વડોદરા શહેરના ખોડિયારનગરમાં પરિવાર સાથે રહેતા આધેડે બિમારીથી ત્રસ્ત સવારે ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. આપઘાત કરી લેનાર આધેડના પુત્રનો આજે જન્મ દિવસ હતો. પુત્ર પરિવારને લઈને અમદાવાદ સ્વામીનારયણ ઉત્સવમાં જવા નિકળ્યા હતા અને પત્ની પણ ઘરે ન હોવાથી આધેડે ફાંસો ખાઈને જીવાદોરી ટુંકાવી લીધી હતી.
બાળકોએ લટકતા જોયા
વડોદરાના ખોડિયારનગરમાં પત્ની, પુત્ર અને બાળકો સાથે રહેતા વિનુભાઇ વિઠ્ઠલભાઇ પ્રજાપતિ (ઉં.વ.62) એ વહેલી સવારે ફાંસો ખાઈને જીવાદોરી ટુંકાવી લીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વિનુભાઇ પ્રજાપતિએ બિમારીના કારણે ત્રાસી ગયા હતા. જેથી બિમારીથી છૂટકારો મેળવવા માટે તેઓએ અંતિમ પગલું ભરી લીધું હતું. આજે સવારે સ્થાનિક બાળકો વિનુભાઇના પૌત્રને રમવા માટે બોલાવવા માટે ગયા હતા. તે સમયે બાળકોએ વિનુભાઇને ફાંસો ખાધેલી હાલતમાં જોતા તેઓએ લોકોને જાણ કરી હતી. સ્થાનિક લોકોને જાણ થતાં જ લોકો દોડી આવ્યા હતા.
પત્ની ઘરે પહોંચે તે પહેલા જ આપઘાત કર્યો
સ્થાનિક લોકોમાંથી જાણવા મળ્યા મુજબ આપઘાત કરી લેનાર વિનુભાઇ પ્રજાપતિના પુત્ર નિકુંજભાઇનો આજે જન્મ દિવસ છે. નિકુંજભાઇ જન્મ દિવસ હોવાથી પત્ની, બહેન, બનેવી તેમજ સંતાનો સાથે વહેલી સવારે અમદાવાદ સ્વામીનારાયણના ચાલી રહેલા ઉત્સવમાં પ્રદર્શન જોવા માટે નીકળ્યા હતા. જ્યારે વિનુભાઇના પત્ની વર્ષાબહેન શ્રીનાથજી જવા માટે નીકળ્યા હતા. પરંતુ, તેઓ બસ ચૂકી જતા તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. પરંતુ, વર્ષાબહેન ઘરે આવે તે પહેલાં જ વિનુભાઇ પ્રજાપતિએ આપઘાત કરી લીધો હતો.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
ખોડિયારનગરમાં ભારે ચકચાર જગાવી મૂકનાર આ બનાવની જાણ અમદાવાદ જઇ રહેલા પુત્ર નિકુંજભાઇને થતાં તુરંત જ તેઓ વડોદરા આવવા રવાના થઇ ગયા હતા. બીજી બાજુ આ બનાવની જાણ બાપોદ પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. બાપોદ પોલીસે પ્રાથમિક વિગતોના આધારે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.