• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • After Vadodara, Petrol Will Now Be Made In Padra. Production Of 45 Thousand Liters Per Month Will Generate Revenue Of 35 To 40 Lakhs.

ગુજરાત આપશે મોંઘા બનેલા પેટ્રોલનો વિકલ્પ:વડોદરા બાદ હવે પાદરામાં બનશે પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ, મહિને 45 હજાર લિટરના ઉત્પાદન થકી 35થી 40 લાખની આવક થશે

વડોદરા20 દિવસ પહેલાલેખક: મેહુલ ચૌહાણ
  • પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવવામાં દેશમાં ગુજરાત અવ્વલ બનશે
  • રેલવે યુનિ. પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવવાનો દેશનો સૌથી મોટો પ્લાન્ટ બનાવશે
  • પાદરામાં રોજ 2થી 3 હજાર કિલો પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસ થશે, 1500 લિટર પેટ્રોલ બનશે

પેટ્રોલના ભાવ રૂ.100ને વટાવી ચૂક્યો છે, ત્યારે હવે એનો વિકલ્પ પ્લાસ્ટિકમાંથી બનેલું પેટ્રોલ બની રહ્યું છે. પ્લાસ્ટિકમાંથી બનેલા પેટ્રોલના ઉત્પાદનમાં દેશભરમાં ગુજરાત હરણફાળ ભરવા જઈ રહ્યું છે. એ માટે વડોદરા નજીક પાદરામાં રેલવે યુનિવર્સિટી દ્વારા સ્થાપિત દેશનો સૌથી મોટો પ્લાન્ટ બનશે, જેમાં દરરોજ 1500 લિટર પેટ્રોલ એટલે કે દર મહિને 45 હજાર લિટર પેટ્રોલનું ઉત્પાદન થશે, જેમાંથી વર્ષે 35થી 40 લાખની આવક થશે. આમ, ગુજરાત મોંઘા પેટ્રોલનો વિકલ્પ આપશે અને પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવવામાં દેશમાં ગુજરાત અવ્વલ બનશે.

પાદરામાં બનશે નવો પ્લાન્ટ
વડોદરામાં સ્થાપિત દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી દ્વારા વડોદરા રેલવે સ્ટેશન નજીક પંડ્યા બ્રિજ પાસે પ્લાસ્ટિક વેસ્ટમાંથી પેટ્રોલ બનાવવાનો ગુજરાતનો પ્રથમ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. રેલવે યુનિવર્સિટી હવે પાદરામાં નવો પ્લાન્ટ સ્થાપિત કરી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવશે.

પ્લાન્ટ બનાવવા માટે જમીન સર્વેની કામગીરી પૂર્ણ
રેલવે યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર અને પ્રોગ્રામ ડાયરેક્ટર ડૉ. વેંકટ ચિંતાલાએ દિવ્યભાસ્કર ડિજિટલ સાથેની વાતમાં જણાવ્યું હતું કે આગામી છથી સાત મહિનામાં પાદરામાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી પેટ્રોલ બનાવવાનો પ્લાન્ટ શરૂ થશે. પાદરામાં પ્લાન્ટ બનાવવા માટે જમીન સરવેની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. હવે આગામી દિવસોમાં શેડ કન્સ્ટ્રક્શનની કામગીરી શરૂ કરવામાં આવશે.

પાદરાના પ્લાન્ટમાં સોલર એનર્જીનો ઉપયોગ થશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્લાન્ટ માટે કેટલાંક રિસર્ચ પણ કરવામાં આવી રહ્યાં છે, જેમાં પાદરાનો પ્લાન્ટ સોલર એનર્જીથી સંચાલિત કરવાનું આયોજન છે, જેથી આ અંગે સંશોધન જારી છે અને તેના આધારે સોલર એનર્જીથી સંચાલિત મોટા લેવલની મશીનરી મોડિફાઇ કરવામાં આવશે. પાદરાના પ્લાન્ટ પહેલાં વડોદરામાં સ્થાપિત પ્લાસ્ટો ફ્યુઅલના પ્લાન્ટ પર રિસર્ચ કરવામાં આવશે અને એનાં પરિણામોને આધારે પાદરાના પ્લાન્ટમાં કામગીરી કરવામાં આવશે.

પાદરામાં રોજ ત્રણ હજાર કિલો પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસ થશે
ડૉ. વેંકટ ચિંતાલાએ કહ્યું હતું કે એક હજાર કિલો પ્લાસ્ટિક વેસ્ટને પ્રોસેસ કરવાથી 500 લિટર પેટ્રોલ બને છે. પાદરામાં સ્થાપિત પ્લાન્ટમાં દરરોજ 2 હજારથી 3 હજાર કિલો પ્રતિ દિવસ પ્લાસ્ટિક વેસ્ટને પ્રોસેસ કરવાની ક્ષમતા હશે. વડોદરામાં બનેલા પ્લાન્ટના રિસર્ચના રિઝલ્ટ મળતાં જ છથી સાત મહિનામાં પાદરામાં પ્લાન્ટની કામગીરી શરૂ થઇ જશે. પાદરામાં પ્લાસ્ટિક વડોદરાની મકરપુરા લેન્ડફિલ્ડ સાઇટ સહિતની જગ્યાઓએ લઇ જવામાં આવશે.

વડોદરામાં આગામી બે મહિનામાં પ્લાન્ટ શરૂ થશે
તેમણે ઉમેર્યું હતું કે વડોદરામાં સ્થાપિત પ્લાસ્ટિકમાંથી ફ્યુઅલ બનાવવાનો પ્લાન્ટ બની ગયો છે અને એ માટેની મંજૂરીઓ મળી ગઇ છે. આ પ્લાન્ટમાં એડવાન્સ લેવાલના એલિમેન્ટ હજુ ઉમેરવામાં આવશે. આગામી એકથી બે મહિના વડોદરાનો પ્લાન્ટ ફુલ ફ્લેઝમાં શરૂ થઇ જશે.

વડોદરામાં દરરોજ 50 ટન પ્લાસ્ટિક વેસ્ટ સર્જાય છે
વડોદરા શહેરમાં દરરોજ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરવામાં આવે છે, જેમાં શહેરમાં રોજ 50 ટન પ્લાસ્ટિક વેસ્ટ જનરેટ થાય છે, જેમાંથી 7 ટન પ્લાસ્ટિક સુરતની ખાનગી કંપની પ્રોસેસિંગ માટે લઇ જાય છે, જ્યારે બાકીનું પ્લાસ્ટિક ડમ્પિંગ સાઇટમાં જાય છે. આમ, હવે વડોદરા અને પાદરામાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી ફ્યુઅલ બનાવવાનો પ્લાન્ટ કાર્યરત થતાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલની મોટી સમસ્યાનો ઉકેલ આવશે, સાથે પ્લાસ્ટો ફ્યુઅલના નવા પ્લાન્ટ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહન મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...