક ગલી છે. મારા મમ્મી નિયમિત રીતે અમારા ઘરની બહાર બેસે છે. રાત્રે તેઓ બહાર બેઠા હતા, ત્યારે અચાનક એક બાઈક સવાર આવ્યો હતો. બાઈક સફેદ કલરની હતી, અને બાઈક પર બે લોકો સવાર હતા. તે પૈકી એક શખ્સે હેલ્મેટ પહેર્યું હતું, તો અન્યએ સ્કાર્ફ બાંધ્યું હતું. તેઓ ઓળખતા હોય તેવી રીતે મારા મમ્મી પાસે આવીને બાઈક રોક્યું હતું. ઓળખીતા હોય તેવી રીતે વર્તતા હતા. ફોન પર વાત કરતા હતા. દરમિયાન મારા મમ્મી બેઠા હતા ત્યાં બાઈક પાછળ બેઠેલા વ્યક્તિએ સોનાની ચેઇન ખેંચી લીધી અને બાઈક ચાલુ કરી ને જતા રહ્યા. તે લોકોએ મારા મમ્મી પાસે બાઈક ઉભી રાખીને પછી ચેઇન તફડાવીને આગળના રસ્તેથી જતા રહ્યા છે.

આરોપી લાયકસિંહ યાદવ અને આનંદ ઉફે અશોક ઉમેદભાઇ ઉર્ફે રાજેશભાઇ દંતાણી
આરોપી લાયકસિંહ યાદવ અને આનંદ ઉફે અશોક ઉમેદભાઇ ઉર્ફે રાજેશભાઇ દંતાણી

પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે
આ બનાવ અંગે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે આ બનાવનો ભેદ ઉકેલવા માટે CCTV ફૂટેજ મેળવી તપાસ કવાયત હાથ ધરી છે. આ બનાવે સોસાયટી સહિત આસપાસની સોસાયટીમાં ચકચાર જગાવી મુકી છે. આ બનાવે રાત્રે એકલા ઘરની બહાર બેસતા વૃદ્ધોમાં ગભરાટ ફેલાવી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...