ધરપકડ:ડમી ગ્રાહકને મળવા આવેલા અલ્પેશે પૂછ્યું,ક્યાં વાત કરીશું ને પોલીસે કહ્યું, હરણી પોલીસ મથકમાં

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • BCAના નામે જમીન ખરીદીની લાલચે ઠગાઈમાં અલ્પેશ પટેલ ઝડપાયો
  • 16.50 લાખની છેતરપિંડી કરી હતી, અલ્પેશ 2 દિવસના રિમાન્ડ પર

કોટંબીમાં બીસીએ માટે જમીન ખરીદીની લાલચ આપી 3 શખ્સો દ્વારા કરાયેલી 16.50 લાખની છેતરપિંડીમાં હરણી પોલીસે અલ્પેશ પટેલને ઝડપી લીધો હતો. તેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. તેણે ઉચ્ચ સરકારી અધિકારીઓનાં બોગસ આઇ કાર્ડ બનાવ્યાં હોવાનું ખૂલ્યું છે. ડમી ગ્રાહકને મળવા વાઘોડિયા રોડ ગયેલા અલ્પેશે આપણે ક્યાં વાત કરીશું, એમ કહેતાં ખાનગી ડ્રેસમાં આવેલી હરણી પોલીસે કહ્યું કે, હરણી પોલીસ મથકે.

ગોરવામાં રહેતા અને એરપોર્ટ સર્કલ પાસે એડ્યુનોવા ઓફિસ ધરાવતા શિક્ષક હરેન્દ્રસિંગ મલિકનો જાન્યુઆરી-2021માં શશીકાન્ત યાદવ (વૃંદાવન સોસાયટી, રણોલી), અલ્પેશ પટેલ (રત્નકુંજ હાઇટ્સ, વાઘોડિયા રોડ) સાથે પરિચય થયો હતો. બંનેએ હરેન્દ્રસિંગને જણાવ્યું કે, બીસીએના હોદ્દેદારોએ અલ્પેશની કંપની ઇન્ટિગ્રિટી કેપિટલ બુલ્ટ સાથે ખેડૂતો પાસેથી જમીન ખરીદવા કોન્ટ્રાક્ટ આપ્યો છે. તમે રોકાણ કરશો તો નફામાં 40 ટકા ભાગ આપીશું કહી 60 લાખનું રોકાણ કરાવ્યું હતું.

જોકે ગરબડ લાગતાં હરેન્દ્રસિંગે અલ્પેશના ઘરે રૂપિયા માગવા જતાં તેની પત્ની પ્રિતિકાબેને ધમકી આપી કે, રૂપિયા માગવા આવશો તો મારી નાખીશ. હરેન્દ્રસિંગે ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરતાં અલ્પેશે રૂપિયાની ચુકવણી કરી હતી. જોકે 16.50 લાખ પરત કર્યા નથી. હરેન્દ્રસિંગે અલ્પેશ પટેલ, તેની પત્ની પ્રિતિકા, શશિકાંત સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

હરણી પીઆઈ એસઆર વેકરિયાએ અલ્પેશ પટેલનો ઇતિહાસ ચકાસી જમીન ખરીદવા ડમી ગ્રાહક ઊભો કર્યો હતો. અલ્પેશે ગ્રાહકને વાઘોડિયા ચોકડી પાસે મળવા કહ્યું હતું. જ્યાં ડમી ગ્રાહકે કહ્યું કે, કોટંબી પાસે જમીન જોઈએ છે. અલ્પેશભાઈ કંઇક ગોઠવોને? જેથી અલ્પેશે આપણે ક્યાં વાત કરીશું? એમ કહેતાં ખાનગી ડ્રેસમાં આવેલી પોલીસે કહ્યું કે, હરણી પોલીસ મથકે, અલ્પેશ પટેલ તારો ખેલ ખત્મ.

BCAના હોદ્દેદારોનો પણ જવાબ લેવાશે
21 જૂન, 2021ના રોજ હરેન્દ્રસિંગ અલ્પેશ અને શશિકાંત સાથે દાંડિયાબજાર પાસે વકીલની ઓફિસે ગયા હતા. જ્યાં બીસીએના સેક્રેટરી અજિત લેલે આવ્યા હતા. જ્યાં અલ્પેશ પટેલે ઇન્ટિગ્રિટી કેપિટલ્સ બુલ્ટ પ્રા.લિ. ના નામથી એગ્રીમેન્ટ કરી નોટરી કરાવ્યું હતું. જેથી હરેન્દ્રસિંગને બંને પર ભરોસો વધ્યો હતો. ત્યારબાદ અલ્પેશ પટેલે સમજૂતી કરી હતી. બીસીએ તરફથી કરાયેલા કામમાં અલ્પેશ અને હેરન્દ્રસિંહનો 40-40 ટકા નફો અને શશિકાંતનો 20 ટકા નફો રહેશે. આ સંબંધમાં બીસીએના હોદ્દેદારોનો પણ જવાબ લેવાશે, એમ હરણી પોલીસે જણાવ્યું હતું. અચરજની વાત તો એ છે કે સાંકરદાની જમીનમાં ફસાવાનો અનુભવ હોવા છતાં બીસીએના સત્તાધીશોએ અલ્પેશ પટેલના ઇતિહાસને નજરઅંદાજ કરી જમીન ખરીદવા એમઓયુ કર્યું હતું. અલ્પેશ પટેલ સામે જમીનની ઠગાઈના અનેક ગુનો નોંધાયેલા છે.

વટ પાડવા CBI ઓફિસરનું ID કાર્ડ બનાવ્યું
અલ્પેશ પટેલ જમીનના સોદામાં પોતાનો પ્રભાવ પાડવા વિવિધ સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓનું બોગસ ઓળખકાર્ડ બનાવ્યું હતું. જેથી પોતે જમીનનો સોદાગર ઉપરાંત ઉચ્ચ અધિકારી હોવાનો રૂઆબ છાંટી સોદામાં પોતાનું ધાર્યું કરતો હતો. તેણે સીબીઆઈના ડે. સુપરિન્ટેન્ડેન્ટનું કાર્ડ બનાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...