ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પીરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં તેમનાં માતા-પિતાની કબરની બાજુમાં જ અહેમદ પટેલના પાર્થિવદેહની દફનવિધિ કરવામાં આવી હતી. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થતાં ખાસ ચાર્ટર પ્લેન મારફત તેમના પાર્થિવદેહને વડોદરા એરપોર્ટ પર લવાયો હતો, જ્યાંથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં રાત્રિ દરમિયાન રાખવામાં આવ્યો હતો, જ્યાંથી તેમનો પાર્થિવદેહ વતન પીરામણ લઇ જવાયો હતો. અહીં સુન્ની વહોરા મુસ્લિમ જમાઅતના કબ્રસ્તાનમાં અહેમદ પટેલની અંતિમવિધિ શરૂ કરવામાં આવી હતી અને જનાજાની નમાઝ અદા કર્યા બાદ તેમની દફનવિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ અહેમદ પટેલના પાર્થિવદેહને કાંધ આપી હતી. કબ્રસ્તાનની બહાર હજારોની સંખ્યામાં લોકોનો જમાવડો થયો હતો. જોકે કબ્રસ્તાનમાં 50 લોકોને જવાની મંજૂરી હોવાથી લોકો અંતિમદર્શન માટે અંદર જઈ શક્યા નહોતા.
પીરામણના કબ્રસ્તાનમાં તેમનાં માતા-પિતાની કબરની બાજુમાં તેમની દફનવિધિ
અહેમદ પટેલની અંતિમ ઇચ્છા પ્રમાણે, પીરામણ ગામના કબ્રસ્તાનમાં તેમનાં માતા-પિતાની કબરની બાજુમાં તેમની દફનવિધિ કરવામાં આવી હતી. છત્તીસગઢના CM ભૂપેશ બધેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલા પણ અહેમદ પટેલની અંતિમવિધિમાં કબ્રસ્તાન ખાતે પહોંચ્યા હતા.
રાહુલ ગાંધી સુરત એરપોર્ટથી પીરામણ ગામ પહોંચ્યા
અહેમદ પટેલની અંતિમવિધિમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી સુરત એરપોર્ટથી પીરામણ ગામ પહોંચ્યા હતા. જેમની સાથે સોનિયા ગાંધીએ શ્રદ્ધાંજલિ માટે પુષ્પગુચ્છ મોકલ્યો હતો, જે રાહુલ ગાંધીએ અહેમદ પટેલના પાર્થિવદેહ પર અર્પણ કર્યો હતો. આ ઉપરાંત અહેમદ પટેલના અંતિમદર્શન માટે મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ, કોંગ્રેસના કાર્યકરો અને લોકો ઊમટી પડ્યા હતા.
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર પીરામણ પહોંચ્યા
હાલ શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને જયંતી બોસ્કી પીરામણ ગામમાં પહોંચી ગયા હતા. આ ઉપરાંત કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર પીરામણ, મધુસૂદન મિસ્ત્રી અને કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક સહિતના ટોચના નેતાઓ પીરામણ ગામમાં પહોંચ્યા હતા.
રાહુલ ગાંધી સુરત એરપોર્ટથી પીરામણ જવા રવાના
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધનને પગલે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભરૂચથી અંકલેશ્વર ખાતે દફનવિધિમાં હાજરી આપવા આજે દિલ્હીથી ચાર્ટર પ્લેન દ્વારા સુરત એરપોર્ટ આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટથી રાહુલ ગાંધી ઇનોવા કારમાં સવાર સવાર થઈને પીરામણ ગામ જવા રવાના થયા હતા. રાહુલ ગાંધી સ્વર્ગવાસ પામેલા અહેમદ પટેલની દફનવિધિમાં હાજર રહેવાના છે, જ્યાં સુરત એરપોર્ટથી સીધા તેઓ બાય રોડ પીરામણ પહોંચ્યા હતા. રાહુલ ગાંધીના આગમનને પગલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, રાજીવ સાતવ ઉપરાંત હાર્દિક પટેલ સહિતના નેતાઓ પણ એરપોર્ટ પહોંચ્યા હતા.
કબ્રસ્તાનમાં માત્ર 50 લોકોને પ્રવેશ મળશે
અહેમદ પટેલના પાર્થિવદેહને સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી હોસ્પિટલમાંથી સીધા કબ્રસ્તાનમાં લઇ જવાશે, જ્યાં નમાઝ બાદ અદા કર્યા બાદ અંતિમવિધિ થશે. જોકે કોરોનાની ગાઇડલાઇન્સ પ્રમાણે, કબ્રસ્તાનમાં માત્ર 50 લોકોને જ પ્રવેશ આપવાનો નિયમ હતો. જોકે પીરામણ ગામમાં રાજકીય નેતાઓ અને લોકોનો જમાવડો શરૂ થઇ ગયો હતો. બીજી તરફ, અંકલેશ્વર અને ભરૂચના મહંમદપુરા APMCની 500થી વધુ દુકાનોના વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાળ્યો હતો.
પીરામણ ગામમાં દફનવિધિ માટે કબરની તૈયારીઓ કરવામાં આવી હતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન થયું છે. તેમની ઇચ્છા પ્રમાણે તેમની દફનવિધિ પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવી હતી, જ્યાં પીરામણ ગામમાં કબરની સહિતની તૈયારીઓ અગાઉથી કરી દેવામાં આવી હતી.
અહેમદ પટેલના પાર્થિવદેહને ચાર્ટર પ્લેનમાં દિલ્હીથી વડોદરા એરપોર્ટ ખાતે લવાયો હતો
અહેમદ પટેલના પાર્થિવદેહને વિશેષ ચાર્ટડ પ્લેન મારફત બુધવારે રાત્રે દિલ્હીથી 8 કલાકે વડોદરા એરપોર્ટ ખાતે લવાયો હતો. વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ, પ્રભારી રાજીવ સાતવ, હાર્દિક પટેલ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધનાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, જિલ્લા પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ, ,પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવત કાઉન્સિલર, કોંગ્રેસના અગ્રણી નેતા મૌલિન વૈષ્ણવ, અનુજ પટેલ, કાઉન્સિલરો ,સેવાદળ સહિતના અગ્રણીઓ અને કોંગ્રેસી કાર્યકરોએ હાજર રહી અહેમદ પટેલના પાર્થિવદેહ પર પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં.
આજે સવારે 10 વાગ્યે વતન પીરામણ ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ થઈ
તેમના મૃતદેહને પીરામણ આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ મારફત વડોદરા એરપોર્ટ ખાતેથી અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં મૃતદેહને કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો અને આજે સવારે 10:30 વાગ્યે વતન પીરામણ ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોવિડ-19ના ઈન્ફેક્શનથી પીડિત હતા. ઓક્ટોબરમાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સતત સારવાર હેઠળ હતા. ગઈકાલે બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરને કારણે તેમનું નિધન થયું હતું. તેમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
સજ્જ સેવાદળની ટીમે બ્યૂગલ વગાડી અહેમદભાઇને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
હરણી એરપોર્ટ પર સફેદ પોષકમાં સજ્જ સેવાદળની ટીમે બ્યૂગલ વગાડી અહેમદભાઇને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અહેમદભાઇને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતભરમાંથી કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં વડોદરા હરણી વિમાની મથકે આવી પહોંચ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.