શહેર નજીક ખાનગી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીએ ગુરુવારે મોડી રાત્રે ખોડીયાર નગર ન્યૂ વીઆઈપી રોડ ખાતે બની રહેલા નવા બિલ્ડીંગમાંથી કૂદકો મારી આપઘાત કરતા ચકચાર મચી હતી.
ઘટના અંગે બાપોદ પોલીસના એએસઆઇ વિનોદભાઈ શર્માએ જણાવ્યા મુજબ ખાનગી કોલેજની હોસ્ટેલમાં રહેતો 20 વર્ષીય તરુણ યાદવ હરિયાણા ગુડગાંવનો વતની હતો. એક સપ્તાહ અગાઉ તે કોલેજમાં ભણતા બે મિત્રો સાથે ખોડીયાર નગર સિદ્ધેશ્વર હીલ ખાતે રહેતા સ્ત્રી મિત્ર અને દીદી તરીકે બોલાવતા ભાવના બેનને ત્યાં રહેવા આવ્યો હતો. ગુરુવારે રાત્રે જમ્યા પછી વોક કરવા જવાનું કહી 11 વાગે ઘરે થી નીકળ્યો હતો. દરમિયાન રાત્રે દોઢ વાગ્યાના અરસામાં ખોડિયાર નગર પાસે પંચમ ઇલાઈટ પાસે નવા બની રહેલા બિલ્ડિંગ ઉપરથી છલાંગ લગાવી હતી. જેને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો. જયાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું.
તરુણે કહ્યું, એક દિવસ રહીને આવીશ
મૃતક તરુણના મિત્ર મહારાષ્ટ્રના જયેશ ચૌધરીએ જણાવ્યું હતું કે હું અને અમદાવાદનો રજત ભાવના દીદીના ઘરે રહેવા ગયા હતા. દરમિયાન અમે સવારે કોલેજ જવા રવાના થયા હતા જ્યારે તરૂણે એક દિવસ રોકાઈને કોલેજ આવવાનું કહ્યું હતું. દરમિયાન અમને મોડી રાત્રે સ્થાનિકોનો ફોન આવ્યો હતો અને સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા.
સિદ્ધેશ્વર હિલ ફ્લેટ્સમાં શું ઘટના ઘટી હતી તે અંગેનું રહસ્ય અકબંધ
પોલીસની તપાસમાં જાણવા મળ્યા મુજબ ખોડિયાર નગર સિદ્ધેશ્વર હિલમાં રહેતી ભાવના માર્કેટિંગ કંપનીમાં અટલાદરા ખાતે નોકરી કરે છે. તેના ઘરેથી ચાલવા જવાનું કહીને યુવકે આપઘાત કેમ કર્યો તે તપાસનો વિષય છે. મૃતકના મિત્ર જયેશે જણાવ્યા મુજબ દીદીના ઘરે શું બન્યું તે અંગે અમે જાણતા નથી. તરુણ અવાર-નવાર દીદીના ઘરે રહેવા આવતો હતો. જો કે પોલીસે અકસ્માતે મોતના કાગળો કરી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.