અક્ષય તૃતીયા:આવતી કાલે અક્ષય તૃતીયા : રૂા.20 કરોડથી વધુનું સોનું વેચાવાની આશા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળ બાદ આ વર્ષે વેપાર માટે પણ શુભ મુહૂર્ત રહેશે
  • એક સપ્તાહમાં સોનાનો ભાવ બેથી અઢી હજાર ઘટતાં વેચાણ વધશે

અક્ષય તૃતીયા જેને અખા ત્રીજ કહેવાય છે. આ પવિત્ર દિવસે સોનું-ચાંદી, વાહનો કે ઘર ખરીદવાનો મહિમા છે. આ વર્ષે 3 મેના રોજ અખા ત્રીજના દિવસે શહેરમાં 1 હજારથી વધુ જ્વેલર્સ રૂા. 20 કરોડથી વધુનું સોનું વેચાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. જ્વેલર્સના મતે કોરોનાને પગલે ગત વર્ષે વેપાર પર અસર થઈ હતી, ત્યારે આ વર્ષે અખા ત્રીજ વેપાર માટે પણ શુભ મુહૂર્ત લઈને આવશે. છેલ્લા એક અઠવાડિયામાં સોનાનો ભાવ બેથી અઢી હજાર ઘટી ગયો છે. રવિવારના રોજ સોનાની લગડીનો ભાવ રૂા.53,700 અને દાગીનાનો ભાવ 48,800 નોંધાયો હતો.

ગાયત્રી ઉપાસક હર્ષદ બાપાએ જણાવ્યું હતું કે, દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા વાળી તિથિ એટલે અક્ષય તૃતીયા. અક્ષય તૃતીયાનો મહિમા ખૂબ જ અપાર છે, જેવું નામ છે તેવા ગુણ છે. અક્ષય તૃતીયા એ સંસ્કૃત શબ્દ છે, અક્ષયનો અર્થ છે ‘શાશ્વત’ એટલે કે કાયમ, જેનો ક્ષય નથી તે. તૃતીયા એટલે ત્રીજ. આમ અક્ષય તૃતીયા એ ચિરંજીવી છે. સુખ, સફળતા અને આનંદની ક્યારે ઓછી ન થવા વાળી લાગણી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન 4 વખત વણજોયેલા મુહૂર્ત આવે છે.

જેમાં બેસતું વરસ, ગુડી પડવો, દશેરા અને અખા ત્રીજનો સમાવેશ થાય છે. અક્ષય તૃતીયાના દિવસે મેષનો સૂર્ય કાયમ હોય છે. આ વર્ષમાં પણ મેષનો સૂર્ય આત્મકારક અને ઉચ્ચનો છે, જે આત્મબળ વધારે છે. જ્યોતિષ શાસ્ત્રના મુજબ અક્ષય તૃતીયા તિથિએ સોનું-ચાંદી અને મકાન લેવાથી ઉત્તરોત્તર અને ઘણી પ્રગતિ થાય છે, જ્યારે તેનો ક્ષય થતો નથી અને ભંડાર ભર્યા રહે છે. અખા ત્રીજે કરેલું પુણ્યફળ સદા રહે છે.

સોનું-ચાંદી ખરીદવાનું મુહૂર્ત

  • સવારે - 10:56 થી બપોરના 2:11 સુધી
  • બપોરે 3:49થી સાંજના 5:26
  • શ્રેષ્ઠ મુહૂર્ત બપોરે 12:08 થી બપોરના 1 વાગ્યા સુધી
અન્ય સમાચારો પણ છે...