વિવાદ:આમંત્રણ પત્રિકાના વિવાદ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખે ડાયરામાં આવવાનું ટાળ્યું

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના કાર્યક્રમમાં શહેર પ્રમુખના નામની બાદબાકી કરાઈ હતી

જિલ્લા ભાજપના પ્રભારી અને કાઉન્સિલરની સંસ્થા દ્વારા યોજાયેલા કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં શહેર ભાજપ પ્રમુખના નામની બાદબાકી કરવામાં આવતાં ભાજપમાં ચાલતી જૂથબંધી છતી થઈ હતી. આ અંગે વિવાદ થતાં ડાયરામાં પ્રદેશ પ્રમુખે આવવાનું ટાળ્યું હતું.જિલ્લા ભાજપ પ્રભારી પરાક્રમસિંહ જાડેજાની સંસ્થાએ યોજેલા લોકડાયરાના કાર્યક્રમની પત્રિકામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ મંત્રીઓ, ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ પત્રિકામાં શહેર પ્રમુખ ડો.વિજય શાહના નામની બાદબાકી કરાતાં શહેર ભાજપમાં બધું ઠીક નહિ હોવાનું સપાટી પર આવ્યુ હતું.

જોકે વિવાદ વકરતાં તાત્કાલિક ધોરણે બીજી આમંત્રણ પત્રિકા શહેર ભાજપ પ્રમુખના નામને સ્થાન અપાયું હતું. ભાજપના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ આ વિવાદની ચર્ચા પ્રદેશ લેવલ સુધી પહોંચી હતી. પક્ષના કેટલાક હોદ્દેદારોએ પ્રદેશના મોવડીઓને શહેરમાં ચાલી રહેલી તમામ બાબતો અને હાલના વિવાદથી પક્ષને નુકસાન પહોંચી શકે છે તેવી માહિતી પહોંચાડી હતી. જેના પગલે સોમવારે યોજાયેલા લોકડાયરાના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ આવવાનું ટાળ્યું હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...