કેન્દ્ર સરકારના નીતિ આયોગ અને યુનાઇટેડ નેશન્સ દ્વારા જારી કરવામાં આવેલા 2022ના સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ (એસડીજી) ઇન્ડેક્સમાં દેશના ટોચના 10 શહેરોમાં ગુજરાતના ચાર મહાનગરોનો સમાવેશ થયો છે. રાજ્યના 4 શહેરોને વિકાસ, ખુશહાલી અને શાંતિના વિવિધ માપદંડોના આધારે રેન્કિંગ આપવામાં આવ્યું છે. યુનાઇડેટ નેશન્સના 192 સભ્ય દેશો દ્વારા ટકાઉ વિકાસ માટે વર્ષ 2030 સુધી હાંસલ કરવા માટેના 17 ગોલ અથવા તો લક્ષ્યાંકો નિર્ધારીત કરવામાં આવ્યા છે.
દર વર્ષે એસડીજી ક્ષેત્રે કરવામાં આવેલી પ્રગતિનના આધારે વિશ્વના દેશોને રેન્કિંગ આપવામાં આવે છે. 2022ના રેન્કિંગમાં ભારત 117થી ગગડીને 120 પર પહોંચ્યો હતો. જ્યારે દેશના શહેરોના ઇન્ડેક્સમાં ટોચના 10 શહેરોમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના આ 4 શહેરો ઔદ્યોગિક વિકાસમાં આગળ છે.
રિપોર્ટ મુજબ આર્થિક વિકાસમાં અમદાવાદ આગળ છો જ્યારે શુદ્ધ હવા અને પાણીમાં રાજકોટ, આરોગ્ય સેવાઓને લઈને વડોદરા તથા શિક્ષણની ગુણવત્તાના મુદ્દે સુરત આગળ છે. જો કે કેટલાક અન્ય માપદંડોમાં રાજ્યના આ શહેરો પાછળ છે. જેમ કે અમદાવાદની હવા સૌથી પ્રદૂષિત છે. જ્યારે ભૂખમરાની નાબૂદીના ક્ષેત્રે સુરત પાછળ છે. વડોદરા આરોગ્ય સેવાઓમાં પાછળ છે. રિપોર્ટમાં રાજ્યના શહેરોને લઈને અન્ય કેટલાક રસપ્રદ તારણો રજૂ કરવામાં આવ્યા છે. જેમ કે સુરતમાં ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ સૌથી વધારે થાય છે. જ્યારે એક લાખની વસ્તી દીઠ સ્ટાર્ટઅપની સૌથી ઓછી સંખ્યા રાજકોટમાં છે. કુપોષણને લઈને પણ હજુ રાજ્યમાં સ્થિતિ સારી નથી. વડોદરામાં 15થી 49 વર્ષની વયમર્યાદામાં 66.03 ટકા મહિલાઓ એનેમિક છે. જ્યારે 6થી 59 મહિનાના બાળકોમાં રાજ્યના ચારેય શહેરોમાં 40 ટકાથી વધુ બાળરો એનેમિક છે.
એસડીજી ગોલ અને રાજ્યના શહેરોનું રેન્કિંગ
લક્ષ્યાંક | અમદાવાદ | સુરત | વડોદરા | રાજકોટ |
શુદ્ધ પાણી | 5 | 10 | 16 | 38 |
ગરીબી નિર્મૂલન | 10 | 19 | 15 | 28 |
ભૂખમરા નાબૂદી | 28 | 40 | 31 | 48 |
લોકોનું આરોગ્ય | 33 | 10 | 48 | 43 |
ગુણવત્તાયુક્ત શિક્ષણ | 34 | 36 | 21 | 16 |
સ્વચ્છ ઊર્જા | 11 | 31 | 35 | 44 |
આર્થિક વિકાસ | 46 | 45 | 9 | 37 |
ઉદ્યોગ, ઈન્ફ્રા | 9 | 1 | 7 | 43 |
ક્લાઇમેટ એક્શન | 50 | 36 | 30 | 22 |
ઇન્ડેક્સમાં 17 ધ્યેય તથા 70 લક્ષ્યાંકો
આ ઇન્ડેક્સમાં 17 ધ્યેય તથા 70 લક્ષ્યાંકો તથા 115 ઇન્ડીકેટર્સ નિર્ધારીત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલ 17 પૈકી 13 ધ્વેય લાગુ કરવામાં આવ્યા છે. ઇન્ડીકેટર્સમાં સ્લમમાં વસતાં લોકોની સંખ્યા, ક્ષયના દર્દીઓનું પ્રમાણ, મહિલાઓમાં મેદસ્વીતાનું પ્રમાણ, મહિલાઓ સામે હિંસા, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સની સંખ્યા, વિદ્યાર્થીનીઓ માટે અલગ શૌચાલય, રસોઈ માટે સ્વચ્છ બળતણ, એક લાખની વસ્તી દીઠ ન્યાયાધીશોની સંખ્યા સહિતની બાબતોનો સમાવેશ થયો છે.
અમદાવાદ
શેમાં આગળ : શુદ્ધ પાણી, સ્વચ્છ ઊર્જા, ઔદ્યોગિક વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગરીબી નિર્મૂલન.
શેમાં પાછળ : ક્લાઇમેટ એક્શન, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય.
સુરત
શેમાં આગળ : શુદ્ધ પાણી, આરોગ્ય, ઔદ્યોગિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
શેમાં પાછળ : ભૂખમરા નાબૂદી, શિક્ષણ ગુણવત્તા, ક્લાઇમેટ એક્શન.
વડોદરા
શેમાં આગળ : આર્થિક વિકાસ, ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગરીબી નિર્મૂલન, શુદ્ધ પાણી
શેમાં પાછળ : આરોગ્ય, સ્વચ્છ ઊર્જા, ક્લાઇમેટ એક્શન, શિક્ષણ
રાજકોટ
શેમાં આગળ : ક્લાઇમેટ એક્શન, ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર
શેમાં પાછળ : શુદ્ધ પાણી, ભૂખમરા નાબુદી, આરોગ્ય, સ્વચ્છ ઊર્જા, શિક્ષણ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.