વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં યુ.કે.ના વિઝાના નામે 15 લાખની ઠગાઇ કરનાર એજન્ટ કેયુર રાણાના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ દ્વારા તેને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
લંડનના વિઝા માટે 20 લાખ રૂપિયાની માંગણી હતી
વડોદરા નજીક આવેલા આજોડ ગામના રહેવાસી અને હેરકટિંગનો ધંધો કરતા જયકૃષ્ણ નારાયણભાઇ વાળંદે ફરિયાદ નોંધાવી હતી કે, લંડન ખાતે સ્ટુડન્ટ વીઝા પર હેરકટિંગ સંબંધિત ફેશન બ્રાન્ડીંગ એન્ડ માર્કેટિંગના કોર્ષ માટે જવાનું હોવાથી મિત્રના સંપર્કથી એજન્ટ કેયુર પ્રફુલચંદ્ર રાણા (રહે. જૂની નર્મદા વસાહત, જીથરડી રોડ, જૂના બજાર, મીયાગામ, કરણજ, જિલ્લા વડોદરા) સાથે મુલાકાત થઇ હતી. કેયુર રાણાએ ઓક્ટોબર 2020માં તેની નિઝામપુરાના ફોર્ચ્યુનહબ કોમ્પલેક્ષની ઓફિસમાં વાતચીત કરવા બોલાવ્યા હતાં. જેથી કેયુર રાણાએ લંડનના વિઝા માટે 20 લાખ રૂપિયાની માંગણી હતી. જેથી જયકૃષ્ણ વાળંદે 9 લાખ રૂપિયા કેયુરના બેંક ખાતામાં જમા કરાવ્યા હતાં. જ્યારે બાકીની રકમ રોકડમાં આપી હતી જેની કોઇ રસીદ નથી.
ઇ-વિઝા લેટર પણ મુકવામાં આવ્યો
એજન્ટ કેયુર રાણાને જયકૃષ્ણભાઇએ તેમના ઓરિજીનલ ડોક્યુમેન્ટ હતા તેમજ યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડનમાં એડિમિશન અને ફી માટે 9 લાખ રૂપિયા કેયુર રાણાના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જ્યાર બાદ કેયુરે તેમને ઇ-વિઝા આપ્યા હતા અને તેના બદલામાં 10 જૂન 2021ના રોજ 11 લાખ રૂપિયા રોકડા લીધા હતા. કેયુરે વીઝાની ફાઇલ તૈયાર કરીને અમદાવાદ સ્થિત વી.એફ.એસ ઓફિસ ખાતે મોકલી આપી હતી જેમાં ઇ-વીઝા લેટર પણ મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ જયકૃષ્ણભાઇને જાણવા મળ્યું હતું કે, કેયુરે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરતા તેમની ફાઇલ રિઝેક્ટ થઇ હતી. જેથી કેયુરે ફરી ફાઇલ બનાવી અમદાવાદ મોકલી હતી.
4 લાખનો ચેક આપી પેમેન્ટ અટકાવી દીધું
દરમિયાન લંડન એમ્બેસી ખાતેથી જયકૃષ્ણભાઇને જાણ કરાઇ હતી કે, ખોટા દસ્તાવેજના આધારે વિઝા અરજી કરવા બદલ તેમના પર દસ વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી કેયુરભાઇનો સંપર્ક કરતા તેમણે યુ.કે.એમ્બેસીમાં વાત કરી પ્રતિબંધ હટાવી દઇશું તેમ જણાવ્યું હતું. પરંતુ જયકૃષ્ણભાઇએ વીઝા માટે આપેલ રૂપિયા પરત માંગ્યા હતાં. જેથી કેયુરે 5 લાખ રૂપિયા બેંક ખાતામાં પરત આપ્યા હતા પણ 4 લાખનો ચેક આપી તેનું પેમેન્ટ અટકાવી દીધું હતું.
પોલીસે આરોપીની ધરપકડ કરી હતી
દરમિયાન જયકૃષ્ણભાઇએ યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડનને ઇ-મેલ કરી તેમના એડમિશન અંગે પૂછપરછ કરી તો સામેથી જવાબ મળ્યો હતો તમારા ડોક્યુમેન્ટ ખોટા છે તેથી એડમિશન મળ્યું નથી. તમારી સાથે ઠગાઇ થઇ છે. જેથી જયકૃષ્ણભાઇએ આ અંગે એજન્ટ કેયુરને જણાવ્યું તો તેમને ઓફિસ મળવા બોલાવ્યા હતા અને રુપિયા પરત આપી દઇશ તેવો વાયદો કર્યો હતો. પરંતુ જ્યારે દસ વર્ષનો પ્રતિબંધ લાગી ગયો છે તેનું શું તે અંગે પૂછતા કેયુર ગુસ્સે થયો હતો અને તેમને ઓફિસની બહાર કાઢી મુક્યા હતા. આ અંગે ફતેગંજ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપી કેયુરની ધરપકડ કરી રીમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.