ઓલ્ડ પાદરા રોડ પર આવેલા હજારો લોકોની આસ્થાના કેન્દ્ર સમા હનુમાનજી મંદિરને 12મી મે,ગુરુવારની મધરાતે પાલિકાના અધિકારીઓ દ્વારા એકાએક તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ પાલિકાના શાસકોએ આ મંદીરોની મૂર્તિ અન્ય મંદીરમાં સ્થાપી હતી. જેમાં હનુમાનજીની મૂર્તિ ગોરવાના મંદીરમાં સ્થાપી હતી.
દરમિયાન શનિવારે સાંજે નવલખી મેદાન ખાતે પડેલા કચરામાં હનુમાનજીની તોડી પડાયેલા મંદિરમાં સ્થાપિત હનુમાનજીની મૂર્તિ જેવી જ મૂર્તિ મળતા હિન્દુ સંગઠનોના અગ્રણીઓ અને ભક્તો ધસી ગયા હતા. પાલિકાના ભાજપી શાસકોની ગઝનીવાળી સામે રોષ ફેલાયો હતો. હિન્દુ સંગઠનોના અગ્રણીઓ અને રાજકીય નેતાઓનો નવલખી મેદાનમાં રાત્રે જમાવડો થયો હતો અને પાલિકાના અધિકારી રૂબરૂ આવે તેવી માગણી સાથે ધરણા પર બેસી જતા વાતાવરણ ગરમાયું હતું.
ગોરવા મંદિરમાં સ્થાપના માટે આપેલી મૂર્તિ બીજી જ નીકળી
ઓ પી રોડ પર દેરી તોડી પાડ્યા બાદ હનુમાનજીની મૂર્તિ ગોરવા ગામના ગેટ સામેના હનુમાનજીના મંદિરમાં સ્થાપના માટે પૂજારીને ડે. કમિશનર સુરેશ તુવરે આપી હોવાનો દાવો કરાયો હતો. કચરામાંથી મળેલી અને પાલિકાએ સ્થાપેલી મૂર્તિ અલગ જણાઇ હતી.
એક્સપર્ટ વ્યૂ: મૂર્તિ એક જ હોવાની શક્યતા નકારી ન શકાય
આ બંને મૂર્તિઓના ફોટોગ્રાફ્સ જુદા જુદા એન્ગલથી હોવાથી તમામ બાબતો સ્પષ્ટ થતી નથી. બંને મૂર્તિમાં હાથ ઉપરનો ભાગ સહેજ જુદો હોય તેવું જણાય છે. જ્યારે બંને મૂર્તિઓનું પોશ્ચર એક જ છે. ગદાની ઉપરની ટોચનો ભાગ બંને મૂર્તિમાં એક જ કોર્નર પરથી તૂટેલો છે. આ ઉપરાંત લંગોટી નીચેનું વસ્ત્ર એકમાં છે જ્યારે બીજામાં જણાતું નથી. આ તમામ બાબતો જોતા આ મૂર્તિ એક હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. છતાં દાવાપૂર્વક કહેવું મુશ્કેલ છે. > ડો. દીપક કન્નલ, પૂર્વ ડીન, ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.