સિંધરોટ ભીમપુરા રોડ ઉપર બુધવાર મળસકે બિલ્ડર હરીશ દાદુભાઈ અમીન ઇકો કારમાં લાગેલી રહસ્યમય આગમાં જીવતા ભડથુ થઇ ગયા હતા. લોકિંગ સિસ્ટમ વિનાની કારમાં દરવાજો નહીં ખુલતા આ કરુણાંતિકા સર્જાઇ હતી. જો કે બનાવ અંગે અનેક ભેદભરમ સર્જાયા છે. જિલ્લા પોલીસ અત્યાર સુધી અકસ્માતે મોત નોંધી તપાસ ચલાવી રહી હતી, પરંતુ શંકા ઉપજાવે એવા અનેક કારણો ઉભા થતા હવે હત્યા પણ હોઇ શકે એવી દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે ઇકો કારના માલિક સહિતના લોકોના નિવેદન લીધા હતા.
અમીન ઓર્ચિડ ફાર્મ હાઉસના માલિક અને બિલ્ડર હરીશ અમીન (ઉ.વ.68) મોંઘી અને વૈભવી કારોનો કાફલો ધરાવતા હોવા છતાં ઇકો કાર માં મધ્ય રાત્રી બાદ સોનારકુઇ ગામ નજીક ના પોતાના ફાર્મ હાઉસ થી એકલા નીકળ્યા હતા કે સાથે કોઈ હતું તેની જાણકારી મેળવવા માટે જિલ્લા પોલીસે માર્ગ ઉપર અને સિંધરોટથી ઉમેટા ચોકડી સુધીના ફાર્મ હાઉસ અને પેટ્રોલ પંપ ઉપર લગાડેલા સીસીટીવી ના ફૂટેજ મેળવવાનું શરુ કર્યું છે.
હત્યાની શંકા ઉપજાવે એવું નિવેદન સૌ પ્રથમ ઘટનાને નજરે જોનારા પિયુષ અગ્રવાલે આપ્યું છે જેમાં કાર સળગવાની શરૂઆત થતા જ ત્યાં પહોંચ્યા હતા અને એ સમયે કારની ડાબી બાજુ નો દરવાજો ખુલ્લો હતો જેના પગલે ચોંકી ઉઠેલી પોલીસે હવે કારમાં કોઈ અન્ય પણ હાજર હતુ કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
પીએસઆઇ સોલંકીએ જણાવ્યું હતું કે, ઇકો કારના માલિક, ફાર્મહાઉસના કર્મી અને ઘટનાને સૌ પ્રથમ જોનાર સહિતના લોકોના નિવેદનો લીધા છે. રોડ પરના પેટ્રોલપંપના સીસીટવી પણ ચેક કરાયા છે.એફએસએલ દ્વારા તપાસ કરાઈ છે અને ડીએનએ માટેના સેમ્પલ પણ લેવાયા છે. શુક્રવારે આરટીઓ પણ બારીકાઈથી તપાસ કરી રીપોર્ટ આપશે.
આગ લાગી ત્યાં સુધી હરીશભાઈ જીવતા હતા
ડીએસપી રોહન આનંદે જણાવ્યા પ્રમાણે બીજા કોઈ સ્થળે હત્યા કરી મૃતદેહને કાર માં મૂકી દેવાયો હોય એવા સંજોગોમાં પોસ્ટમોર્ટમ થાય ત્યારે ફેફસાં માં કાર્બન ની હાજરી ના હોય પરંતુ હરીશભાઈ ના મૃતદેહની તપાસ દરમિયાન ફેફસાં માં થી કાર્બન મળી આવ્યો છે અને નજરે જોનારનું પણ કહેવુ છે કે આગ લાગી ત્યારે હરેશ અમીને ડીપર લાઇટ સાથે હોર્ન વગાડયું હતું. એનો મતલબ કે કાર માં આગ લાગી ત્યાં સુધી એ જીવિત હતા.
કારમાં જ્વલનશીલ પદાર્થ હતો કે કેમ?
અકસ્માત બાદ વાહનમાં આગ લાગી શકે છે, પરંતુ ધડાકાભેર ઇકો કાર પાઇપ સાથે અથડાઈ હોય એવું કાર જોતાં લાગતું નથી. ઇકો કારમાં કોઈ અત્યંત જ્વલનશીલ પદાર્થ હતો કે કેમ એની તપાસ થઈ રહી છે. જો હતો તો કયો હતો અને કેમ કારમાં ઝડપથી સળગી ઊઠે એવો પદાર્થ હતો એની તપાસ થશે. પોલીસનું માનવું છે કે સામાન્ય કરતા વધારે ઝડપથી કાર સળગી છે.
નાપાનાં માથાભારે તત્ત્વો ભૂગર્ભમાં?
હરીશ અમીનને જમીનના સોદા અંગે આણંદ નજીકના નાપાના માથાભારે ઈસમો સાથે અગાઉ વિવાદ થયો હતો નાપા અને ગોરવા વિસ્તાર માં રહેતા આ ગુનેગારો હરીશભાઈના શંકાસ્પદ મોતનો બનાવ બુધવાર મળસકે બન્યો હતો ત્યાર બાદ આ માથાભારે શખ્સો દેખાયા નહિ હોવાથી એમની સંડોવણી હોવાની શક્યતા અંગે ચર્ચા ઓ ચાલી રહી છે
ઇકો કારની ડાબી બાજુનો દરવાજો કેમ ખુલ્લો હતો?
પોલીસે આજે ઘટના ને નજરે જોનારા પિયુષ અગ્રવાલ નું નિવેદન લીધું હતું જેમાં કાર સળગી એ પેહલા જ ડાબી બાજુ નો પેસેન્જર સાઈડ નો દરવાજો ખુલ્લો હતો જ્યારે ફાયર બ્રિગેડ આવ્યા બાદ ડ્રાઈવર બાજુ નો દરવાજો તોડી હરીશ ભાઈ નો સળગી ગયેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો જેને લઇ કાર માં બીજું પણ કોઈ હોવાની શંકા મજબૂત બની છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.