• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Allegation That Other People Are Living In The Housing Allotted To 88 Families In Chhani Ramkakani Chali Of Vadodara, Led By Mun. Submission To The Commissioner

લાભાર્થીઓ મકાનથી વંચિત:વડોદરાના છાણી રામકાકાની ચાલીના 88 પરિવારોને ફાળવેલા આવાસોમાં બીજા લોકો રહેતા હોવાના આક્ષેપ, આપની આગેવાનીમાં મ્યુનિ. કમિશનરને રજૂઆત

વડોદરા21 દિવસ પહેલા
પાંચ વર્ષથી મકાનો ન મળતા લાભાર્થીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો

વડોદરા મહાનગર પાલિકા દ્વારા સ્લમ ફ્રી સિટી અંતર્ગત વર્ષ-2016-17માં શહેરના છાણી વિસ્તારમાં આવેલી રામાકાકાની ચાલીના 88 મકાનો તોડી પાડ્યા હતા અને તે સમયે તેઓને મકાનો આપવાની લેખિતમાં બાહેંધરી આપવામાં આવી હતી અને કોર્પોરેશન દ્વારા મકાનો પણ આપવામાં આવ્યા હતા. પરંતુ, લાભાર્થીઓએ સ્થળ પર તપાસ કરતાં અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનું જણાતા લાભાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા. લાભાર્થીઓ દ્વારા અનેક વખત મકાનો આપવા માટે અનેક રજૂઆતો કરવા છતાં, મકાનો ન મળતા આજે આમ આદમી પાર્ટીની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.

સયાજીપુરામાં મકાનો ફાળવવામાં આવ્યા હતા
વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના છાણી વિસ્તારમાં આવેલી રામાકાકાની ચાલી વર્ષ 2016-17 માં તોડી પાડવામાં આવી હતી. જે-તે સમયે ઝૂંપડાવાસીઓએ ભારે વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોના વિરોધના પગલે કોર્પોરેશન દ્વારા એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ અંતર્ગત તમામ ઝૂંપડાવાસીઓને સયાજીપુરામાં આવાસો ફાળવવામાં આવ્યા હતા. ઝૂંપડાવાસીઓને એલોટમેન્ટ લેટર પણ આપવામાં આવ્યા હતા.

ઝૂંપડાવાસીઓએ આમ આદમી પાર્ટીની આગેવાનીમાં મ્યુ. કમિશનરને આવેદનપત્ર આપ્યું
ઝૂંપડાવાસીઓએ આમ આદમી પાર્ટીની આગેવાનીમાં મ્યુ. કમિશનરને આવેદનપત્ર આપ્યું

ઝૂંપડાવાસીઓએ અનેક વખત રજૂઆત કરી
લાભાર્થીઓ એલોટમેન્ટ લેટર લઇને પોતાને ફાળવેલા મકાનોમાં રહેવા ગયા, ત્યારે તેઓને મકાનોમાં અન્ય વ્યક્તિઓ રહેતા હોવાની જાણ થતાં ચોંકી ઉઠ્યા હતા અને પોતાની સાથે કોર્પોરેશન દ્વારા છેતરપિંડી થઈ હોવાનું જણાતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. સ્થાનિક ઝૂંપડાવાસીઓ દ્વારા અનેક વખત મકાનો ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ, કોર્પોરેશન દ્વારા કોઇ દાદ આપવામાં ન આવતા આખરે આમ આદમી પાર્ટીનો સહારો લીધો છે.

અમારે જીવવું મુશ્કેલ થઇ ગયું છે
લાભાર્થી સંગીતાબહેને જણાવ્યું હતું કે, આજે અમે અમારા મકાનના પ્રશ્ને આવ્યા છે. અમે છેલ્લા પાંચ વર્ષથી ખરાબ હાલતમાં દિવસો પસાર કરી રહ્યા છે. મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ છે, ત્યારે અમે ભાડા ભરીને કેટલા દિવસો પસાર કરીશું. અમે લોકોના ઘરમાં કામો કરીને ગુજરાન ચલાવીએ છે. તેમાં મકાનનું ભાડુ, બાળકોનું શિક્ષણ કેવી રીતે પૂરું કરી શકીએ. અમારી એકજ માંગ છે. અમોને મકાન આપો.

ગરીબોને મકાનો ફાળવવા માંગણી
આમ આદમી પાર્ટીના અગ્રણી રીયાઝ શેખે જણાવ્યું હતું કે, વર્ષ-2016-17માં રામાકાકા ડેરી પાસેની ઝૂંપડપટ્ટી કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવી હતી અને 88 પરિવારને બેઘર કરી દેવામાં આવ્યા હતા. કોઈને નડતરરૂપ ન હોવા છતાં તેમને દૂર કરી દેવામાં આવ્યા હતા. જે-તે સમયે તેઓએ વિરોધ કરતા તમામને મકાનો આપવાની બાહેંધરી આપવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા સયાજીપુરામાં મકાનો પણ આપવામાં આવ્યા હતા. પરંતુ, લાભાર્થીઓ મકાન લેવા ગયા ત્યારે ત્યાં અન્ય કોઇ રહેતા હોવાથી લાભાર્થીઓને મકાન મળ્યા નથી. કોર્પોરેશન દ્વારા લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. એફોર્ડેબલ 19000 મકાનો ખાલી પડેલા છે. ત્યારે વહેલી તકે આ ઝૂંપડાવાસીઓને મકાનો ફાળવવામાં આવે તેવી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...