વડોદરામાં કોરોના બાદ હવે સ્વાઈન ફ્લૂના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. જેમાં સ્વાઇન ફલૂના 80 કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. વડોદરા શહેરના લગભગ તમામ વિસ્તારમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓ જોવા મળી રહ્યા છે અને મોટા ભાગના દર્દીઓ કોરોના સમયે જે ખાનગી હોસ્પિટલોને સારવાર માટે મંજૂરી આપવામાં આવી હતી. તે હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં તબીબો પીપીઇ કીટ પહેરીને દર્દીઓની સારવાર કરી રહ્યા છે. બીજી શહેરની સયાજી હોસ્પિટલ દ્વારા સ્વાઈન ફ્લૂને લઈને તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શહેરની 21 ખાનગી હોસ્પિટલોમાં પણ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
21 ખાનગી હોસ્પિટલોને સ્વાઇન ફ્લૂના દર્દીઓની સારવાર માટે મંજૂરી
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત પ્રમુખ ડો. મિતેષ શાહે જણાવ્યું હતું કે, વડોદરામાં કેરોનાના કેસોની સાથોસાથ સ્વાઇન ફ્લૂના (H1N1) કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. વડોદરા શહેરમાં કોરોનાની મહામારી દરમિયાન જે ખાનગી હોસ્પિટલોને સારવાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેવી 21 હોસ્પિટલોને સ્વાઇન ફ્લૂના દર્દીઓની સારવાર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. અને ખાનગી હોસ્પિટલો દ્વારા આઇસોલેશન વોર્ડ તૈયાર રાખવામાં આવ્યા છે.
સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં વ્યવસ્થા
મળેલી માહિતી પ્રમાણે અત્યાર સુધી વડોદરા શહેરના લગભગ તમામ વિસ્તારમાં સ્વાઈન ફ્લુના દર્દીઓ નોંધાયા છે. આ વિશે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે શહેરમાં કુલ 9 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા અને શુક્રવારે 6 પોઝિટિવ કેસ આવ્યા હતા. જેને પગલે વડોદરાની ગોત્રી હોસ્પિટલ અને એસ.એસ.જી હોસ્પિટલમાં સ્વાઈનફ્લૂના દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. શહેરમાં કોરોનાની સાથોસાથ સ્વાઇન ફ્લૂના કેસો આવતા શહેરીજનોમાં ગભરાટ ફેલાઇ ગયો છે.
સ્વાઇન ફ્લૂમાં ગળામાં દુઃખાવો, તાવ, ખાંસી અને શ્વાસ ચઢે છે
આ અંગે સયાજી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડના હેડ ડો. રૂપલ દોશીએ જણાવ્યું હતું કે, સ્વાઈનફ્લૂ (H1N1)ને આપણે સીઝનલ ફ્લૂ તરીકે હવે ઓળખીએ છે. સ્વાઈન ફ્લૂમાં દર્દીને ગળામાં દુખાવો, તાવ, ખાંસી અને શ્વાસ ચઢવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને સ્વાઈન ફ્લૂમાં વધારે તકલીફનો સામનો કરવો પડતો હોય છે. જેથી તેમને એડમીટ કરવાની જરૂર પડે છે. જ્યારે કેટલાક લોકો સામાન્ય સારવારથી જ સાજા થઈ જતાં હોય છે. હાલમાં સયાજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનો એક પણ દર્દી દાખલ નથી.
સયાજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ માટે ટેસ્ટીંગની સુવિધા
તેમણે વધુમાં જણાવ્યું કે, હાલમાં સયાજી હોસ્પિટલ ખાતે સ્વાઈન ફ્લૂના દર્દીઓ માટે અલગ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જે દર્દી માટે જરૂર એવી ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની સુવિધાઓથી સજ્જ છે. આ વોર્ડમાં 24 જેટલા બેડની વ્યવસ્થા છે. જો જરૂર પડશે તો બીજા વોર્ડ પણ તૈયાર કરાશે. જોકે હાલમાં એક પણ દર્દીને એડમિટ કરવાની જરૂર પડી નથી. ડો.રૂપલ દોશીએ વધુમાં ઉમેર્યું કે, સ્વાઈનફ્લૂ પણ કોવિડ-19ની જેમ સંપર્કમાં આવતા ફેલાય છે. જેથી કોવિડ-19માં જે સાવધાનીના પગલે આપણે રાખ્યા હતા, તે જ સ્વાઈન ફ્લૂમાં રાખવાની જરૂર છે. માસ્ક પહેરવું, ભીડ વાડા વિસ્તારોમાં જવાનું ટાળવું. સયાજી હોસ્પિટલમાં હાલ સ્વાઈનફ્લૂ માટેના ટેસ્ટિંગ પણ ચાલી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.