વડોદરામાં પ્રજ્ઞાચક્ષુ યુવતીઓની હોસ્ટેલમાં ગૃહમાતા તરીકે નોકરી કરતી યુવતીને સરકારી નોકરી આપવાની લાલચે અમદાવાદના એક ફોટોગ્રાફરે 4 લાખ 84 હજાર રૂપિયા પડાવી લીધાની ફરિયાદ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
મારી પાસે રાજકારણીઓની ઓળખાણ છે. તમને નોકરી અપાવી દઇશ
વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં રહેતા અને વડોદરામાં પ્રજ્ઞાચક્ષુ યુવતીઓની હોસ્ટેલમાં ગૃહમાતા તરીકે નોકરી કરતા ઉર્વશાબેન વસાવા વર્ષ 2019માં ગાંધીનગર ખાતે નવરાત્રિના કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ યુવતીઓને લઇને ગયા હતા. જ્યાં તેમને ફોટોગ્રાફર હરેશભાઇ લક્ષ્મણભાઇ સોદાગર ઉર્ફે હરી ગજ્જર (રહે. હરહર ગંગે એપાર્ટમેન્ટ, નિકોલ-ઓઢવ રોડ, અમદાવાદ. મૂળ રહે. અમરેલી) સાથે મુલાકાત થઇ હતી. આ કાર્યક્રમના ફોટો મોકલવા માટે ઉર્વસાબેને ફોટોગ્રાફર હરેશભાઇને પોતોના મોબાઇલ નંબર આપ્યો હતો. જેથી હરેશ ઉર્ફે હરીએ ઉર્વશાબેનને પુછ્યું હતું કે, તમે કોઇ સરકારી નોકરીની તૈયારી કરો છો? જો તમારે સરકારી નોકરી લેવી હોય તો મારી પાસે રાજકારણીઓની ઓળખાણ છે. તમને નોકરી અપાવી દઇશ. મેં મારા ભાભીને પણ તલાટીની નોકરી અપાવી છે. તેમજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઇને સારા માર્કેસે પાસ કરાવી છે.
પી.આઇ.ની નોકરી માટે 7 લાખ રૂપિયા માંગ્યા
જેથી ઉર્વશાબેન હરીની વાતમાં આવી ગયા હતા અને તેની સાથે ફોન પર અવાર-નવાર વાતો થતી હતી. બંને વચ્ચે વધુ ઓળખાણ થતાં હરી ગજ્જર ઉર્વશાબેનના નર્મદા જિલ્લા ખાતે આવેલા ગામડે પણ ગયો હતો. જ્યાં તેણે ઉર્વશાબેનના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને સાથે ભોજન પણ લીધું હતું. આ દરમિયાન હરી ગજ્જરે ઉર્વશાબેનને પુછ્યું હતું કે, તમારે પી.આઇ.ની નોકરી જોઇતી હોય તો હું અપાવીશ, તમારે 7 લાખ રૂપિયા આપવા પડશે. જેથી ઉર્વશાબેને હપ્તે-હપ્તે 6 લાખ 9 હજાર રૂપિયા રોકડ અને ગુગલ પે દ્વારા આપ્યા હતા. પરંતુ, હરી ગજ્જર યુવતીને પી.આઇ.ની નોકરી નહીં અપાવી શકતા તેની પાસેથી રૂપિયા પરત માંગવામાં આવ્યા હતા. પરંતુ હરી ગજ્જરે માત્ર 1 લાખ 25 હજાર રૂપિયા જ પરત કર્યા હતા અને બાકીની 4 લાખ 84 હજારની રકમ પરત કરી ન હતી.
વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ઉર્વશાબેને હરી ગજ્જર પાસે બાકીના રૂપિયા પરત માંગતા તેણે થાય તે કરી લો રૂપિયા પરત નહીં મળે તેમ કહેતા આખરે તેમણે વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.