સંકલનની બેઠક:સબ સલામતના દાવા વચ્ચે ધારાસભ્યે કહ્યું,રોગચાળો અટકાવવા ફોગિંગ કરો

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોગચાળો ન વકરે તે માટે ડોકટરોની ટીમ મોકલવા સૂચન
  • સુશેન સર્કલ પર બ્રિજ બનાવવા સૂચન : આગામી સપ્તાહમાં સર્વે કરાશે

શહેરમાં મચ્છરજન્ય અને પાણી જન્ય રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે પાલિકાના રિપોર્ટમાં એકલ દોકલ કેસ બતાવી સબ સલામતનું ચિત્ર ઉભુ કરાય છે. ત્યારે પાલિકામાં મળેલી સંકલનની બેઠકમાં ધારાસભ્ય યોગેશ પટેલે શહેરમાં રોગચાળો ન વકરે તેના માટે ફોગિંગ સહિતની કામગીરી કરવા માટે સૂચના આપી છે. સુશેન સર્કલ પર બ્રિજ બનાવવાની કામગીરીનો સર્વે કરવા સાથે મારેઠા ગામમાં પાણીની લાઈનનું નેટવર્ક નાખવાની કામગીરી કરવા સૂચન કર્યું હતું. જેથી આગામી સપ્તાહમાં કામગીરી શરૂ કરાશે.

બુધવારે પાલિકામાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે શહેરમાં રોગચાળો ન વકરે તે માટેની તાકીદ કરી છે. તેઓએ મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપી છે કે જે વિસ્તારોમાં પાણી ભરાયા હોય ત્યાં દવાનો છંટકાવ કરવો, ડોક્ટરોની ટીમ મોકલવી અને દવાનું વિતરણ કરવું તેમજ ડ્રાઇવ ચલાવી પાણીપુરીની લારીઓ પર ચેકિંગ કરવું અને સડેલા શાકભાજીનો નાશ કરવો. અગાઉ તેમના મતવિસ્તારમાં સુશેન સર્કલ પર બ્રિજ બનાવવાના વિરોધ બાદ ફરીથી બ્રિજ બનાવવાની ચર્ચા થઈ હતી.

જેમાં તેઓએ જણાવ્યું હતું કે મકરપુરા રોડથી પ્રતાપનગર તરફ બ્રિજ બનાવવાની કામગીરી માટે સુચન કરાયું છે. જેનો આગામી સપ્તાહ સર્વે કરવામાં આવશે. આ બ્રિજથી સુશેન સર્કલ પર થતા ટ્રાફિકને મુક્તિ મળશે. તાજેતરમાં જ શહેરના માજલપુર સહિત દક્ષિણ વિસ્તારને સિંધરોટ પાણી પ્રોજેક્ટથી પાણી મળ્યું છે. જેના પગલે હવે જે સોસાયટીઓમાં જોડાણો બાકી છે.

તે સોસાયટીઓ પાસેથી નાણા લઈ જોડાણો લેવા માટે પાલિકા આગામી દિવસોમાં જાહેરાત કરશે. માણેજા ગામ પાછળ આવેલા મારેઠા ગામમાં પણ પાણીનું નેટવર્ક નાખવાની કામગીરી કરાશે. તેઓએ વધુમાં કહ્યું હતું કે પાંચ વિધાનસભામાંથી પાલિકા અને પબ્લિકની 80- 20ની ભાગીદારીના આરસીસીના 85 કામોની ફાઇલ પૈકી માંજલપુરની 64 ફાઈલોને મંજૂરી અપાઇ છે.

એસ.ટી.પીમાં ઇજારદાર મોટર બંધ રાખે છે, મ્યુનિ.કમિશનર રોજનું નિરીક્ષણ કરે
ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે શહેરના એસટીપી પ્લાન્ટમાં મોટર પૂરેપૂરો સમય ચલાવવામાં આવતી નથી તેવી ફરિયાદો મળી છે. કેટલીક ઇજાદારો દ્વારા બંધ રાખવામાં આવે છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર તેનું દરરોજનો રિપોર્ટ મેળવી અને ચેકિંગ કરે. જેનાથી અડધો અડધ સમસ્યાઓનો ઉકેલ આવશે.

અન્ય સમાચારો પણ છે...