ભાવ વધારા સામે વિરોધ:ધારાસભ્યોના વિરોધ વચ્ચે ડેરી ભાવવધારાની સમીક્ષા બેઠક કરશે

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 8 મહિનામાં બીજીવાર ભાવ વધારાની શક્યતા
  • 11મીએ બેઠક મળશે, અમૂલને અનુસરવાની નીતિ અપનાવાશે

ધારાસભ્યોના વિરોધ વચ્ચે બરોડા ડેરી 11 માર્ચના રોજ દૂધના ભાવ વધારા સામે સમીક્ષા બેઠક કરશે. ત્યારે અમુલની જેમ બરોડા ડેરી પણ લિટરે રૂા.2નો વધારો કરે તેવી સંભાવના છે. બરોડા ડેરીએ છેલ્લાં બે વર્ષ દરમિયાન અમુલ ગોલ્ડમાં લિટરે રૂા.6નો અને અન્ય પ્રોડક્ટમાં લિટરે રૂા.4નો વધારો કર્યો છે. જ્યારે ભાવ વધારાના 8 મહિના પછી બરોડા ડેરી ફરી વખત ભાવ વધારવા જઈ રહી છે. ત્યારે હવે શહેરીજનોએ દૂધ પીવા માટે પણ વિચારવું પડે તેવો વારો આવ્યો છે. અમુલ ડેરી દ્વારા દૂધમાં પ્રતિ લિટરે રૂા.2નો ભાવ વધારો કરી દેવાયો છે ત્યારે બરોડા ડેરી પણ ભાવ વધારા માટે 11 માર્ચના રોજ સમીક્ષા બેઠક કરશે.

ઉલ્લેખનિય છે કે, બરોડા ડેરી દૂધનો ભાવ વધારવા માટે આગામી દિવસોમાં સમીક્ષા કરવા જઈ રહી છે. બીજી તરફ ડેરીમાં દૂધ ભરતા પશુપાલકો પણ આ ભાવવધારાથી તેમને પણ નફો થાય તેવી આશ લગાવીને બેઠા છે.

તો બીજી તરફ માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે ડેરીના ડિરેક્ટરો દ્વારા પોતાના ખર્ચ પર અંકુશ રાખીને દૂધના ભાવ કેવી રીતે ઓછા રાખી શકાય તે માટે સમીક્ષા કરવાની શિખામણ પણ આપી ચૂક્યા છે. ત્યારે 8 મહિનામાં જ બીજી વખત દૂધના ભાવવધારાના કારણે શહેરીજનોના બજેટ પર ફરીથી ખોરવાશે. મોટી અસર ગરીબ વર્ગના નાગરિકો પર જોવા મળશે.

વધારો થતાં પહેલાં પાછો ખેંચોનાં બેનર
દૂધના ભાવ વધારા સામે બીજા દિવસે પણ શહેર યૂથ કોંગ્રેસ દ્વારા માંજલપુર શ્રેયસ સ્કૂલ રોડ પર આવેલા બરોડા ડેરીના પાર્લર ખાતે વિરોધ કર્યો હતો. માંજલપુર વિધાનસભા યૂથ કોંગ્રેસના પ્રમુખ જયદીપ ગોહિલે જણાવ્યું હતું કે, અમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં જે વધારો કરવામાં આવ્યો છે, તે ભાવ વધારો બરોડા ડેરી દ્વારા ત્રણ મહિના અગાઉ કરી ચૂકી છે ત્યારે ફરી ભાવ વધારો કરવાની કોઈ જરૂર રહેતી નથી. જ્યારે બરોડા ડેરીના ભાવ વધારા સામે યૂથ કોંગ્રેસે સહી ઝુંબેશ પણ શરૂ કરી છે. જ્યારે શહેર શિવસેનાએ ખોડિયાર નગર ચાર રસ્તા ખાતે વિરોધ કરી રસ્તા ઉપર જ દૂધ વગરની કાળી ચા બનાવી હતી. પ્રમુખ તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુ છે જેમાં ખાદ્યતેલ, દૂધ, પેટ્રોલ અને ડીઝલમાં વધારો થઈ રહ્યો છે, તેનો અમે વિરોધ કરી રહ્યાં છીએ.

ભાવ વધતાં પહેલાં જ વિરોધ કેમ?
બરોડા ડેરી દ્વારા દૂધના ભાવ વધારા અંગે 11 માર્ચના રોજ સમીક્ષા બેઠક રાખવામાં આવી છે. આ બેઠકમાં ભાવ વધારા અંગે નિર્ણય કરવામાં આવશે. જ્યારે ડેરીએ હજુ ભાવ વધાર્યો નથી તે પહેલાં જ વિરોધ કરવાનું કોઈ કારણ નથી. - દિનેશ પટેલ, ચેરમેન, બરોડા ડેરી

છેલ્લાં 2 વર્ષમાં ગોલ્ડમાં લિટરે રૂા.6 અને શક્તિ-તાજામાં લિટરે રૂા.4નો વધારો થયો
બરોડા ડેરીએ છેલ્લાં બે વર્ષોમાં ગોલ્ડમાં લિટરે રૂા.6 અને શક્તિ, તાજા સહિતના દૂધમાં લિટરે રૂા.4નો વધારો કર્યો છે. ડેરીએ 16 ડિસેમ્બર 2019માં દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂા.2નો ભાવ વધારો ઝીંક્યો હતો.જેમાં ગોલ્ડનો 500 મિલીનો ભાવ રૂા.27 થી થઈ રૂા.28 થયો હતો. શક્તિની 500 મિલીમાં રૂા.25 થી રૂા.26નો ભાવ થયો હતો. જ્યારે 500 મિલી ગાયના દૂધમાં રૂા.22 થી રૂા.23નો ભાવ વધારો થયો હતો. તા. 1 જુલાઈ,2021ના રોજ ગોલ્ડમાં રૂા.4નો અને શક્તિ-તાજામાં રૂા.2નો ભાવ વધારો કરતા 500 મિલીની ગોલ્ડની એક થેલી જે રૂા.28ની હતી તે રૂા.30ની થઈ ગઈ હતી. જ્યારે 500 મિલીની શક્તિની થેલી જે રૂા.26ની હતી તેનો ભાવ રૂા.27 થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...