યુનિ.માં FY બીએમાં ફાઉન્ડેશનની પરીક્ષા માટે બેઠક નંબર ફાળવવામાં આવ્યા છે. કોર-એલાઇડ વિષયોની પરીક્ષા બેઠક નંબર વિના લીધા બાદ ફાઉન્ડેશન માટે શનિવારે-રવિવારે બેઠક નંબરની વ્યવસ્થા કરાઇ છે. 1600 જેટલા વિદ્યાર્થીઓ સોમવારે અંગ્રેજી-મંગળવારે હિન્દીની પરીક્ષા આપશે. આર્ટસ ફેકલ્ટીમાં મીડ સેમની પરીક્ષાઓ ચાલી રહી છે. જોકે પરીક્ષા વિભાગે પરીક્ષા શરૂ થતા પહેલા વિદ્યાર્થીઓના બેઠક નંબર આપ્યા ના હતા. છતાં પણ વિવિધ વિભાગ પ્રમાણે પરીક્ષા લેવાની શરૂઆત કરી દેવાઇ હતી. કોર અને એલાઇડ વિષયની પરીક્ષા લઇ લેવામાં આવી છે. જોકે ફાઉન્ડેશનની પરીક્ષા તમામ વિભાગમાં લેવાની હોય છે.
જેને પગલે ફેકલ્ટી સત્તાધીશોએ પરીક્ષા વિભાગ સાથે કો-ઓર્ડિનેટ કરીને 1600 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે નંબર એલોકેટ કરી શકાય તે માટે શનિવાર-રવિવારે રજામાં કામ કરીને બેઠક નંબરની વ્યવસ્થા કરી છે. સોમવારે અંગ્રેજી અને મંગળવારે હિન્દી ભાષાની પરીક્ષા લેવામાં આવશે. જેના સીટ નંબર જનરેટ કરી દેવાયા છે.
વિદ્યાર્થીઓ તેના આધારે પરીક્ષા આપશે. માટે તેમને ફાળવવામાં આવેલી બેઠક વ્યવસ્થાના પ્રમાણે જ પરીક્ષા આપશે. ફાઉન્ડેશન માટે તમામ વિભાગના અધ્યાપકોને સુપરવાઇઝરની કામગીરી સોંપાઇ છે. જેમાં બ્લોક વાઇઝ બેઠક વ્યવસ્થા ગોઠવાઇ છે. જેથી વિદ્યાર્થીઓ આસાનીથી તેમને ફાળવામાં આવેલા નંબરના આધારે કયા વર્ગમાં પરીક્ષા લેવાશે તેની જાણકારી મળી રહે.
લાંબા સમયે બેઠક વ્યવસ્થા પ્રમાણે પરીક્ષા
કોરાનાકાળ પહેલા આર્ટસમાં સીસ્ટમેટિક કામ ચાલતું હતું. ત્યારે બેઠક વ્યવસ્થા પ્રમાણે પરીક્ષા લેવાતી હતી. ત્યારબાદ પરીક્ષા સમયે બેઠક નંબર વિના જ પરીક્ષા લેવાનો વારો આવતો હતો. આ વખતની પરીક્ષામાં પણ કોર અને એલાઇડ વિષયની પરીક્ષા બેઠક નંબર વગર લેવાઇ હતી. જોકે અંગ્રેજી-ગુજરાતીની પરીક્ષા બેઠક નંબર પ્રમાણે લેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.