રાજકારણ:ત્રણ વર્ષ પછી કરજણ બેઠક ફરી ભાજપ પાસે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કુલ 246 બુથ પરથી 1,43,270 મતદારોએ તેમજ 253 બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના ઉમેદવારે 53.62 ટકા અને કોંગ્રેસના ઉમેદવારે 42.18 ટકા મત મેળવ્યાં હતા. - Divya Bhaskar
કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કુલ 246 બુથ પરથી 1,43,270 મતદારોએ તેમજ 253 બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના ઉમેદવારે 53.62 ટકા અને કોંગ્રેસના ઉમેદવારે 42.18 ટકા મત મેળવ્યાં હતા.
  • 2017માં કોંગ્રેસમાંથી 3,527 મતથી જીતનાર અક્ષય પટેલ ભાજપમાંથી પેટા ચૂંટણી લડી 16,425 મતની સરસાઈથી વિજેતા

કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે 76,958 મત તેમજ 16425 લીડ મેળવીને ભવ્ય વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 60,533 મત મળ્યાં હતાં. સમગ્ર મતગણતરી દરમિયાન ઈવીએમમાંથી નીકળતા મતની સંખ્યા ભાજપ તરફી જ રહી હતી.

ઉલ્લેખનિય છે કે, વડોદરા જિલ્લામાં પાટીદાર સમાજનું પ્રભુત્વ હોવાથી ભાજપ દ્વારા ચૂંટણીમાં પાટીદાર નેતાને ટીકીટ આપી હતી,તો બીજી તરફ કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવારની પસંદગી કરી હતી. ઉલ્લેખનિય છે કે, 3 નવેમ્બરના રોજ કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 70.14 ટકા મતદાન થયું હતું.

વર્ષ 2002માં ભાજપના સ્ટાર ઉમેદવાર નરેશ કનોડિયા 28,171 મતથી વિજયી બન્યાં હતાં. ત્યારે 18 વર્ષ પછી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ 16,425 મતથી વિજય મેળવ્યો છે. મંગળવારે પોલીટેકનીક કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ હતી. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી થયા બાદ આશરે 10 વાગ્યા સુધીમાં 4 રાઉન્ડનું પરીણામ બહાર આવ્યું હતું.

મતગણતરી કેન્દ્રની બહાર સવારે 11 વાગ્યા સુધી સન્નાટો હતો. જોકે જેમ જેમ રાઉન્ડ પુરા થતા ભાજપની લીડ વધતી રહી હતી તે જોઈ બપોરે 12 વાગ્યા સુધીમાં પોલિટેકનિક કોલેજ બહાર ભાજપના કાર્યકરોની ભીડ ઉમટી હતી.તેમજ લીડ જેમ જેમ વધતી રહેતી હતી તેમ તેમ કાર્યકરોએ ઢોલ-નગારા વગાડ્યાં હતાં.જ્યારે સવારે 8 વાગ્યા થી શરૂ થયેલી મતગણતરી બપોરે 2 વાગે પૂરી થઈ હતી. તે પહેલાં જ કોંગ્રેસના ઉમેદવાર મતગણતરી કેન્દ્ર છોડ જતા રહ્યા હતા. ભાજપી કાર્યકરોએ ફટાકડા ફોડીને અને મહિલા કાર્યકરો ગરબે ઘૂમીને વિજય ઉત્સવ મનાવ્યો હતો.

પોસ્ટલ બેલેટમાં પણ 127 મત સાથે ભાજપ આગળ
મતગણતરીમાં સવારે 8 વાગે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટના મત ગણવામાં આવ્યાં હતાં. જેમાં 1 નોટા સહિત કુલ 264 મતની ગણતરી થઈ હતી. જેમાં ભાજપને 127 વોટ અને કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 111 મત મળ્યાં હતાં.

અપક્ષ સહિતના 7 ઉમેદવારોને કુલ 3719 વોટ મળ્યા
કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 5 અપક્ષ અને રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના મળી 7 ઉમેદવારો ઉભા રહ્યાં હતાં. જેમાં 7 ઉમેદવારોએ કુલ 3719 વોટ મેળવ્યાં હતાં.

2298 લોકોએ નોટાને મત આપ્યો
કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ 1,43,270 લોકોએ મતદાન કર્યું હતું. જેમાંથી કુલ 2298 લોકોએ નોટાનું બટન દબાવી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આમ 1.6 ટકા લોકોએ નોટાનું બટન દબાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...