મહિલા સશક્તિકરણનો પ્રયાસ:MSUની વિદ્યાર્થિનીએ કમળની દાંડીના રેષામાંથી કાપડ બનાવ્યું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુમી હાલદાર - Divya Bhaskar
સુમી હાલદાર
  • પીએચડીની વિદ્યાર્થિનીનો મહિલા સશક્તિકરણનો પ્રયાસ

કમળની દાંડીના રેષામાંથી કાપડ બને છે અને તેની સાડીઓ, થેલા અને કલાત્મક ચીજ-વસ્તુઓ મનમોહક હોય છે. સાથે કેળના થડનો ઉપયોગ આવક અને રોજગારી માટે પણ થાય છે. એમ.એસ.યુનિવર્સિટીની ફેમિલી એન્ડ કમ્યૂનિટી સાયન્સના ક્લોધિંગ એન્ડ ટેક્સટાઇલ વિભાગની પીએચડીની વિદ્યાર્થિનીએ કમળની દાંડીના રેષાનું કાપડ બનાવવા પર સંશોધન કર્યું છે.

વિદ્યાર્થિની સુમી હાલદારે કેળના થડની માફક કચરામાં ભેગી થતી કમળ પુષ્પોની દાંડીઓના રેષામાંથી માનવ ત્વચાને સાનુકૂળ કાપડ બનાવીને વસ્ત્ર ઉદ્યોગને ભેટ આપવા સાથે મહિલા રોજગારી અને સશક્તિકરણનું માધ્યમ બનાવવાનો પ્રયાસ કર્યો છે. સુમીએ પીએચડીના ભાગરૂપે નકામો કચરો ગણાતા કમળના દાંડલામાંથી રેષા મેળવી અન્ય કાપડ સાથે ભેળવીને નવું કાપડ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ નાજુક પ્રક્રિયા હાથ વડે કરી મળેલા રેષા બોબીન પર લપેટવામાં આવે છે. તેણે આ પ્રોજેક્ટ ગાઈડ ડો.મધુ શરણના માર્ગદર્શનમાં કર્યો છે.

2018માં તેને કમળદંડમાંથી રેષા મેળવી કાપડ બનાવવાનો વિચાર સૂઝ્યો અને એણે અભ્યાસના બીજા વર્ષમાં 2019માં તેના પર કામ શરૂ કર્યું. કમળદાંડીઓ મોટા પ્રમાણમાં અને સતત મેળવવા ખંડેરાવ માર્કેટનાં ફૂલ વિક્રેતાઓની મદદ લીધી હતી. વિક્રેતાઓએ કમળની ખેતી કરતા ઈશાભાઇ રાઠોડ સાથે વિદ્યાર્થીનીનો પરિચય કરાવ્યો હતો. જેઓ ગુલાબી અને સફેદ કમળ છેક હરિદ્વાર સુધી મોકલે છે.

આ તમામ જહેમત અને મથામણના અંતે રસાયણ મુક્ત અને માનવ ચામડીને અનુકૂળ કાપડ બનાવવામાં સફળતા મેળવી હતી. હેપ્પી ફેસિસ એન.જી.ઓ.ની પણ આ કામમાં મદદ લીધી છે. 10 મહિલાઓને દાંડીમાંથી રેષા કાઢવા તાલીમ આપી છે. આ એવી બહેનો છે જેમના પરિવારો કોરોના કાળમાં મુશ્કેલી અનુભવી રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...