વડોદરા જિલ્લામાં ટિકિટ ન મળતાં બળવો કરી અપક્ષ લડવાની જાહેરાત કરનારા કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળિયાને મનાવી ડેમેજ ખાળવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને લઈ વડોદરા જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા બુધવારે કરજણ પહોંચ્યા હતા. બંધબારણે મળેલી મિટિંગ બાદ આખરે સતીષ નિશાળિયાએ અપક્ષમાં નહીં લડી ભાજપમાં જ રહેવાનો નિર્ણય લીધો હતો. મિટિંગ દરમિયાન ગંધારા સુગર કૌભાંડ તેમજ પૂર્વ ધારાસભ્યના ફાઇનાન્સરને સાણસામાં લેવાયા હોવાની પણ ચર્ચા છે.
ઉલ્લેખનિય છે કે, કરજણ વિધાનસભામાં ભાજપમાંથી વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલની ટિકિટ જાહેર થતાં દાવેદારી નોધાવનારા સતીષ નિશાળિયા નારાજ થઈ ગયા હતા. તેમણે અપક્ષ અથવા અન્ય પક્ષમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી. ત્યારબાદ સતીશ નિશાળિયાએ પોતાના સમર્થકોને મળીને શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. આ તમામ ગતિવિધિઓ વચ્ચે બુધવારના રોજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને વડોદરા જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા કરજણ ખાતે પહોંચ્યા હતા.
જ્યાં સતીશ નિશાળિયાની ઓફિસ ખાતે મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરાવ્યા બાદ સતીશ નિશાળિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ‘હું અપક્ષ ઉમેદવારી કરવાનો નથી તેમજ ભારતીય જનતા પાર્ટી વિચારધારા વાળો છું તેમજ પાર્ટી સાથે જ રહીશ’ તેમ જણાવ્યું હતું. જોકે પ્રકરણનો અંત આવ્યા બાદ સૂત્રો અનુસાર, પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળિયાના ગંધારા સુગરના વહીવટો અને તેમના ફાઇનાન્સરો પર બાજ નજર રાખીને તેમને સાણસામાં લીધા બાદ આ ઓપરેશન પાર પડાયું હોવાની ચર્ચા છે.
માન સચવાશે તેવી ખાતરી આપી
સી.આર.પાટીલે મને મિટિંગમાં જણાવ્યું હતું કે, તમે અપક્ષ ઉમેદવારી નોંધાવશો નહીં અને પાર્ટી સાથે જ જોડાયેલા રહો. તેમણે મને વાયદો આપ્યો છે કે, મારું માન-સન્માન પાર્ટીમાં જળવાયેલું રહેશે. જોકે આ મિટિંગ દરમિયાન મને કોઈ હોદ્દો આપવાની ખાતરી આપી નથી. -સતીશ નિશાળિયા, પૂર્વ ધારાસભ્ય, કરજણ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.