શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા વૃદ્ધનું માત્ર ત્રણ કલાકમાં મોત નીપજ્યુ હતુ. આઈસોલેશન વોર્ડમાં સારવાર માટે રાખવામાં આવેલા 95 વર્ષીય વૃદ્ધને સાડા સાત વાગે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શ્વાસમાં તકલીફ પડવાની ફરિયાદ સાથે બપોરે 4:15 વાગે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા વૃદ્ધને કોરોના હતો કે ફ્લુ હતો તે અંગે નિદાન થઈ શક્યું નથી. ત્યારે તેમના મૃત્યુ બાદ તેમના રિપોર્ટ આવશે. હોસ્પિટલ સત્તાધીશો દ્વારા તેમના સેમ્પલ એકત્ર કરી અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા છે.
સયાજી હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યા મુજબ ગાજરાવાડી વિસ્તારમાં રહેતા 95 વર્ષના વૃદ્ધને ગુરુવારે બપોરે સારવાર માટે લાવવામાં આવતા તેમની હાલત ખૂબ જ નાજુક જણાઈ હતી જેથી આઇસોલેશન બોર્ડમાં ભરતી કરવામાં આવ્યા હતા તબીબો મુજબ તેમને ફેફસાનું ઇન્ફેક્શન હતું. આ ઇન્ફેક્શન કોરોનાને લીધે હતું કે સ્વાઈન ફ્લૂને લીધે હતું તે રિપોર્ટ આવ્યા બાદ નક્કી થઈ શકશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ H3N2 પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યુ હતુ.
એક તરફ ગુજરાતમાં નવા વાયરસને પગલે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સયાજી હોસ્પિટલમાં મહિલાના મૃત્યુની ઘટના બાદ વધુ એક પોઝિટિવ દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે તેના ત્રીજા દિવસે આઇસોલેશન વોર્ડમાં દર્દીનું મોત થતા ફરી એક વખત શહેરનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
બીજી તરફ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મૃતક ખૂબ જ વૃદ્ધ હોવાથી અન્ય બીમારીઓનો ભોગ પણ બન્યા હશે તેમ જણાવાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાંય દિવસથી શહેરમાં શરદી-ખાંસી અને તાવ જેવી બિમારીઓએ ભરડો લીધો છે. ઠેરઠેર દવાખાનાઓ ઉભરાઇ રહ્યાં છે. ત્યારે ફ્લૂના નવા વેરિયન્ટનો ખતરો ઉભો થયાનું જણાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.