વિવાદની અસર:ફાઇન આર્ટસનું વાર્ષિક ડિસ્પલે નહીં જ યોજાય

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચિત્રોના હોબાળા બાદ વેકેશન
  • મોકૂફ રખાયા બાદ યુનિ. સત્તાધીશોની સૂચના

એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં મોકુફ રખાયેલું એન્યુઅલ ડિસ્પલે આ વર્ષે યોજવામાં ના આવે તેવી શકયતાઓ છે. દેવી દેવતાઓના બિભત્સ ચિત્રોને લઇને વિવાદ બાદ ડિસ્પલે બંધ કરાયું હતું અને ત્યાર પછી યુનવિર્સિટી દ્વારા રચવામાં આવેલી કમિટિએ આપેલા રિપોર્ટના આધારે વિદ્યાર્થી કુન્દન યાદવને રસ્ટીકેટ કરાયો હતો.

યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાલક્ષી કામગીરીના ભાગરૂપે તૈયાર થતા આર્ટનું પ્રદર્શન દર વર્ષે યોજવામાં આવતું હોય છે. 17 વર્ષ પહેલા વિદ્યાર્થી ચંદ્રમોહન દ્વારા બિભત્સ ચિત્રો બનાવ્યા પછી ભારે હંગામો થયો હતો. ફરીએક વાર 2022માં મે મહિનામાં 6-7 તારીખે એન્યુઅલ ડિસ્પ્લેનું આયોજન કરાયું હતું.

જોકે તે પહેલાં જ સ્કલ્પચર વિભાગના વિદ્યાર્થી કુન્દન યાદવે તૈયાર કરેલા વિવાદિત આર્ટવર્ક વાયરલ થઇ ગયા હતા. જેના પગલે ભારે વિવાદ થયો હતો. જેની સામે દેખાવો થતાં ફેકલ્ટી બંધ કરી દેવાઇ હતી અને પ્રદર્શન પણ મોકુફ રાખવામાં આવ્યું હતું. કોરોના બાદ બે વર્ષના લાબાં ગાળા પછી ફાઇન આર્ટસમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે વિવાદ થતાં તેને મોકુફ રાખવામાં આવ્યું હતુ.

યુનિવર્સિટીમાં વેકેશન પડી ગયું છે ત્યારે હવે નવા સત્રમાં ડિસ્પ્લે યોજવામાં આવે તેવી શકયતા નહિવત છે.જો પ્રદર્શન યોજવામાં આવે તો વિવાદ થાય તેમ હોવાથી યુનિવર્સિટી સત્તાધીશોએ જ ફેકલ્ટી સત્તાધીશોને હવે પ્રદર્શન નહિ યોજવા માટે જણાવ્યું હતું.

પ્રદર્શન માટે ગોઠવેેલી તમામ વસ્તુ હટાવાઇ
ફાઇન આર્ટસમાં વાર્ષિક પ્રદર્શન માટે ગોઠવેલી તમામ વસ્તુઓ હટાવી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રદર્શન માટે દરેક વિભાગમાં જે આર્ટવર્ક મૂકવાના હોય તેનું ડિસ્પ્લે કરાયું હતું. જોકે વિવાદ બાદ વિદ્યાર્થીઓને વેકેશન શરૂ થતાં પહેલા જ તેમના આર્ટવર્ક પરત કરાયાયા હતા.

અન્ય સમાચારો પણ છે...