ઉગ્ર વિરોધ:વકીલોના હોબાળા બાદ પોલીસ સ્ટેશનમાંથી જવાન ભાગી ગયો

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વકીલોના હોબાળા બાદ પોલીસ સ્ટેશનમાંથી જવાન ભાગી ગયો
  • વકીલને લોકઅપમાં પૂરી દેવાની જવાને ધમકી આપી હતી

વકીલો સાથે અસભ્ય વર્તન થતાં રોષે ભરેયેલા વકીલોએ હોબાળો મચાવ્યો હતો. જેને પગલે વાડી પોલીસ મથકના પોલીસકર્મીને પોલીસ મથક છોડીને ભાગવાનો વારો આવ્યો હતો. અંતે ઉચ્ચ પોલીસ અધિકારીની દરમ્યાનગીરીથી મામલો શાંત થયો હતો. આ અંગે વકીલોએ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. વકીલ મંડળના મેનેજિંગ કમિટીના સભ્ય ભાવિક વ્યાસે જણાવ્યું હતું કે જ્યાં સુધી અદાલત આરોપીને સજા ના આપે ત્યાં સુધી દરેકને બચાવ કરવાનો હક સંવિધાનમાં આપવામાં આવેલો છે.

આરોપીને પોલીસ મથકમાં લઇ જવાય ત્યારે કયા ગુનામાં લઈ ગયા છે ઉપરાંત જામીન અંગેની કાર્યવાહીમાં વકીલોએ પોલીસ મથકમાં જવું પડતું હોય છે. વાડી પોલીસ મથકમાં ગયેલા એક જુનિયર વકીલ સાથે પીઆઇની સુચનાથી મોહન નામના કર્મચારીએ અસભ્ય વર્તન કરી લોકઅપમાં પૂરી દેવાની ધમકી આપી હતી. જેની જાણકારી વકીલ મંડળના ભાવિક વ્યાસને થતા અન્ય વકીલો સાથે વાડી પોલીસ મથકે ધસી જઇ વકીલનું અપમાન કરનાર પોલીસકર્મીનો ઉધડો લીધો હતો અને બૂમાબૂમ કરતા એ પોલીસ કર્મીને પોલીસ મથક છોડી ભાગી જવું પડ્યું હતું.

તેમ છતાં વકીલોએ ઉગ્ર વિરોધ ચાલુ રાખતા અંતે ઉચ્ચ પોલીસ અધિકારીની મધ્યસ્થીથી સમાધાન થયું હતું. પરંતુ વકીલ સાથે પોલીસ કર્મીએ કરેલા આવા વર્તન અંગે પોલીસ કમિશનરનું ધ્યાન દોરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ અંગે વાડી પોલીસ મથકના પીઆઇ ઢોલાને ઘટના અંગે બે વાર ફોન કરવા છતાં ઉપાડ્યો ન હતો. જ્યારે આ અંગે સામાન્ય તથા સોશિયલ મિડિયા પર મેસેજ કરવા છતાં જવાબ મળ્યો ન હતો.ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા સામાન્ય લોકો સાથે પણ અસભ્ય વર્તન કરવાની બાબતે સમયાંતરે સપાટી પર આવતી જ રહે છે.

અન્ય સમાચારો પણ છે...