માંજલપુરમાં વરસાદી ગટર બનાવવાની કામગીરીના એક વર્ષ બાદ ત્યાં ડ્રેનેજ લાઈન ખસેડવી પડશે તેવું ધ્યાને આવ્યું છે. પાલિકાએ હવે ડ્રેનેજ લાઈનના શિફ્ટિંગ માટે 92.94 લાખનો ખર્ચો કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. લાલબાગથી શ્રેયસ સ્કૂલ થઈ પંચવટી સોસાયટી પાસેના 36 રસ્તાથી ભગત કોલોની જીઆઇડીસી થઈને વિશ્વામિત્રી નદીને મળે છે.
આ રોડ પર લોકોની સલામતી અને જાહેર આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખી બંધ વરસાદી ચેનલ બનાવવા 4.50 કરોડના ખર્ચનો અંદાજ મૂકાયો હતો અને તેના માટે એપ્રિલ 2021માં મંજૂરી આપી આ કામગીરી માટે ઇજારદાર એસ.કે મકવાણાને મે મહિનામાં વર્ક ઓર્ડર અપાયો હતો. આ કામ દરમિયાન તુલસીધામના મુખ્ય રસ્તા પર આવેલા કલવર્ટના અપસ્ટ્રીમ સુધી લંબાવવામાં આવે તો જૂની ચેનલની જગ્યાએ મોટી સાઇઝની ચેનલ થાય તો ચોમાસામાં ફાયદો મળી શકે છે તેવું જ્ઞાન પાલિકાના સત્તાધીશોને થયું હતું.
મસીયા તળાવથી તુલસીધામ વાળા રસ્તા સુધીના કલવર્ટના અપસ્ટ્રીમ સુધી કામગીરી કરવા નડતરરૂપ ડ્રેનેજ લાઈનને શિફ્ટ કરવી પડે તેમ છે. જેના કારણે હવે આ લાઈન શિફ્ટ કરવા પાલિકાના માથે વધારાનું 92.94 લાખનું ભારણ થશે. આ કામની દરખાસ્ત સ્થાયીમાં મંજૂરી માટે આવતાં તર્કવિતર્ક સર્જાયા છે. બીજી તરફ સિમેન્ટ અને સ્ટીલના ભાવ વધવા છતાં મૂળ ભાવથી જ ઇજારદાર કામ કરશે, જેથી પાલિકાને ભારણ ઓછું આવશે તેવો દાવો કરાઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.