નશાનો કારોબાર:કોસ્મેટિકની આડમાં ગાંજાની હેરાફેરી કરતો MSUનો એલએલબીનો વિદ્યાર્થી ઝડપાયો

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કવરમાં ગાંજો હોવાનું લાગતાં ટ્રાવેલ્સ સંચાલકે પોલીસ બોલાવી
  • યુનિ​​​​​​​.ની બોય્ઝ હોસ્ટેલના ટી કે ગજ્જર હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીના રિમાન્ડની તજવીજ

શહેરના પંડ્યા બ્રીજ પાસે આવેલી ન્યુ પાયલ ટ્રાવેલ્સની ઓફિસમાં બુધવારે રાત્રે કોસ્મેટિકની આડમાં ગાંજાનું પાર્સલ આપવા ગયેલો મ.સ.યુનિ.નો એલએલબીનો વિદ્યાર્થી ઝડપાયો હતો. પાર્સલ અંગે ટ્રાવેલ્સ સંચાલકને શંકા જતાં પોલીસને બોલાવી વિદ્યાર્થીને હવાલે કર્યો હતો. ફતેગંજ પોલીસે આરોપીને રૂ.1500ના 57 ગ્રામ ગાંજા સાથે પકડી વધુ તપાસ હાથ ધરી છે. બનાવના પગલે વિદ્યાર્થી આલમમાં ખળભળાટ મચી ગયો છે. શિક્ષણ આલમમાં ચકચાર મચાવનાર આ ઘટનાની વિગતો એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશનો અને એમએસ યુનિવર્સિટીના ટી કે ગજ્જર હોલમાં રહેતો પ્રશાંત અજય કુમાર મ.સ.યુનિ,માં એલએલબીમાં અભ્યાસ કરે છે.

બુધવારે રાત્રે ન્યુ પાયલ ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલ રાજકોટ મોકલવા ગયો હતો. પાર્સલ એક બોકસમાં હતું. ટ્રાવેલ્સ સંચાલકે બીલ માંગતા પ્રશાંતે કહ્યું હતું કે ‘આનું બીલ નથી અને બોકસના કવરમાં કોસ્મેટિકસ છે. જેથી સંચાલકે બીલ બનાવવાનું કહી પ્રશાંતની સામે જ કવર ચેક કરતાં તેમાંથી ગાંજો નીકળ્યો હતો. એટલે સંચાલકે પ્રશાંતને બેસાડી રાખી તુરંત પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. પોલીસે કંટ્રોલે જાણ કરતાં ફતેગંજ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ વી.કે.દેસાઈ પોલીસ કાફલા સાથે પંડયા બ્રીજ પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં પહોંચ્યા હતા. પોલીસે પ્રશાંત પાસેથી દોઢ હજારની કિંમતનો 57 ગ્રામ ગાંજો અને મોબાઈલ કબજે કરી પૂછપરછ હાથ ધરી હતી.

કવર હલકું લાગતાં ટ્રાવેલ્સ સંચાલકને શંકા ગઇ
ન્યુ પાયલ ટ્રાવેલ્સ સંચાલકને પ્રશાંતે કવર બોકસમાં આપ્યું હતું ત્યારે ટ્રાવેલ્સ સંચાલકને કવર વજનમાં હલકું લાગતાં શંકા ગઇ હતી.કારણકે કોસ્મેટિક કે દવા હોય તો સામાન્ય રીતે તેનુ વજન નોંધનીય હોય છે જેથી હલકાં કવરે સંચાલકની શંકા પ્રબળ બની હતી.

પાર્સલ રાજકોટ મોકલવાનું હતું
મ.સ.યુનિ.ના વિદ્યાર્થી પ્રશાંતે પાર્સલ રાજકોટ મોકલવા આપ્યું હતું પણ તેના પર કોઈનું નામ ન હતુ. તેના પર ખાલી નંબર લખેલો હતો. તેમજ પાર્સલ કેશ ઓન ડીલવરી આપવાનું હતું.

યુનિ.માં વિશાલ નામના યુવકે ગાંજો આપ્યો હતો
ફતેગંજ પોલીસની તપાસમાં પ્રશાંતને વિશાલ નામનો યુવક પાર્સલ આપી ગયો ગયો હતો. જો કે વિશાલ પણ ટ્રાવેલ્સ ઓફીસે ગયો પણ તે ફરાર થઇ ગયો હોવાનું ચર્ચાય છે. પોલીસની ટીમે હેરાફેરી અંગે તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...