તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાબ્દિક યુદ્ધ:પ્રભારીની બેઠક બાદ કેતન અને દિનુમામાએ તલવાર મ્યાન કરી

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબી બાજુથી દીનુ મામા અને  કેતન ઈનામદાર - Divya Bhaskar
ડાબી બાજુથી દીનુ મામા અને કેતન ઈનામદાર
  • વિવાદ CMના કાને પહોંચતા નિવેડાની સૂચના
  • પાદરા આવેલા મુખ્યમંત્રીને મળવા કેતન ઇનામદાર પહોંચ્યા તો દિનુ મામા રૂમમાંથી બહાર નીકળીને કારમાં બેસી ગયા

બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર મુદ્દે ધારાસભ્ય કેતન ઈનામદારના આક્ષેપો અને ડેરીના ચેરમેન દિનુ મામાના પ્રતિઆક્ષેપો બાદ પ્રભારીએ બેઠક બોલાવી હતી. જેમાં સમાધાન થતાં બંનેએ તલવાર મ્યાન કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ વિવાદ પાદરા આવેલા મુખ્યમંત્રીના કાને પહોચતા જિલ્લા ભાજપ મોવડીને પૂર્વ ધારાસભ્ય અને સાવલીના ધારાસભ્ય વચ્ચે ચાલી રહેલા વિવાદનો તાત્કાલિક નિવેડો લાવવા સૂચના આપી હતી. જે સુચનાના આધારે જિલ્લા પ્રભારીના બંગલે સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં બંને નેતાઓને સામસામે બેસાડીને આ વિવાદનો અંત લાવવા જણાવી સમાધાન કરાવતા આખરે કેતન ઈનામદાર અને દિનુમામાએ તલવારો મ્યાન કરી હતી.

જિલ્લા ભાજપના સુત્રોના જણાવ્યા અનુસાર, પાદરા તાલુકાના કરખડી ખાતે ખાનગી કંપનીમાં કેન્દ્રનો શુભારંભ કરાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમવારે સવારે 10:30ની આસપાસ પહોચ્યાં હતાં. વડોદરા જિલ્લામાં મુખ્યમંત્રી આવનારા હોવાથી શહેર-જિલ્લાના ભાજપના નેતાઓ-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુ મામા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. પરંતું કાર્યક્રમ દરમિયાન સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર જોવા મળ્યાં ન હતાં. કાર્યક્રમ પુરો થયા બાદ કેતન ઈનામદાર કાર્યક્રમમાં પહોચ્યાં હતાં. કેતન ઈનામદાર સીએમને મળવા પહોંચતા જ દીનુમામા સીએમની રૂમમાંથી બહાર નિકળીને પોતાની ગાડીમાં બેસી ગયા હતાં. મુખ્યમંત્રીની સામે દીનુ મામા અને કેતન ઈનામદારે એકબીજાને મળવાનું ટાળ્યું હતું.

બીજી તરફ સુત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીએ કેતન ઈનામદાર અને દીનુ મામા વચ્ચે ચાલી રહેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપના શાબ્દિક યુધ્ધનો જલદીથી નિવેડો લાવવા માટે જિલ્લા ભાજપના મોવડી મંડળને સુચના આપી હતી. મુખ્યમંત્રીના રવાના થયા બાદ જિલ્લા ભાજપનું મોવડી મંડળ હરકતમાં આવી ગયું હતું. અને દીનુ મામા અને કેતન ઈનામદારને ફોન કરીને જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના બંગલે એક ખાસ મીટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આ મીટીંગમાં સાંસદ રંજનબેન ભટ્ટ, જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિનભાઈ કોયલી અને જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં દિનુમામા અને કેતન ઈનામદારને સામસામે બેસાડીને તેમની વચ્ચેના વિવાદોનો અંત લાવવા માટે કહેવામાં આવ્યું હતું. સુત્રોની માહિતી મુજબ સમગ્ર વિવાદમાં કેતન ઈનામદાર અને દિનુમામાને એક થી બે વાતો ને લઈને કેટલાક વાંધા હતા, જે મામલે મોવડી મંડળ દ્વારા સમાધાન પણ કરાવવામાં આવ્યું છે.

મીટિંગમાં સમાધાન કયા મુદે તે અંગે સસ્પેન્સ
વડોદરા જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના બંગલામાં સોમવારે મોડી સાંજે યોજાયેલી બેઠકમાં દિનુમામા અને કેતન ઇનામદાર વચ્ચે સમાધાન થયું હોવાની ચર્ચા છે. પરંતુ સમાધાન કઈ બાબતનું થયું છે તેના પર હજુ સસ્પેન્સ યથાવત્ છે.

દીનુ મામાના આક્ષેપ મુજબ ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી સાવલીમાંથી વિધાનસભાની ચૂંટણી લડવા માગતા હોવાથી કેતન ઇનામદારે ડેરીના વહીવટ સામે આક્ષેપો કર્યા છે, તો શું આ બેઠકમાં કુલદીપસિંહ રાહુલજી સાવલીથી વિધાનસભાની ચૂંટણી લડશે કે કેમ તેના પર સમાધાન થયું છે? કે પછી કેતન ઇનામદાર ના આક્ષેપ મુજબ બરોડા ડેરી પશુ પાલકો સાથે અન્યાય કરી રહી છે અને તેમને યોગ્ય વળતર નથી ચુકવી રહી તેના પર સમાધાન થયુ તે અંગે ચર્ચા જામી હતી.

આજે જિલ્લા ભાજપ દ્વારા બંને વચ્ચે સમાધાન થયું હોવાની જાહેરાત કરાય તેવી શકયતા
જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય અને સાવલીના ધારાસભ્ય વચ્ચે જામેલા શાબ્દિક યુધ્ધનો નિવેડો આવી ચુક્યો હોવાની મંગળવારના રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જાહેરાત કરશે. જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિનભાઈ કોયલી, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, દિનુ મામા તેમજ કેતન ઈનામદાર હાજર રહે તેવી સંભાવના રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...