દારૂની હેરાફેરી:કારના એન્જિનમાં બોટલો છુપાવીને દારૂની હેરાફેરી

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાવલી-હાલોલ રોડ પર કારના બોનેટમાં સંતાડેલો દારૂ ઝડપાયો હતો. - Divya Bhaskar
સાવલી-હાલોલ રોડ પર કારના બોનેટમાં સંતાડેલો દારૂ ઝડપાયો હતો.
  • પિતા-પુત્ર આણંદના બૂટલેગરને દારૂ આપવા જતા હતા
  • સાવલી-હાલોલ રોડ પરથી 39 હજારનો દારૂ-બિયર જપ્ત

સાવલી-હાલોલ રોડ પર જિલ્લા એલસીબીએ ઇકો કારમાં દારૂનો જથ્થો છુપાવીને આવી રહેલા પિતા-પુત્રને ઝડપી લીધા હતા. દારૂનો જથ્થો દાહોદથી ભરીને આણંદના બૂટલેગરને આપવા લઇ જવાતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે, ઇકોમાં દારૂનો જથ્થો ભરીને હાલોલ તરફથી સાવલી થઇને વડોદરા તરફ જવાનો છે. જેથી પોલીસે સાવલી-હાલોલ રોડ પર વકીલપુરા ગામ પાસે વોચ ગોઠવી બાતમી મુજબની ઇકો કાર ઝડપી લીધી હતી. પોલીસે ઇકોમાં ચેક કરતાં આગળના બોનેટના ભાગે એન્જિનની આસપાસ છુપાવેલો દારૂનો જથ્થો જોવા મળ્યો હતો.

પોલીસે ઇકોમાંથી કરણ નરવતસિંહ ચૌહાણ અને નરવતસિંહ મોહનસિંહ ચૌહાણ (બંને રહે. માંકડ, પંચમહાલ)ને ઝડપી લઇ ઇકોમાંથી રૂા.39 હજારની કિંમતની દારૂ અને બિયરની 222 બોટલ, મોબાઇલ ફોન અને ઇકો મળીને રૂા.2.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પિતા-પુત્રને દાહોદના પીટલ ખાતે રહેતા મામા નામના શખ્સે દારૂ ભરી આપ્યો હતો અને આણંદના ગંભીરાના રાવજી ચીમન તળપદાએ મગાવ્યો હોવાથી તેને આપવા જઇ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...