તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કોંગ્રેસ અગ્રણીને લૂંટનાર ટોળકીનો સૂત્રધાર અક્ષય

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં 2 આરોપીના 2 દિવસના રિમાન્ડ
  • કોંગ્રેસ અગ્રણીનું મેડિકલ પરીક્ષણ કરાવાયું

પાલિકાની ચૂંટણી લડી ચૂકેલા કોંગ્રેસ અગ્રણી કમ બિલ્ડરને 3 યુવકોએ મેસેજ કરી વાઘોડિયા પાસે જમીન જોવા બોલાવ્યા બાદ 7 કલાક સુધી ગોંધી રાખી માર મારી કઢંગી હાલતમાં ફોટા પાડી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. તે પછી ફોટા વાઇરલ કરવાની ધમકી આપી 50 હજારની માગણી કરી હતી. આ બનાવમાં પકડાયેલા 2 શખ્સોને પોલીસે અદાલતમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જ્યારે ત્રીજા આરોપી અક્ષયની શોધખોળ શરૂ કરાઇ હતી.

અક્ષય આ ત્રિપુટીનો મુખ્ય સૂત્રધાર હોવાનું અને મોબાઇલની બ્લ્યૂ ગે એપ્લિકેશનમાંથી લોકો સાથે વાત કરી તેમને બોલાવી કઢંગી હાલતમાં ફોટા અને વિડીયો બનાવતો હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. બીજી તરફ કોંગ્રેસ અગ્રણીનું મેડિકલ પરીક્ષણ કરાવી 164 મુજબ નિવેદન નોંધવાની તજવીજ કરી હતી.

કોંગ્રેસના અગ્રણી અને બિલ્ડરે મોબાઇલમાં બ્લ્યૂ ગે ક્લબ હાઉસ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એક શખ્સે તેમને જમીન જોવા અણખોલ બોલાવી વાઘોડીયા તરફના ખેતરમાં લઇ જઇ સોનાની ચેઇન, બ્લ્યૂ ટૂથ, મોબાઇલ અને 8 હજાર રોકડા કાઢી લીધા હતા અને તેમનાં કપડાં કાઢી માર મારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. વાઘોડિયા પોલીસે અજય રાજુ ઠાકોર (રહે. કિશનવાડી) અને રાકેશ રામદેવ કનોજિયા (રહે. પાણીગેટ)ની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર અક્ષયની શોધખોળ હાથ ધરી છે.

પોલીસે અજય અને રાકેશના 2 દિવસના રિમાન્ડ મેળવી તપાસ આદરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, બંનેને ફરાર અક્ષય વિશે માહિતી છે પણ જણાવતા નથી. અન્ય કેટલા લોકોને આ પ્રકારે લૂંટી લેવાયા છે અને અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દા પર તપાસ શરૂ કરાઇ છે.

પોલીસે જણાવ્યું હતું કે અક્ષય મુખ્ય સુત્રધાર હોઇ શકે છે કારણ કે તે જ લોકોને આ પ્રકારે સંપર્ક કરી બોલાવતો હતો અને ત્રણે જણા લૂંટી લઇ કઢંગી હાલતમાં ફોટા અને વિડીયો બનાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. કેટલા લોકોના વિડીયો બનાવાયા છે તે સહિતના મુદ્દાની તપાસ કરવા આરોપીઓના સીડીઆરની પણ ચકાસણી કરાઇ રહી છે. બંને આરોપી રીઢા ગુનેગાર છે અને પોલીસની પદ્ધતિથી વાકેફ હોવાથી ગોળ ગોળ ફેરવી રહ્યા છે. પકડાયેલા આરોપી પૈકી અજય સામે શહેરના નવાપુરા પોલીસમાં તથા રાકેશ સામે ફતેગંજ પોલીસમાં 2 ગુના, સયાજીગંજ અને છાણી પોલીસમાં 1-1 ગુના નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...