તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રાનો કર્ફ્યૂ:વડોદરામાં કર્ફ્યૂ સિવાયના તમામ વિસ્તારોમાં ટ્રાફિકજામ થતાં નોકરી-ધંધા પર જતા લોકો અટવાયા, પંડ્યા બ્રિજથી ગેંડા સર્કલ રોડ પર ભારે ટ્રાફિક થયો

વડોદરા20 દિવસ પહેલા
નોકરી-ધંધા ઉપર જવા નીકળેલા લોકોને પંડ્યા બ્રિજથી ગેંડા સર્કલ તરફ જવાના રસ્તે ભારે ટ્રાફિકજામનો સામનો કરવો પડ્યો હતો
  • વાહન ચાલકો બ્રિજ પર રોંગ સાઇડ જતાં વધુ ટ્રાફિકજામ થઇ ગયો

આજે અષાઢી બીજના દિવસે વડોદરામાં લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે 40મી રથયાત્રા સવારે સ્ટેશન ખાતેથી નીકળી હતી. પોલીસ દ્વારા લાદવામાં આવેલા કર્ફ્યૂ સિવાયના માર્ગો ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. નોકરી-ધંધા ઉપર જવા નીકળેલા લોકોને પંડ્યા બ્રિજથી ગેંડા સર્કલ તરફ જવાના રસ્તે ભારે ટ્રાફિકજામનો સામનો કરવો પડ્યો હતો. નિર્ધારીત સ્થળે પહોંચવા માટે વાહન ચાલકો બ્રિજ પર રોંગ સાઇડ જતાં ટ્રાફિક વધુ જામ થઇ ગયો હતો.

ટ્રાફિકના નિયમન પર ધ્યાન ન અપાયું
વડોદરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવા માટે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રહ્યું હતું. આજે વડોદરામાં પ્રથમ વખત કર્ફ્યૂના માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી હતી. તો બીજી તરફ પોલીસ દ્વારા અન્ય વિસ્તારોમાં ટ્રાફિકના નિયમન પર ધ્યાન નહીં આપવાની ઘટના સામે આવી હતી.

સવારે નોકરી પર જતા લોકો અટવાયા
સામાન્ય રીતે સવારે 10:30 વાગ્યાની આસપાસ મોટી સંખ્યામાં લોકો વેપાર-ધંધા અને નોકરીના સ્થળે જતા હોય છે અને આ સમયે રસ્તા પર વાહનોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે, ત્યારે આજે પંડ્યા બ્રિજથી ગેંડા સર્કલ તરફ જવાના રસ્તે અને બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે સવારે નોકરી પર જતા લોકો અટવાયા હતા.

વડોદરામાં લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે 40મી રથયાત્રા સવારે સ્ટેશન ખાતેથી નીકળી હતી
વડોદરામાં લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે 40મી રથયાત્રા સવારે સ્ટેશન ખાતેથી નીકળી હતી

લોકો બેફિકર બનીને રોંગ સાઇડ જઇ રહ્યા
કેટલાક લોકો તો દૂરથી જ ટ્રાફિકજામ જોઇને રોંગ સાઇડ બ્રિજ પર જઇ રહ્યા હતા. આમ કરવાથી તેઓએ અન્યના જીવને પણ જોખમ ઉભુ થાય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું. પંડ્યા બ્રિજથી લઇને ગેંડા સર્કલ સુધી લક્ઝરી બસ, કાર, ટુ વ્હીલર અને રીક્ષાઓની લાંબી લાઇનો જોવા મળી હતી. આ લાઇનોને ટાળવા માટે લોકો બેફિકર બનીને રોંગ સાઇડ જઇ રહ્યા હતા.

પોલીસે સામાન્ય જનતાને ટ્રાફિક ન નડે તે માટેના પ્રયાસો ન કર્યાં
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં રથયાત્રાના બંદોબસ્તમાં કોઇ પણ ચૂક ન રહી જાય તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. જેને કારણે આજે નિયમાનુસાર રથયાત્રા નિકળી શકી હતી. પરંતુ પોલીસ દ્વારા સામાન્ય જનતાને ટ્રાફિક ન નડે તે માટે પ્રયાસો કર્યાં હોત તો લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં હેરાન થવું પડ્યુ ન હોત.

અન્ય સમાચારો પણ છે...