શહેરના માંજલપુર વિસ્તારમાં બુધવારે એક બંગલામાં કામ કરતાં સગીરનું ભેદી સંજોગોમાં ગળા ફાંસો ખાઇને મોત થતાં ચકચાર મચી ગઇ હતી. પેનલ પીએમ સુધી કોઈ પગલાં નહી લેવાતાં પરિવારજનોએ વિપુલનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. માંજલપુરના સુબોધનગરમાં દીપીકાબેન શાહને ત્યાં વિપુલ અને રણજીત બે ભાઈઓ કામ કરતાં હતા. જયાંથી બુધવારે ભેદી સંજોગોમાં વિપુલનો મૃતદેહ લટકતો મળ્યો હતો. જેને પગલે વિપુલના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. તે પછી વિપુલના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી પોલીસે એડી દાખલ કરી હતી.
પોલીસે પરિવારજનોના નિવેદનો લીધા હતા. વિપુલના પરિવારજનોએ કલેકટર, પોલીસ કમિશનર સમક્ષ આ આપઘાત નહી પણ હત્યા છે જેથી પીએમ પેનલ થવું જોઈએ તેવી માગ કરી હતી. જેથી પેનલ પીએમ કરાયું હતું. પણ ગુનો દાખલ ન થાય તો મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇન્કાર કરતાં પોલીસ વિમાસણમાં મુકાઈ ગઇ હતી. જો કે પરિવારજનો આખરે માન્યા હતા.
પીએમમાં ઇજાના નિશાન દેખાયા નથી
ફોરેન્સીક વિભાગના વડા ડો.સુનીલ ભટ્ટ અને ડો.આદિત્ય ઇટારેના નેજા હેઠળ પીએમ કરવામાં આવ્યું હતું. ફોરેન્સીક વિભાગ અનુસાર વિપુલના શરીર પર ઇજાના કોઈ નિશાન નથી, વિપુલનું મોત આપઘાતથી થયું હોવાનું પ્રાથમિક જણાયું છે. આમ છતાં વિસેરા તપાસ માટે મોકલી અપાયા છે.
દિપીકા શાહના બંગલે પોલીસ બંદોબસ્ત મૂકાયો
બંગલાના માલિક દિપીકાબેન શાહ સામે કાર્યવાહી માટે વિપુલના પરિવારજનોએ માંગ કરી છે ત્યારે બંગલામાં અપ્રિય ઘટના ન બને તેની અગમચેતી માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
બનાવમાં ચાર જણાંના નિવેદનો લેવામાં આવ્યા
બનાવમાં પોલીસે 4 જણાના નિવેદન લીધા છે. તેની માતા અને ભાઈનું નિવેદન લેવાયું હતું. તે પછી દિપીકાબેન શાહ અને તેની પુત્રીનું નિવેદન લેવાયું છે જેમાં વાંધાજનક બાબત જણાઇ નથી. - પ્રણવ કટારીયા, એસીપી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.