વડોદરામાં અમિત શાહે રોડ શો અધૂરો છોડ્યો:કેન્દ્રીય ગૃહમંત્રીએ માંડવી ગેટ પાસે રોડ શો અટકાવ્યો ને અધવચ્ચે જ ગાડીમાંથી ઉતરી અમદાવાદ જવા રવાના થઈ ગયા

વડોદરા2 મહિનો પહેલા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે વડોદરાના પ્રતાપનગર રોડ સ્થિત અપ્સરા સિનેમાથી જ્યુબિલીબાગ સુધી રોડ શો હતો. પ્રતાપનગર રોડથી અમિત શાહનો રોડ શો શરૂ થયો હતો. જોકે, રોડ શો પૂરો થાય તે પહેલા માંડવી ગેટ ખાતે અધવચ્ચે જ રોડ શોમાંથી ઉતરી અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા. જેથી વડોદરાના ભાજપના ઉમેદવારોએ અમિત શાહ વિના જ રોડ શો પૂરો કરવો પડ્યો હતો.

અમિત શાહ રોડ શો અધૂરો મૂકીને નીકળી ગયા
રાજ્યની 89 બેઠકો પર ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં હવે રાજકીય પાર્ટીઓએ બાકીની 93 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરા પહોંચ્યા હતા અને પ્રતાપનગરથી રોડ શરૂ કર્યો હતો. અમિત શાહે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

અમિત શાહનો રોડ શો પ્રતાપનગરથી માંડવી, ફતેપુરા થઈ કોયલી ફળિયા અને ત્યાંથી જ્યુબિલીબાગ ખાતે પૂર્ણ થવાનો હતો. જોકે, રોડ શો પૂરો થાય તે પહેલા માંડવી ખાતે અધવચ્ચે રોડ શોમાંથી ઉતરી અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા. તેઓ અમદાવાદ પહોંચીને ચાંદખેડા વિસ્તારમાં સભાને સંબોધી હતી.

ગૃહમંત્રી અમિત શાહ રોડ શો માટે વડોદરા પહોંચ્યા હતા.
ગૃહમંત્રી અમિત શાહ રોડ શો માટે વડોદરા પહોંચ્યા હતા.

અમિત શાહ 3 કલાક મોડા આવ્યા
અમિત શાહ વડોદરામાં સાંજે 4 વાગે રોડ શો કરવાના હતા, પરંતુ, તેઓ અંદાજે 3 કલાક જેટલા મોડા આવ્યા હતા. જેથી રોડ શો મોડો શરૂ થયો અને અધવચ્ચે જ અટકાવી અને અમદાવાદ રવાના થયા હતા.

અમિત શાહના રોડ શોનો રૂટ.
અમિત શાહના રોડ શોનો રૂટ.

લોકોને અમિત શાહની ઝલક જોવા ન મળી
મોટી સંખ્યામાં હાજર લોકો અમિત શાહની એક ઝલક મેળવવા માટે ઊભા રહ્યા હતા, પરંતુ, માંડવી ગેટથી જ્યુબિલીબાગ સુધીના રૂટ પર હાજર લોકોને અમિત શાહની એક ઝલક જોવા મળી નહોતી. અમદાવાદમાં સાંજે 7:00 વાગ્યે ચાંદખેડામાં અમિત શાહની જાહેર સભા હતી. જો કે 7.45 સુધી અમિત શાહ વડોદરામાં જ હાજર હતા.

અમિત શાહ અધવચ્ચે જ રોડ શોમાંથી નીકળી ગયા હતા.
અમિત શાહ અધવચ્ચે જ રોડ શોમાંથી નીકળી ગયા હતા.

રોડ શો શરૂ થયો, ત્યારથી અમિત શાહ ઉતાવળમાં હતા
વડોદરાના પ્રતાપનગર રોડ સ્થિત અપ્સરા સિનેમા પાસેથી રોડ શો શરૂ થયો, ત્યારથી જ અમિત શાહ ઉતાવળમાં હતા. તેમને અમદાવાદ પહોંચવાની ઉતાવળ હોવાથી તેઓ રોડ શોની ગાડીની આગળ ચાલી રહેલા કાર્યકરોને ઝડપી ચાલવા માટે કહેતા જોવા મળ્યા હતા અને તેમની બાજુમાં ઉભેલા નેતાઓને પણ રોડ શોને ઝડપથી પૂર્ણ કરવા અને કાર્યકરોને ઝડપથી ચાલે તેવી સૂચનાઓ આપતા જોવા મળ્યા હતા.

અમિત શાહ માંડવી ખાતેથી રોડ શોમાંથી નીકળી ગયા.
અમિત શાહ માંડવી ખાતેથી રોડ શોમાંથી નીકળી ગયા.

અમિત શાહના સમર્થકો નારાજ
અમિત શાહ માંડવીથી જ પરત જતા રહેતા તેમના સમર્થકો નારાજ થયા હતા. અમિત શાહના સમર્થક કાજલ ગાયકવાડે જણાવ્યું હતું કે, સાંજે ચાર વાગ્યાથી અમે તેમની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ, તેના આવ્યા તેથી અમને દુઃખ થયું છે.

અમિત શાહ ન આવ્યું તેનું દુ:ખ છે
મીનાબેન જીંગરે જણાવ્યું હતું કે, અમિત શાહ ન આવ્યા તેનું અમને ખૂબ જ દુઃખ છે, જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને એમના માટે અમે આટલી બધી તૈયારીઓ કરી હતી. તો એ હવે શું કામની. તેઓ ફરીવાર વડોદરા આવવા જોઈએ. ભાજપ તો જીતવાનું જ છે. ભાજપની જ સરકાર બનશે.

અમિત શાહ આવ્યા હોત, તો ખૂબ આનંદ થયો હોત
સોનલબેન જીંગરે જણાવ્યું હતું કે. અમે 4 વાગ્યાથી રાહ જોઈને બેઠા હતા, પરંતુ અમિત શાહ અમારા વિસ્તારમાં ન આવ્યા. એ માંડવીથી પરત જતા રહ્યા. અહીંના બધા જ કાર્યકર્તા આવ્યા, અમિત શાહ ન આવ્યા તો અમને ખૂબ દુઃખ થયું છે. જો અમિત શાહ આવ્યા હોત, તો અમને ખૂબ આનંદ થયો હોત.

અમિત શાહના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
અમિત શાહના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

અમિત શાહના સ્વાગત માટે લોકો રાહ જોતા રહ્યા
માંડવીથી જ્યુબિલીબાગ વચ્ચે સ્વાગત માટે ઘણા બધા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. જેમાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, વડોદરા(SVVP) કે જેના પ્રમુખ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ છે, તેના સ્ટેજ સુધી પણ અમિત શાહ પહોંચ્યા નહોતા. આ સ્ટેજ પર ભગવાન શ્રીકૃષ્ણનો વેશ ધારણ કરી બેઠેલ યુવતીઓ પણ પુષ્પનો હાર લઈને કલાકો સુધી ઉભી રહી હતી.

વિવિધ વેશભૂષામાં યુવતીઓ અને યુવાનો રોડમાં પહોંચ્યા હતા.
વિવિધ વેશભૂષામાં યુવતીઓ અને યુવાનો રોડમાં પહોંચ્યા હતા.

અમિત શાહને જોવાની ઈચ્છા અધૂરી રહી
સાથે જ આગળ જતા કોયલી ફળિયા યુવક મંડળના સ્ટેજ પર ભાજપના નેતા રાજેશ આયરે અને ભાજપ મહિલા કોર્પોરેટર હેમિષા ઠક્કર પણ અમિત શાહનું સ્વાગત કરવા હાજર હતા, પરંતુ તેઓની પણ આ ઇચ્છા અધૂરી રહી ગઈ હતી. આ સિવાય અનેક ભાજપના કાર્યકરો અને અમિત શાહના ચાહકો અમિત શાહ વિનાનો કાફલો પસાર થઈ ગયા છતાં પણ એવી આશાએ ઉભા રહી ગયા હતા કે, હજુ કદાચ અમિત શાહ પાછળ રહ્યા હશે અને અમારૂ અભિવાદન ઝીલશે.

ભાજપના નેતાઓ માંડવીથી જ્યુબિલીબાગ વચ્ચે અમિત શાહની રાહ જોતા રહી ગયા, પણ અમિત શાહ ન પહોંચ્યા.
ભાજપના નેતાઓ માંડવીથી જ્યુબિલીબાગ વચ્ચે અમિત શાહની રાહ જોતા રહી ગયા, પણ અમિત શાહ ન પહોંચ્યા.

આ હતો રોડ શોનો રૂટ
વડોદરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રોડ શો પ્રતાપનગર અપ્સરા સિનેમાથી શરૂ થઈને ચોખંડી, માંડવી, ચાંપાનેર, અડાણીયા પુલ થઈ જ્યુબેલીબાગ ખાતે પૂર્ણાહુતિ થવાની હતી. જોકે, રોડ શો પૂર્ણ થઈ શક્યો નહોતો અને માંડવી ખાતેથી જ અમિત શાહ રવાના થઈ ગયા હતા.

અમિત શાહે રોડ શોમાં લોકોનું અભિવાદન ઝિલ્યું હતું.
અમિત શાહે રોડ શોમાં લોકોનું અભિવાદન ઝિલ્યું હતું.

આ પહેલા અમિત શાહની સભા છેલ્લી ઘડીએ રદ્દ થઈ હતી
6 દિવસ પહેલા જ વડોદરાના સયાજીગંજ વિધાનસભાના ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાના પ્રચાર માટે ગૃહમંત્રી અમિત શાહ આવવાના હતા. પરંતુ, છેલ્લી ઘડીએ તેમનો કાર્યક્રમ રદ્દ થયો હતો. અમિત શાહ નહી આવી શકતા તેમની જગ્યાએ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આવવાના હતા. પરંતુ તેઓ પણ નહીં આવતા અઢી કલાક બાદ બંને નેતાઓ નથી આવવાના તેની જાહેરાત કરવામાં આવતા લોકોમાં ભારે નારાજગી ફેલાઇ હતી. નેતાની રાહ જોઇને થાકેલી મહિલા કાર્યકરોએ ગ્રાઉન્ડ પર ગરબા લઇને સમય પસાર કર્યો હતો. સ્થાનિક નેતાઓએ ભાષણ શરૂ કરતાં જ કાર્યકરોએ ગ્રાઉન્ડ પરથી ચાલતી પકડી હતી.

રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
જ્યુબિલીબાગ પાસેના આ સ્ટેચ્યૂ પાસે રોડ શો પૂર્ણ થવાનો હતો.
જ્યુબિલીબાગ પાસેના આ સ્ટેચ્યૂ પાસે રોડ શો પૂર્ણ થવાનો હતો.