માંગણી:પૂર્વ PI ગોહિલ સહિત 6 ની જેલ બદલવા માટે રજૂઆત, શેખબાબુ મર્ડર કેસમાં તમામની ધરપકડ થઇ હતી

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીને જેલમાં સુવિધા મળતી હોઇ કેદીઓએ હડતાલ પાડી હતી: LRDએ હાઇકોર્ટમાંથી જામીન અરજી વિડ્રો કરી

ફતેગંજ પોલીસ સ્ટેશનના લોકઅપમાં શેખબાબુની હત્યાના ચકચારી બનાવમાં સંડોવાયેલા પીઆઇ ગોહીલ સહિતના તમામ આરોપીઓને હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યાં છે ત્યારે તેમને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવા માટે શેખબાબુના પુત્રએ રજૂઆત કરી છે. જ્યારે બનાવમાં સંડોવયેલા એક એલઆરડીએ હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કર્યા બાદ અરજી વિડ્રો કરી હતી.

શેખ સલીમબાબુએ સાબરમતી જેલના અધિક્ષકને લખેલી અરજીમાં જણાવ્યું છે કે, તેમના પિતા શેખબાબુની ફતેગંજ પોલીસ સ્ટેશનમાં હત્યા કરવામાં આવી હતી અને લાશનો નિકાલ કરવામાં આવ્યો હતો.આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી અને તપાસના અંતે આ ચકચારી કેસમાં પીઆઇ ગોહીલ તેમજ પીએસઆઇ રબારી સહિતના છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તે તમામને હાલ વડોદરા જેલમાં રાખવામાં આવ્યાં છે.

તાજેતરમાં મીડીયાના માધ્યમથી જેલમાં કેદીઓએ ભુખ હડતાલ કરી હોવાની વિગતો મળી હતી અને તપાસ કરતાં પીઆઇ ગોહીલ સહિતના આરોપીઓને ઇલેક્ટ્રીક સગડી તેમજ મોબાઇલ સહિતની સુવીધા આપવામાં આવતી હોય તેના વિરોધમાં કેદીઓએ હડતાલ કરી હતી. એટલે કસ્ટોડીયલ ડેથના તમામ છ આરોપીઓની અમદાવાદ અથવા તો લાજપોર જેલમાં મોકલવામાં આવે.

અરજીમાં અરજદારે તો તેમને અન્ય જેલમાં મોકલવામાં નહી આવે તો હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવશે તેમ જણાવ્યું છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા એલઆરડી હિતેશએ હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરીહતી જો કે, હાઇકોર્ટનું વલણ જોયા બાદ અરજદાર તરફે અરજી વિડ્રો કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...