તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PIની પત્ની ગુમ કેસ:સ્વીટી પટેલ ગુમ થવાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નવેસરથી તપાસનો દોર શરૂ, PIના મકાનનું પંચનામુ કરાયું

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પીઆઇ એ.એ. દેસાઈની પત્ની સ્વીટી પટેલ 46 દિવસથી રહસ્યમય રીતે ગુમ - Divya Bhaskar
પીઆઇ એ.એ. દેસાઈની પત્ની સ્વીટી પટેલ 46 દિવસથી રહસ્યમય રીતે ગુમ
  • ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્વીટી પટેલ કેસની તપાસ કરશે
  • 3 દિવસ પહેલા ગૃહરાજ્યમંત્રીએ કેસની તપાસ ATS અને ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી
  • છેલ્લા 46 દિવસથી PI એ.એ. દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ છે

એસઓજી પીઆઈની પત્ની સ્વીટીના ગુમ થવાની વાત હવે ઘરે ઘરે ચર્ચાનો વિષય બની ગયો છે. આ કેસમાં હાલ પીઆઈનો પૉલિગ્રાફી ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ ચાલી રહ્યો છે. હજી સુધી આ કેસમાં કોઈ ખાસ કડી મળી નથી. તેમજ સ્વીટીની કોઈ ભાળ મળી નથી. હવે આ કેસ રાજ્યની બે મહત્વની એજન્સી ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપી દેવાયો છે. આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓ સ્વીટી ગુમ કેસમાં વડોદરા પહોંચ્યા છે. તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાચના એ.સી.પી. ડી. પી. ચુડાસમાને સોપવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદની ક્રાઇમ બ્રાચની ટીમ કરજણ ખાતે આવી પહોંચી હતી. અને અત્યાર સુધી આ પ્રકરણની તપાસ કરી રહેલા ડિ.વાય.એસ.પી. કલ્પેશ સોલંકી પાસેથી તપાસના કાગળો લીધા હતા. તે બાદ નવેસરથી તપાસનો દોર શરૂ કર્યો હતો.

માનવ હાડકાં મળ્યાં હતાં તે જગ્યાનું પંચનામુ કરાયું
આજે ક્રાઇમ બ્રાચની ટીમે રહસ્યમય ગુમ સ્વીટી પટેલના પતિ પી.આઇ. એ.એ. દેસાઇના કરજણ સ્થિત મકાનનું પંચનામું કર્યું હતું. તે બાદ ટીમ દહેજના અટારી ખાતેના અવાવરું મકાનમાં પહોંચી હતી. અને જે સ્થળેથી માનવ હાડકાં મળ્યાં હતાં તે જગ્યા અને મકાનનું પંચનામુ કર્યું હતું.

સ્વીટી પટેલ કેસમાં આગામી સપ્તાહે FSL રિપોર્ટ આવી શકે
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી. આજથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્વીટીના કેસની ખૂટતી કડીઓ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરી દિધો છે. બીજી તરફ આ કેસમાં આગામી સપ્તાહે FSLનો રિપોર્ટ આવશે, તેની સાથે ક્રાઇમ બ્રાન્ચની તપાસ પણ ઘણી મહત્વની સાબિત થવાની છે. સ્વીટી મિસિંગ કેસ હવે આવનારા ગણતરીના દિવસોમાં નિર્ણાયક તબક્કામાં આવી જશે. જેનાથી આ કેસમાં ખરેખર શું તથ્ય છે? તે મહત્વનું સાબિત થશે. હાલ આ કેસમાં FSLની તપાસ સૌથી મહત્વપૂર્ણ છે. બીજી તરફ સ્વીટીના ગુમ થવાથી લઈને આજ દિન સુધીના ઘટનાક્રમ પણ પોલીસ માટે મહત્વના માનવામાં આવી રહ્યા છે. જેની તપાસ પણ ચાલી રહી છે.

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા
ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા

ગૃહ રાજ્યમંત્રીએ કેસ ક્રાઈમ બ્રાન્ચ અને ATSને સોંપવાની જાહેરાત કરી હતી
અગાઉ 3 દિવસ પહેલા જ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટી પટેલ ગુમ થયાના કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને રાજ્ય એટીએસને સોંપવાની જાહેરાત કરી હતી. પીઆઇ એ.એ. દેસાઈની પત્ની સ્વીટી પટેલ 46 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં દહેજ પાસેના અટાલી નજીક 3 માળની અવાવરુ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં હાડકાં મળ્યાં હતાં. ત્યારબાદ પોલીસે એસડીએસ તથા પોલિગ્રાફી ટેસ્ટ કર્યાં હતા. આ ઉપરાંત ડીએનએ ટેસ્ટ પણ કર્યાં હતા. જેના રિપોર્ટની પોલીસ રાહ જોઇ રહી છે.

સ્વીટીના પૂર્વ પતિની પણ પૂછપરછ કરાઇ
આ દરમિયાન પોલીસે ઓસ્ટ્રેલિયામાં રહેતા ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતરાઇ અને સ્વીટી પટેલના પૂર્વ પતિની ઓનલાઇન પૂછપરછ કરી હતી. જેમાં પોલીસે બંને ક્યારે સંપર્કમાં આવ્યા અને ક્યારે બંનેના છુટાછેડા થયા સહિતના પ્રશ્નો કર્યાં હતા અને પોલીસે સ્વીટી પટેલના 17 વર્ષના પુત્ર રિધમને પણ કેટલાક પ્રશ્નો કર્યાં હતા અને તેની વીડિયોગ્રાફી પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. હેતસે જણાવ્યું હતું કે, સ્વીટી પટેલ કેસમાં તેમને હજુ સુધી કોઇ જાણકારી મળી નથી. તેઓ ઓસ્ટ્રેલિયા કે, વિદેશમાં કોઇ સ્થળે ગયા હોવા બાબતે પણ તેમણે ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેમની જાણકારી મુજબ સ્વીટી પટેલનો પાસપોર્ટ રિન્યુ થયો જ નથી તો તે વિદેશ કઇ રીતે જઇ શકે.

અવાવરુ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલા હાડકાં મળ્યાં હતાં
અવાવરુ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલા હાડકાં મળ્યાં હતાં

પીઆઇ અને સ્વીટીની વોટ્સએપ ચેટના અંશો પોલીસના હાથે લાગ્યા
પોલીસે સ્વીટીના મોબાઇલમાંથી કેટલીક વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે, ત્યારે પીઆઇ અને સ્વીટીની વોટ્સએપ ચેટના કેટલાક અંશો પોલીસના હાથે લાગ્યા છે. પોલીસને હાથ લાગેલી વોટ્સએપ ચેટમાં સ્વીટી પીઆઇને કહે છે કે, હું જતી રહીશ, મરી જઇશ. પોલીસે મોબાઇલની વોટ્સએપ ચેટને આધારે વધુ તપાસ શરૂ કરી છે.

SDS ટેકનોલોજી દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યો
ગુજરાતમાં હાલ ચર્ચામાં આવેલા વડોદરના PI દુનિયાની સૌથી મોટા સાઈન્ટિફિક ટેસ્ટમાંથી પસાર થઈ રહ્યા છે. PI દેસાઈની પત્ની સ્વીટીના ગુમ થવાના કેસમાં FSL દ્વારા તેમની પર ઇઝરાયલની ખાસ વસાવાયેલી SDS ટેકનોલોજી દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યો છે.જેને સસ્પેક્ટ ડિટેક્શન ટેસ્ટ કહેવામાં આવે છે. આ ટેસ્ટમાં પહેલાંથી રેકોર્ડિંગ કરેલો ઓડિયો સંભળાવવામાં આવે છે.