આકર્ષણમાં વધારો:કેવડિયા જંગલ સફારીમાં મૂળ દક્ષિણ અમેરિકાના અલ્પાકાએ બચ્ચાને જન્મ આપ્યો, અલ્પાકાની સંખ્યા હવે 4 થઈ

કેવડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દક્ષિણ અમેરિકાના મૂળ વતની અલ્પાકાને ત્યાં પારણું બંધાયું. - Divya Bhaskar
દક્ષિણ અમેરિકાના મૂળ વતની અલ્પાકાને ત્યાં પારણું બંધાયું.
  • નવતર પ્રાણી યુગલને ત્યાં બચ્ચાના આગમનથી જંગલ સફારી રોમાંચિત થઈ

કેવડિયાના ખાસ આકર્ષણોમાં જેનો સમાવેશ થાય છે એવી જંગલ સફારીમાંથી આવા જ એક આનંદ અંને મંગળના સમાચાર આવ્યા છે. અહીં વસી ગયેલા દક્ષિણ અમેરિકાના મૂળ વતની અલ્પાકાને ત્યાં પારણું બંધાયું છે. ખૂબ કિંમતી ફર જેને આપણે કડકડતી ટાઢ સામે રક્ષણ આપતું ઊન કહી શકીએ, તેના માટે જાણીતા આ નવતર પ્રાણી યુગલને ત્યાં બચ્ચાના આગમનથી જંગલ સફારી રોમાંચિત થઈ છે.

પ્રાણીની વસ્તીમાં વધારો નોંધાઈ રહ્યો છે
બાળ અલ્પાકાના આગમનને હર્ષથી વધાવતા જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું કે જંગલ સફારીનું વાતાવરણ પ્રાણીઓને અનુકૂળ આવતા પ્રાણીની વસ્તીમાં વધારો નોંધાઈ રહ્યો છે.આ બચ્ચાના જન્મ સાથે જ જંગલ સફારીમાં અલ્પાકાની સંખ્યા હવે 4 થઈ છે. અગાઉ આ પ્રકારના પ્રાણી સંગ્રહાલયો ફક્ત પક્ષી/ પ્રાણી સૃષ્ટિના દર્શન સ્થળો હતાં. હવે અભિગમ બદલાયો છે અને તે પ્રમાણે ગુજરાત માટે નવલા નજરાણા જેવી કેવડિયાની જંગલ સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ ન બની રહેતાં હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું છે.

જંગલ સફારીના છોગામાં જાણે કે એક પીંછુ ઉમેરાયું
સતત પ્રાણીઓની દેખરેખ અને કાળજી રાખનાર સફારીના કર્મયોગી એવા એનિમલ કીપર અને તબીબો તરફથી યોગ્ય માવજતને કારણે આ સ્થળે અલ્પાકાનું પ્રજનન, ગર્ભાધાન અને બાળ જન્મ આ બધું શક્ય બન્યું છે. યાદ રહે કે આ પ્રાણીને ખૂબ સુરક્ષિત, વિશ્વસનીય અને પ્રેમાળ વાતાવરણ મળે તો જ પ્રજનન અને ગર્ભાધાન સુધી વાત પહોંચે છે. ઊંટના કુળના આ પ્રાણી દંપતીને સંતાન પ્રાપ્તિથી જંગલ સફારીના છોગામાં જાણે કે એક પીંછુ ઉમેરાયું છે.

અલ્પાકાનું આયુષ્ય અંદાજે 20 વર્ષનું છે
પ્રાણી વિજ્ઞાન કહે છે કે આ પ્રાણીનું પાચનતંત્ર ખૂબ સક્ષમ છે એટલે ઘેટાં-બકરા જેવા પ્રાણીઓ કરતાં તે કદમાં મોટું હોવા છતાં તેનો ખોરાક એમના કરતાં અડધો છે. નર ત્રણ વર્ષની ઉંમરે અને માદા 14થી 18 મહિનાની ઉંમરે ગર્ભાધાન માટે પુખ્ત બને છે. તેનું આયુષ્ય અંદાજે 20 વર્ષનું છે. જન્મ સમયે બચ્ચાનું વજન 7થી 8 કી.ગ્રા. હોય છે જે પુખ્ત વયે વધીને 75 કી.ગ્રા.જેટલું થઈ શકે છે.

આ પ્રાણીનું હમશકલ પણ છે
ઈલમા નામનું અન્ય એક પ્રાણી અલ્પાકા મેળામાં ખોવાઈ ગયેલા ભાઈ જેવું હમશકલ છે એટલે આ બે વચ્ચે ઓળખની મૂંઝવણ સર્જાય છે. જો કે ઈલમા કરતાં કદમાં તે નાનું છે. આ ખૂબ સરળ પ્રાણી છે એટલે બાળ મિત્ર જેવું હોવાથી બાળકો તેની સાથે રમી શકે છે. ગુજરાતના અન્ય કોઈ પ્રાણી ઘરમાં અલ્પાકા છે કે નહી એની ચોક્કસ ખબર તો નથી. માન્યતા પ્રમાણે તો નથી જ એટલે શ્રીમાન-શ્રીમતી અને બાળ અલ્પાકાને મળવું હોય તો કદાચ કેવડિયા જંગલ સફારી આવ્યા વગર છૂટકો નથી.