15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પર શહેરમાં 7 લાખ રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો લક્ષ્યાંક છે. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે 11થી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરાશે. શહેરના વધુ ને વધુ લોકો તિરંગા ફરકાવે તે માટે સરકારે ટાર્ગેટ અાપ્યા છે પણ એજન્સીએ 28 જુલાઇ સુધી જ ઓર્ડર લેવા તૈયારી બતાવી છે એટલે 7 લાખનું લક્ષ્યાંક મોટો પડકાર બન્યું છે.
આ માટે પાલિકાને જવાબદારી સોંપાઈ છે. રાજ્યના રમત ગમત વિભાગ દ્વારા પાલિકાને 7 લાખ રાષ્ટ્રધ્વજ અપાશે. જિલ્લા રમત ગમત વિભાગને 72 હજાર ત્રિરંગાનો પહેલો લોટ ટૂંક સમયમાં મળશે. ખાદીના ત્રિરંગા બનાવતું ગ્રામ વિકાસ સંઘ (આનંદપુરા)ના મંત્રી ઓમકારનાથ તિવારી કહે છે કે, હાલ ત્રિરંગાની માગ વધારે છે એટલે તેને પહોંચી વળવા માટે આયોજન કરવું પડ્યું છે.
જોકે માંગ વધી પડતાં અમે 28મી જુલાઈ પછી ત્રિરંગાનો ઓર્ડર લેવાનો બંધ કરીશું. અમે ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓને આ કામ સોંપેલું છે. હાલ 20 હજાર ત્રિરંગાનો અમારી પાસે ઓર્ડર છે.વડોદરા જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન, કોઠીના મેનેજર રાકેશ પટેલ કહે છે કે, અમારી પાસે ઓર્ડર છે પણ અમે બહારથી ત્રિરંગા મંગાવ્યા છે એટલે જે જે સંસ્થાને ત્રિરંગા જોઈએ છે તેમનો ઓર્ડર નોંધી લીધો છે,ત્રિરંગા આવ્યા બાદ તેમને ફોન કરીને જાણ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.