ક્રાઈમ:લૂંટ બાદ મહિલા કોર્પોરેટરનો દીકરો વતન જતો રહ્યો હતો

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાસણા રોડની લૂંટમાં બે આરોપી 28મી સુધી રિમાન્ડ પર
  • ઉમેશ સિંહા શિરડી સહિતનાં તીર્થ સ્થાનો પર ફર્યો હતો

શહેરના વાસણા રોડ પર આવેલી મુદ્રા સોસાયટીમાં પિસ્તોલની અણીએ દંપતીને બંધક બનાવી 41 તોલા સોનું, ચાંદીના દાગીના અને રોકડા 40 હજારની લૂંટમાં ભાજપનાં મહિલા કોર્પોરેટર સંગીતાબેન પટેલના પુત્ર બીટુ બાબાભાઈ પટેલ અને જમાઈ ઉમેશ સિંહાની પોલીસે ધરપકડ કરી 28મી નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. લૂંટ બાદ કોર્પોરેટરનો પુત્ર વતનમાં જતો રહ્યો હતો અને જમાઇ તીર્થયાત્રા પર જતો રહ્યો હોવાનું ખૂલ્યું હતું.

વાસણા રોડ પર આવેલી મુદ્રા સોસાયટીમાં રહેતા એનઆરઆઈ દીપક જેસીંગભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, હું પત્ની સાથે ઘરમાં હાજર હતો તે સમયે ત્રણ શખ્સોએ અચાનક ધસી આવી મને માર માર્યો હતો અને પિસ્તોલની અણીએ સેલોટેપ વડે મારા તથા મારી પત્નીના હાથ-પગ બાંધી તિજોરીની ચાવી માટે મારપીટ કરી હતી. જેથી પત્ની સાથે કાંઈ ન થાય તેમ વિચારી ચાવી આપી દરમિયાન લૂંટારાઓએ મારા ગળામાં પહેરેલી સોનાની ચેન, સોનાની લકી, 3 વીંટી તેમજ મારા પર્સમાંથી રોકડા રૂા.40 હજાર કાઢી લીધા હતા.

લૂંટારુઓ તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 16.90 લાખની મતા ઊઠાવી નાસી છૂટ્યા હતા. તપાસમાં કોર્પોરેટર સંગીતાબેન પટેલના પુત્ર બીટ્ટ બાબાભાઈ પટેલ અને જમાઈ ઉમેશ સિંહાનાં નામો સપાટી પર આવતાં બંનેની ધરપકડ કરાઈ હતી.. બીટ્ટુ અને ઉમેશ સિંહાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, અમે અન્ય આરોપીઓને ઓળખતા નથી.

ગોત્રી પીઆઈ એમ.કે.ગુર્જરે બંનેને કોર્ટમાં રજૂ કરી 28મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે રજૂઆત કરી હતી કે મુદામાલ રિકવર કરવાનો બાકી છે, અને કોર્પોરેટરના પરિવારજનો છે અને મુદામાલ લઇ હજુ ફરાર હિરાલાલને પકડવાનો બાકી છે ત્યારે આરોપીઓના રિમાન્ડ જરૂરી છે. કોર્ટે 28મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. લૂંટ બાદ બીટુ વતનમાં જતો રહ્યો હતો અને ઉમેશ સિંહા શિરડી સહિતના તીર્થ સ્થાનોએ ફર્યો હતો.

આરોપી ઉમેશ સિંહા સામે માંજલપુરમાં પણ અગાઉ લૂંટનો ગુનો નોંધાયો હતો
વાસણા રોડની રૂા.16.90 લાખની લૂંટમાં કોર્પોરેટરના પુત્ર અને તેના જમાઇની ધરપકડ કરાઈ હતી. જમાઈ ઉમેશ સિંહા સામે અગાઉ માંજલપુર વિસ્તારની લૂંટમાં પણ ગુનો નોંધાયો હતો એવું ગોત્રી પોલીસે જણાવ્યું હતું. બંને આરોપીઓને કોણે કોણે મદદ કરી હતી તે દિશામાં પણ તપાસ જારી હોવાનું પોલીસે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...