ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને મોદી, રાહુલ ગાંધી અને કેજરીવાલ સહિતના નેતાઓ સભાઓને સંબોધી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં સ્થાનિક ઉમેદવારોએ પણ પોતાના વિસ્તારમાં ફેરણી શરૂ કરી દીધી છે. વડોદરાની માંજલપુર બેઠકના ભાજપના ઉમેદવાર યોગેશ પટેલે આજથી પોતાના વિસ્તારમાં ફેરણી શરૂ કરી છે. આ ઉપરાંત અકોટા વિસ્તારમાં ચૈતન્ય દેસાઈએ પણ ફેરણી શરૂ કરી છે.
અભ્યાસમાં સૌથી આગળ મહિલાઓ
વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકોનીં ચૂંટણી 5 ડિસેમ્બરે યોજાશે. વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકો પર 134 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. દરેક રાજકીય પાર્ટીઓ અને મતદારો પણ હવે ઉમેદવારના ભણતરને મહત્વનું પરિબળ માને છે, ત્યારે હાલના ઉમેદવારોમાં અભ્યાસમાં સૌથી આગળ મહિલાઓ છે.
મનીષા વકીલે પીએચડી કર્યુ
10 બેઠકો પર ઉમેદવારી કરનાર પૈકી ભાજપના વડોદરા શહેરના ઉમેદવાર મનીષાબેન પટેલે સૌથી વધુ અભ્યાસ કર્યો છે. તેઓએ પીએચડી કર્યુ છે. જ્યારે તેમના હરિફ ગુણવંતરાય પરમાર 8 પાસ છે. જ્યારે માંજલપુરના ઉમેદવાર તસ્વીન સિંઘે ડેન્ટલ સર્જન છે. શહેરની સયાજીગંજ બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ઇજનેર છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે ડિપ્લોમા કર્યું છે. રાવપુરા બેઠક પર ભાજપના ઉમેદવારે MBA તો કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવાર સ્નાતક છે.
32 જેટલા ગુનેગારોને તડીપાર કર્યા
આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ વિભાગે ચાર મહિના અગાઉથી જ અસામાજિક તત્વો અને હિસ્ટ્રીશીટરો સામે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું. ચાર મહિના દરમિયાન પોલીસ વિભાગે 37 જેટલા અસામાજિક તત્ત્વોને પાસા અને 32 જેટલા ગુનેગારોને તડીપાર કર્યા છે. જ્યારે 300 ઉપરાંત સામે અટકાયતી પગલાં ભર્યાં હતાં. વિધાનસભાની ચૂંટણી સુધીમાં હજી વધુ ને વધુ ગુનેગારોને ઝડપી લેવામાં આવશે. ઈલેક્શન કમિશન દ્વારા કોઈ સૂચના આવે એ પહેલાંથી જ શહેર પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવતા લોકોને ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પોલીસ કમિશનર દ્વારા આ અંગે ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી સહિત અન્ય પોલીસ મથકના પીઆઇને સૂચના આપવામાં આવી હતી કે, ચૂંટણી પહેલાં આવાં તત્ત્વોને વધારેમાં વધારે સંખ્યામાં પકડીને કાર્યવાહી કરવામાં આવે, જેના પગલે પોલીસે ચાર મહિના અગાઉથી કાર્યવાહી હાથ ધરી હતી.
સૌ પ્રથમ શહેરનાં જુદાં જુદાં પોલીસ મથકોમાં નોંધાયેલા ગુના અનુસાર લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યારે ગંભીર ગુનામાં અગાઉ સંડોવાયેલા ગુનેગારોની યાદી ક્રાઇમ બ્રાંચ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. પીસીબી દ્વારા આવા ગુનેગારો પૈકી પાસા હેઠળ ધકેલવા અને તડીપાર કરવાના ગુનેગારોની દરખાસ્ત પોલીસ કમિશનર સમક્ષ મૂકવામાં આવી હતી, જેમાં 37 ગુનેગારોને પાસા હેઠળ રાજ્યની જુદી જુદી જેલોમાં ધકેલાયા હતા, જ્યારે 32 જેટલાને શહેર અને જિલ્લામાંથી તડીપાર કરવાનાં પગલાં લેવામાં આવ્યાં હતાં.
વડોદરા શહેર પોલીસની આ કાર્યવાહી અંગે ઈલેક્શન કમિશનને પણ જાણકારી આપવામાં આવતી હોય છે. ચૂંટણી સુધીમાં કરવામાં આવનારી કાર્યવાહી અંગે રોજેરોજ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. આમ શહેર પોલીસ દ્વારા ફ્રી એન્ડ ફેર ઈલેક્શન માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેથી મતદાન દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના નિવારી શકાય અને મતદારો કોઈ પ્રકારના ભય વગર લોકશાહીમાં મહાપર્વ એવા ચૂંટણીમાં મતદાન કરી શકે.
વિધાનસભાની ચૂંટણી સુધી ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રહેશે
ક્રાઈમ બ્રાન્ચ એસીપી રાઠોડ દ્વારા જણાવાયું હતું કે, પોલીસ કમિશનરની સૂચનાથી ચૂંટણીના ચાર મહિના અગાઉથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં માત્ર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જ 300 ઉપરાંત ગુનેગારો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યાં છે. ચૂંટણી પહેલાં રોજેરોજ આવી કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવે નહિ એમ તેમણે જણાવ્યું હતું.
પાસાના કાયદાને સુધારી જુગાર અને સટ્ટાને સામેલ કરાતાં કાર્યવાહી વધી
રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા અને વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવતા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી કરવાનો નિયમ હતો. જેમાં જુગાર કે સટ્ટાને ગંભીર ગુનો ગણાતો ન હતો. જોકે બાદમાં સુધારો થતાં જુગાર-સટ્ટાને પણ સામેલ કરાયા હતા. જેથી કારણે પાસાની કાર્યવાહીમાં વધારો થયો છે. હજી ચૂંટણી સુધીમાં પાસા હેઠળ વધુ ગુનેગારોને ઝડપી લેવાય એવી શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.