તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાની બીમારીમાં સંજીવની મનાતા રેમડેસિવિર ઇન્જેક્શનો ન મળતા દર્દીઓની હાલત કફોડી બની ગઈ છે. સરકાર દ્વારા ઇન્જેક્શનો માટે આપેલા વચનો ઠાલા પુરવાર થઇ રહ્યા છે. જોકે વડોદરા શહેરમાં કેટલાક ચોક્કસ મેડિકલ સ્ટોર ઉપર કાળા બજારમાં વેચાઇ રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. વડોદરા શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શનોની તિવ્ર અછત તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
ઇન્જેક્શન મળતા હોય તો મોં માંગે તેટલી કિંમત આપવાની લોકોની તૈયારી
વડોદરા શહેરમાં કોરોનાની સ્થિતી વકરતા તાજેતરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દોડી આવ્યા હતા. અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યાર બાદથી શહેરમાં કોરોનાની સ્થિતી દિવસે ને દિવસે વધુ કથળતી જાય છે. બુધવારે વડોદરા શહેરમાં મૃતકના દેહને હાથ લારીમાં લઇ જવાના કરૂણ દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યાર બાદ હાલની સ્થિતી શહેરમાં કોરોનાના દર્દીઓ માટે જીવન રક્ષક રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે તેમના પરિવારજનો હવાતીયા મારી રહ્યા છે. અને જો કોઇ જગ્યાએ ઇન્જેક્શન મળતા હોય તો સ્વજનોને બચાવવા માટે મોં માંગે તેટલી કિંમત આપવાની લોકો તૈયારીઓ દર્શાવી રહ્યા છે.
ભાજપ શહેર પ્રમુખનો રેમડેસિવિર ઇન્જેક્શનનો ભાવ રૂ. 1,700 કર્યાનો દાવો
વડોદરા સહિત રાજ્યના તમામ મોટા શહેરોમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતી વધુ વિકટ બનતી જાય છે. વડોદરા શહેરના મેયર કોરોના પોઝિટિવ થયા હતા. ત્યાર બાદ અચાનક તેઓ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાથે ઉચ્ચ સ્તરીય મિટીંગમાં હાજર દેખાયા હતા અને પછી હોમ ક્વોરન્ટીન થઇ ગયા હતા. બુધવારે વડોદરા શહેર ભાજપ શહેર પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનનો ભાવ રૂ. 1,700 કર્યાનો દાવો કર્યો હતો. જોકે, તે અંગે સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
રેમડેસિવિર ઇન્જેક્શન બ્લેકમાં રૂપિયા 8થી 10 હજારમાં વેચાઈ રહ્યા છે
તમામ રાજકીય સર્કસ વચ્ચે હાલની સ્થિતી એવી છે કે, હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના પરિવારજનો જીવન રક્ષક રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે હવાતીયા મારી રહ્યા છે. જો કોઇ જગ્યાએથી રેમડેસિવિર ઇન્જેક્શન મળે તો મોં માંગ્યા ભાવે ખરીદવા તૈયાર છે. પરંતુ, ઇન્જેક્શનો મળી રહ્યા નથી. અને જ્યાં મળી રહ્યા છે ત્યાં બ્લેકમાં રૂપિયા 8થી 10 હજારમાં વેચાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. એક તરફ પ્રજાને રોજે રોજ ઇન્જેક્શન મેળવવા માટે વલખા મારવા પડી રહ્યા છે. તો બીજી તરફ ચૂંટાયેલા પ્રતિનીધીઓ દ્વારા કોઇ પણ પ્રકારની સુવિધાઓ કરવામાં આવતી નથી.
પ્રજાએ ઇન્જેક્શન મેળવવા માટે હવાતીયા મારવાનો વારો આવ્યો
સરકાર દ્વારા એક તરફ રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ, બીજી તરફ પ્રજાએ ઇન્જેક્શન મેળવવા માટે હવાતીયા મારવાનો વારો આવ્યો છે. રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો અનિયમીત રીતે પુરો પાડવામાં આવી રહ્યો છે. જેને લઇને સારવાર લઇ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મૂકાયા છે.
મેડિકલ સપ્લાય માટે નોડલ અધિકારી તરીકે આર.એ. પટેલની નિમણુંક કરી છે
કોરોનાના દર્દીઓની સ્થિતી વધુ ખરાબ હોય તો તેઓને સારવાર માટે ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવામાં આવતા હતા. જેની કિંમત રૂ. 40 હજાર સુધી વસુલવામાં આવતી હતી. જોકે, હવે આ ઇન્જેક્શન તો દર્દીઓના પરિવારજનોની પહોંચની બહાર જતા રહ્યા છે. આમ, કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનોની ઇન્જેક્શન મેળવવામાં પડતી હાલાકીને કારણે મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. શહેરીજનોની સમસ્યાને ધ્યાને લઇને ઓ.એસ.ડી. ડો. વિનોદ રાવે તાત્કાલિક અસરથી મેડિકલ સપ્લાય માટે નોડલ અધિકારી તરીકે આર.એ. પટેલની નિમણુંક કરી છે.
રેમડેસિવિર ઇન્જેક્શનની અછત મુદ્દે તંત્ર પર ગંભીર આક્ષેપ
વડોદરા શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન જરૂરી રેમડેસિવિર ઇન્જેક્શનની અછત ઉભી થતાં વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તંત્ર પર ગંભીર આરોપ લગાવી ખાનગી હોસ્પિટલ અને સરકારની ભાગીદારીના આક્ષેપ કરતા વિવાદ સર્જાયો હતો.
Sponsored By
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.